ભાવનગરઃ ભાવનગર પોલીસે રિક્ષાચાલકની હત્યાનો કેસ ઉકેલ્યો હતો. મિત્રએ જ મિત્રને ઝેરી દારૂ પીવડાવી મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસે તપાસ કરીને કેસ ઉકેલી નાંખ્યો હતો.
શું છે મામલો
થોડા દિવસ પહેલા ભાવનગર લઠ્ઠાકાંડ વચ્ચે આનંદનગર વિસ્તારમાં રહેતા રિક્ષાચાલકનું મોત સામાન્ય ઝેરી દારૂ પીવાથી નહીં, પરંતુ તેના જ અંગત મિત્ર દ્વારા રચાયેલા સુનિયોજિત ષડયંત્ર હેઠળ હત્યા કરવાથી નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. આ મામલે ભાવનગર પોલીસે લઠ્ઠાકાંડ કે અકસ્માતે મોતના ગુનાને બદલે પ્રથમ વખત સીધો હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ તપાસમાં બહાર આવેલી ચોંકાવનારી વિગતો મુજબ, શહેરના આનંદનગર વિસ્તારમાં રહી સ્કૂલ રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા ભાવેશ વિસાણીનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ આ બનાવ લઠ્ઠાકાંડ કે ઝેરી દારૂના સેવનનો હોવાનું ચિત્ર ઉપસાવવામાં આવ્યું હતું. જોકે, ઊંડાણપૂર્વકની તપાસમાં સમગ્ર કાવતરું છતું થયું હતું. શીતળા સાતમના તહેવાર દરમિયાન ભાવેશના અંગત મિત્ર મુકેશ પટેલે બદદાનત રાખી તેને જીવલેણ પ્રવાહી/દારૂ પીવડાવ્યો હતો. લઠ્ઠાકાંડની ચાલતી ચર્ચા વચ્ચે આ ઘટનાને ખપાવી દઈ કાયદાની આંખમાં ધૂળ નાખવાનો મુકેશનો બદઇરાદો હતો.
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ બી-ડિવિઝન પોલીસે આ કેસમાં ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ, કોલ ડિટેઇલ્સ અને બાતમીદારો પાસેથી મળેલી સચોટ કડીઓના આધારે પોલીસે સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો.