Mon Oct 05 2026

Logo

રાજકોટમાં જળસંકટના ભણકારા, આજી-ન્યારી ડેમમાં માત્ર એક મહિનાનો જથ્થો!

2026-09-12 11:52:00
Author: Mayur Patel
રાજકોટમાં જળસંકટના ભણકારા, આજી-ન્યારી ડેમમાં માત્ર એક મહિનાનો જથ્થો!

રાજકોટઃ રાજકોટમાં ચોમાસા દરમિયાન અપૂરતા વરસાદને કારણે હવે જળસંકટની સ્થિતિ સર્જાવાની ભીતિ ઉભી થઈ છે. શહેરના મુખ્ય જળસ્ત્રોત એવા આજી અને ન્યારી ડેમમાં માત્ર એક મહિનાનો પાણીનો જથ્થો બાકી હોવાની સ્થિતિ વચ્ચે મનપા તંત્ર દ્વારા સરકાર સમક્ષ તાકીદની રજૂઆત કરવામાં આવી છે.

રાજકોટના મેયર ડૉ. નેહલ શુક્લે સરકારને પત્ર પાઠવીને સૌની યોજના અંતર્ગત આજી અને ન્યારી ડેમમાં નર્મદાનું પાણી પહોંચાડવાની માગ કરી છે. 
મેયરે બંને ડેમમાં કુલ 4,000 MCFટ નર્મદાનું પાણી આપવા સરકારને તાકીદની વિનંતી કરી છે, જેથી રાજકોટમાં આગામી દિવસોમાં સર્જાઈ શકે તેવી પાણીની કટોકટી નિવારી શકાય.

ચોમાસામાં અપેક્ષા મુજબ વરસાદ ન પડતા ડેમોમાં પાણીની આવક મર્યાદિત રહી છે. પરિણામે હવે રાજકોટના જળસંગ્રહને લઈને ચિંતા વધી છે. હવે સરકાર દ્વારા સૌની યોજના મારફતે આજી અને ન્યારી ડેમમાં નર્મદાનું પાણી છોડવા અંગે શું નિર્ણય લેવામાં આવે છે તેના પર રાજકોટવાસીઓની નજર છે. 

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ રાજકોટમાં માત્ર 53 ટકા જ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ 75.74 ટકા થયો છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ 56.35 ટકા વરસાદ નોંધાયો છે.