Sat Sep 12 2026

Logo

સ્થાપત્યનું વાઈ-ફાઈઃ એપાર્ટમેન્ટના ત્રણ પ્રયોગ...

2026-09-12 09:54:00
Author: Hemant Wala
સ્થાપત્યનું વાઈ-ફાઈઃ એપાર્ટમેન્ટના ત્રણ પ્રયોગ...

હેમંત વાળા

શહેરીકરણની પ્રક્રિયામાં એપાર્ટમેન્ટની માગ વધતી જાય તે સ્વાભાવિક છે. સમગ્રતામાં જોતાં જણાશે કે એપાર્ટમેન્ટની રચનામાં વિવિધતાનો અભાવ હોય છે, આવાસને પોતાની ઓળખ મળતી નથી હોતી, બધી જ વસ્તુ જાણે ચીલાચાલુ હોય છે. હવે તો એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે સામાન્ય માનવી એમ વિચારી શકતો જ નથી કે એપાર્ટમેન્ટમાં પણ કંઈક નવીનતા હોઈ શકે, જે એપાર્ટમેન્ટમાં રહેવા જાય તે એ વાત સ્વીકારી જ લે કે આમાં વ્યક્તિગતતાનો સદંતર અભાવ હશે. 

આ એક કડવી વાસ્તવિકતા છે, વિશ્વના મોટાભાગના સ્થપતિઓએ આ પ્રશ્નને ગંભીરતાથી લીધો નથી. મોટા સ્ટેડિયમ અને મોલ બનાવાય છે, પરંતુ એપાર્ટમેન્ટ માટે તેટલું ચિંતન કરાતું નથી. સ્થાપત્યની આ એક નિષ્ફળતા છે.

એપાર્ટમેન્ટ કેવાં હોઈ શકે તેની માટે વિશ્વભરમાં જે પ્રયોગો થયાં છે તેમાં ત્રણ પ્રયોગ ખાસ ચર્ચામાં રહ્યા છે. એક કૅનેડાના મોન્ટ્રિયલનું સ્થપતિ મોસે સાફદીનું `હેબિટાટ 67', બીજું સ્પેનના બાર્સિલોનાનું સ્થપતિ લી કાર્બોઝિયરનું `યુનાઇટેડ હેબિટાટ' અને ત્રીજું ભારતના મુંબઈનું સ્થપતિ ચાર્લ્સ કોરિયાનું `કંચનજંગા'.

આમાંનું હેબિટાટ 67 એ ઘનાકાર આવાસ ઘટકોને જુદા જુદા પ્રકારે એકબીજા પર ગોઠવી બનાવાયેલ નિયમબદ્ધ ઢગલાં જેવું છે. અહીં જુદા જુદા માપનાં આવાસના ચોસલાઓને એકબીજા સાથે એ રીતે ગોઠવવામાં આવ્યા છે કે જાણે દરેક આવાસને પોતાની ઓળખ મળે, દરેક આવાસમાં ગોપનીયતા જુદી જુદી રીતે પ્રાપ્ત થઈ શકે. એમ કહી શકાય કે અહીં એક જ વાત બે વાર ક્યારેય સ્થાપિત નથી થતી, દરેક વખતે જુદી ગોઠવણ અને જુદું પરિણામ. વ્યક્તિગતાની દૃષ્ટિએ અહીં દરેક આવાસને આગવું મહત્ત્વ મળે છે. અહીં એકધારાપણાનો સંપૂર્ણ અભાવ છે.

હેબિટાટ 67નાં બધાં આવાસને અંગત બાલ્કની કે અગાસી મળે છે જે, મોન્ટ્રિયલ જેવાં શહેર માટે ઉલ્લેખનીય ઘટના ગણાય. આ બધાં આવાસ નાનાં હોવાં છતાં તે જરૂરિયાત મુજબનાં છે. હેબિટાટ 67માં પ્રશ્ન એ છે કે આ રચના ખૂબ જટિલ છે અને તેથી તેની કિમત બહુ વધી જાય છે. આ પ્રકારની રચના મધ્યમ વર્ગના માનવીને ન પરવડે. હકીકત તો એ છે કે આ પ્રકારની રચના ધનિકને પણ ન પરવડે. અહીં માળખાકીય બંધારણની કિમત ખૂબ વધી જાય છે. 

સામાન્ય રીતે એપાર્ટમેન્ટમાં હોય છે તેમ, જ્યારે એક આવાસ પર બીજું આવાસ હોય ત્યારે તે રચના માળખાકીય દૃષ્ટિએ કિફાયતી બંને. અહીં તેનાથી સાવ જ વિપરીત પરિસ્થિતિ છે. તે સાથે અહીં મૂળભૂત સંરચનાની જટિલતા પણ વધુ રહે છે અને આવનજાવનના માર્ગમાં પણ જરૂરી સ્પષ્ટતાનો અભાવ રહ્યો છે. ક્નસેપ્ટ તરીકે આ એક પ્રશંસનીય રચના છે, પરંતુ તેના વિગતિકરણમાં વધુ ઊંડા ઉતારવાની જરૂર છે.

યુનાઇટેડ હેબિટાટ પણ એક રસપ્રદ રચના છે. આ એપાર્ટમેન્ટ વિશાલ ચોસલા જેવું છે. આ એપાર્ટમેન્ટની સૌથી આગવી ખાસિયત એ છે કે અહીંના દરેક આવાસ ઊંચાઈમાં પરસ્પર એકબીજામાં ગોઠવાઈ ગયાં છે. એમ કહી શકાય કે પહેલો અને ત્રીજો માળ એપાર્ટમેન્ટની સામે સામેની દીવાલો સુધી સળંગ જાય અને વચ્ચેનો માળ ઉપર-નીચેના માળ સાથે અડધો અડધો વહેંચાઈ જાય. 

આ વચ્ચેના માળ સાથે જ આવનજાવન માટેનો કોરીડોર સંકળાય છે. સ્થાપત્યમાં આ એક સાવ જ ભિન્ન પ્રકારનો નવો જ પ્રયોગ હતો. તે વખતે વિશ્વમાં જે આધુનિકતાનો પવન વહેતો હતો તેમાં આ રચના સ્વીકૃત બની ગઈ. જો કે સમય જતાં તેમાં રહેલાં મૂળભૂત પ્રશ્નોને કારણે તેની અસ્વિકૃતિ ઝડપથી સ્થાપિત થતી ગઈ. કોઈપણ વસ્તુ જ્યારે પવનમાં વહે ત્યારે જરૂરી નથી કે તેણે સાચી દિશા પકડી હોય.

બાર્સિલોનાના આ યુનાઇટેડ હેબિટાટમાં આવાસને એક રહેવા માટેના મશીન તરીકે લેવાયું છે, પ્રશ્નોની શરૂઆત અહીંથી થાય છે. ઓછામાં ઓછી પહોળાઈ વાળા એપાર્ટમેન્ટ - આવાસમાં જેની ગણના થાય છે તેવાં આ આવાસની લંબાઈ પ્રમાણમાં વધારે હોવાથી તે ક્યાંક ટ્યૂબ જેવું લાગે છે. 

આ એપાર્ટમેન્ટની રચના અહીં રહીશોના અભિપ્રાય મુજબ જેલ જેવી છે. સ્થપતિએ પોતાનાં વિચારોમાં ક્યાંક અતિશયોક્તિ કરી નાખી હોય તેમ લાગે છે. નાનું મશીન જેવું છતાં દ્વિસ્તરીય બનાવવામાં માનવીય સંવેદનાઓ ક્યાંક વિસરાઈ ગઈ હોય તેમ ઘણાં માને છે. વિશ્વના એક મહાન સ્થપતિ દ્વારા બનાવેલ હોવા છતાં આ એપાર્ટમેન્ટનો પ્રયોગ લગભગ નિષ્ફળ ગણાય છે. અહીં 80 પ્રતિશત જેટલાં આવાસ તો ખાલી છે. છતાં પણ સ્થાપત્યના ઇતિહાસમાં તેને સ્થાન છે કારણ કે આ એપાર્ટમેન્ટ થકી એપાર્ટમેન્ટની સ્થાપિત ધારણાં સામે એક નવી શૈલી અસ્તિત્વમાં આવી.

આ બધાં સામે મુંબઈના કંચનજંગા એપાર્ટમેન્ટમાં જે પ્રકારે પ્રત્યેક આવાસમાં વિવિધતા છે, આબોહવા અને બહારની પરિસ્થિતિ સાથે જે રીતે સંવાદ સ્થાપિત થાય છે, પ્રવર્તમાન જીવનશૈલીને સંપૂર્ણતામાં સ્વીકારીને જે રીતે સ્થાન નિર્ધારણ થયું છે, વિવિધતા સાથે જે રીતે ઐક્ય સ્થાપિત થાય છે, જટિલ રચનાનું જે રીતે સરળતામાં રૂપાંતર થયું છે, 

કોઈપણ અસંદર્ભિક તેમ જ અનિચ્છિત બાબત બળજબરીથી સ્થાપિત કરવાનો પ્રયત્ન નથી થયો - આ અને આવી બાબતોને કારણે, વિશ્વમાં એપાર્ટમેન્ટની રચના માટે થયેલ બધાં જ પ્રયોગોમાં આ કદાચ સૌથી વધુ સફળ, સૌથી વધુ સ્વીકૃત તથા સૌથી વધુ અસરકારક પ્રયોગ છે. સ્વતંત્ર ભારતના સ્થાપત્ય ક્ષેત્રનું આ ગૌરવ છે. આઝાદ ભારતના એક સ્થપતિની આ સિદ્ધિ છે.

આ ત્રણેય પ્રયોગોની કેટલીક ખાસિયત છે અને કેટલીક મર્યાદાઓ પણ છે. આવું તો થવાનું જ, જે કંઈ ખાસિયતો છે તેને આગળ વધારવી પડે અને જે કંઈ મર્યાદાઓ છે તેનો ઉકેલ લાવવો પડે. આ સંદર્ભમાં પણ ભારતનું કંચનજંગા આગવી છાપ છોડે છે.