Thu May 14 2026

Logo

ચોટીલા-રાજકોટ હાઈવે પર ટેન્કર સાથે અથડાયા બાદ બસ બની આગનો ગોળો, 4 મુસાફરો જીવતા સળગ્યા

2026-05-14 08:37:00
Author: Mayur Kumar Patel
Article Image

રાજકોટઃ રાજ્યમાં ગમખ્વાર અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર સાંગાણી ગામ પાસે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. રાજકોટથી ચોટીલા તરફ જઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ્સની બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત બાદ બંને વાહનોમાં ભીષણ આગ લાગતા ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી.  અકસ્માત એટલો ભયાનક હતો કે બસમાં સવાર 4 મુસાફરો બહાર નીકળી શક્યા નહોતા અને તેઓ જીવતા સળગી ગયા હતા. 

મૃતદેહો એટલી હદે બળી ગયા છે કે તેમની પ્રાથમિક ઓળખ કરવી અશક્ય બની છે. હવે મૃતકોની ઓળખ સુનિશ્ચિત કરવા માટે DNA ટેસ્ટ જ એકમાત્ર વિકલ્પ બચ્યો છે. આ ગમખ્વાર અકસ્માતમાં અન્ય 10 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

કેવી સર્જાયો અકસ્માત

મળતી વિગત પ્રમાણે, મોડી રાત્રે આશરે 1:30 વાગ્યાના સુમારે હાઈવે પર જઈ રહેલા ટેન્કરનું અચાનક ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટવાને કારણે ટેન્કરની ગતિ ખોરવાઈ હતી અને પાછળથી પૂરઝડપે આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેના કારણે શોર્ટ સર્કિટ થઈ હતી અને ગણતરીની સેકંડમાં જ બસમાં આગ ફાટી નીકળી હતી.

થોડી જ મિનિટમાં આગે વિકરાળરૂપ ધારણ કરી લીધું હતું. જેના કારણે મુસાફરોને બહાર નીકળવાનો પણ સમય મળ્યો નહોતો. ભર નીંદરમાં સુતેલા મુસાફરો કંઈ સમજે તે પહેલાં જ આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેના કારણે ચાર મુસાફરો જીવતાં ભુજાઈ ગયા હતા. જ્યારે 10 મુસાફરોને ઈજા થતાં સારવાર અર્થે ખસેડાયા હતા.અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને સ્થાનિક પોલીસ તેમજ ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.