દેવલ શાસ્ત્રી
આજે aiને તમે કંઈ પણ પૂછો, જવાબ મળી જાય છે. ક્યારેક તો એવો જવાબ મળે કે લાગે, આ મારી વાત ખરેખર સમજી ગયો છે. તમે લખો કે આજે ઑફિસમાં બહુ ખરાબ દિવસ ગયો, તો સામેનો જવાબ માત્ર આવું થાય છે કહીને અટકતો નથી. એ પૂછે કે શું થયું, તમને થોડો આરામ કરવાની સલાહ આપે, વાત કરવી હોય તો સાંભળવાની તૈયારી બતાવે. અહીંથી એક રસપ્રદ સવાલ ઊભો થાય છે કે ai ખરેખર આપણને સમજે છે કે સમજ્યાનો અહેસાસ કરાવે છે?
માનો તમે તમારા મિત્રને ફોન કરો અને કહો, આજે મૂડ બહુ ખરાબ છે. મિત્ર તમને ઓળખે છે. કદાચ એ સમજી જાય કે આજે તમને સલાહની જરૂર નથી, માત્ર વાત કરવાની જરૂર છે. એ તમને કહે, ચાલ, પહેલા ચા પી, પછી શાંતિથી વાતો કરીએ. આ વાત તમને સ્પર્શી જાય છે, કારણ કે મિત્રે આવા દિવસ જોયા છે, તમારી સાથે સમય વિતાવ્યો છે અને તમારા સ્વભાવને ઓળખે છે. ai એ આ રીતે અનુભવ માણ્યો નથી. છતાં એ એવી જ ભાષા શોધી શકે છે, કારણ કે તેણે લાખો માણસોની વાતચીતમાંથી ભાષાના અસંખ્ય નમૂનાઓ શીખ્યા છે.
આ જ વાત કૉગ્નિટિવ ઇમોશન જેવા શબ્દોમાં કહેવામાં આવે છે. સરળ ભાષામાં કહીએ તો સામેની વ્યક્તિ શું કહે છે એટલું જ નહીં, એ કઈ સ્થિતિમાં કહે છે એ સમજવાનો પ્રયાસ. કોઈ વિદ્યાર્થી લખે, મને પરીક્ષામાં ઓછા માર્ક્સ આવ્યા, તો એને તરત વધારે મહેનત કર કહેવું સહેલું છે. પરંતુ કદાચ એ વિદ્યાર્થી પહેલેથી જ દુ:ખી છે. એને પહેલાં કોઈ કહે કે ચાલ, ક્યાં ભૂલ થઈ એ જોઈએ, તો વાત આગળ વધી શકે. ai આવા સંદર્ભને પકડવામાં હોશિયાર બનતો જાય છે.
પણ અહીં એક નાનો ફરક છે. aiને તમારા ઓછા માર્ક્સનું દુ:ખ થતું નથી. એને પરીક્ષામાં ઓછા માર્ક્સ મળ્યા નથી. એ ફક્ત સમજે છે કે આવી સ્થિતિમાં માણસ સામાન્ય રીતે શું અનુભવે છે અને કેવી ભાષા ઉપયોગી બની શકે.
એટલે aiને સારો સંવાદી બનાવવા માટે એને માણસની ભાષા અને લાગણીઓના સંકેતો સમજવા-શીખવવા જરૂરી છે, પરંતુ એની મર્યાદા પણ સમજવી જરૂરી છે. માનો તમે aiને લખો, મારા મિત્ર સાથે ઝઘડો થયો. એ તમને દસ સુંદર વાક્યો લખી આપશે, પરંતુ તમારો મિત્ર સામે બેસીને જે રીતે ચૂપ રહે છે, આંખમાં જુએ છે. અડધા કલાક પછી અચાનક કહેશે, ચાલ, ભૂલી જઈએ આ અનુભવ મશીન માટે અલગ છે.
આનો અર્થ એવો નથી કે aiની હૂંફ નકલી છે એટલે એની કોઈ કિમત નથી. કોઈ માણસ રાત્રે એકલો બેઠો હોય અને પોતાની વાત ગોઠવવા માટે ai સાથે વાત કરીને એને થોડું હળવું લાગે તો એ અનુભવ સાચો છે. જવાબ આપનાર મશીનને લાગણી થઈ કે નહીં એ એક અલગ સવાલ છે; જવાબ વાંચીને માણસને શું લાગ્યું એ આપણા માટે માનવીય ઘટના છે.
aiને વધુ સંવેદનશીલ બનાવવાની સાથે સુરક્ષાની મર્યાદા પણ જરૂરી છે. કોઈ વ્યક્તિ ગુસ્સામાં હોય ત્યારે ai એને વધુ ઉશ્કેરે નહીં, કોઈ દુ:ખી વ્યક્તિને ખોટી ખાતરી ન આપે અને કોઈ નાજુક સ્થિતિમાં ખતરનાક સલાહ ન આપે જેવાં નિયંત્રણ જરૂરી છે. પરંતુ એટલા ડરથી aiને એવું પણ ન બનાવી દઈએ કે દરેક સવાલનો જવાબ સરકારી નોટિસ જેવો લાગે. આપણે ai પાસે કદાચ માણસ બનવાની અપેક્ષા રાખતા નથી. આપણને એટલું જોઈએ છે કે તે માણસ સાથે માણસ જેવી સંવેદનશીલ ભાષામાં વાત કરી શકે.
જેમ કે તમે કહો, આજે બહુ થાકી ગયો છું. એક મશીન કહી શકે, આરામ કરો. થોડું સારું ai કદાચ કહેશે આજે બહુ કામ હતું? આ બંને જવાબમાં શબ્દો થોડા જ છે, પણ બીજા જવાબમાં વાત આગળ વધવાની જગ્યા છે. કદાચ aiનું ભવિષ્ય માહિતી વધારવામાં નથી, કારણ કે માહિતી તો આમ પણ વધવાની છે. માણસની વાત ક્યારે જવાબ માગે છે અને ક્યારે માત્ર સાંભળનાર મંગે છે આ તફાવત સમજવામાં aiનું ભવિષ્ય છે.
હા, ai આપણને સમજ્યાનો અહેસાસ કરાવી શકે છે; આપણું જીવન જીવી શકતું નથી. તમારા મિત્ર સાથેની ચા, પિતાની ચિંતા, માતાની રાહ, કોઈ જૂના ગીતથી આવતી યાદ ai વર્ણવી શકે છે, પરંતુ એ જીવન એનું નથી. ai જેટલું માનવીય બનશે, આપણે માનવી અને મશીન વચ્ચેનો નાનો ફરક યાદ રાખવો પડશે. મશીન લાગણીની ભાષા શીખી શકે છે, પણ લાગણીનું જીવન માણસનું જ રહેવાનું છે.
ધ એન્ડ
એક નાનકડી નદી તેના મૂળમાંથી નીડર બનીને નીકળે છે, તેને એટલી જ ખબર છે કે અહીં રોકાવા કરતાં નીકળવું જરૂરી છે. (અજ્ઞાત)