Mon Oct 05 2026

Logo

ભુજમાં કલેક્ટર કચેરીથી કોલેજ રોડ સુધી સુધરાઈની દબાણહટાવ ઝુંબેશ: લારી-ગલ્લાં અને ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત

2026-09-12 11:26:00
Author: Mumbai Samachar Team
ભુજમાં કલેક્ટર કચેરીથી કોલેજ રોડ સુધી સુધરાઈની દબાણહટાવ ઝુંબેશ: લારી-ગલ્લાં અને ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત

ભુજઃ ભુજ શહેરમાં જાહેર માર્ગો અને ફૂટપાથો પર વર્ષોથી ખડકાયેલા દબાણો સામે ભુજ નગરપાલિકા દ્વારા આંશિક વિરામ બાદ ફરી એકવાર દબાણહટાવ ઝુંબેશ તેજ કરવામાં આવી છે.

નામદાર સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર અને અગાઉ અપાયેલી નોટિસોના પગલે આજે સવારથી કલેક્ટર કચેરીથી કોલેજ રોડ સુધી સુધરાઈની ટુકડીએ જેસીબી અને પોલીસ બંદોબસ્ત સાથે કડક કાર્યવાહી હાથ ધરી હતી.

નગરપાલિકાની ટુકડી ઘટનાસ્થળે પહોંચતાં જ દબાણકારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. કલેક્ટર કચેરીથી જયનગર સુધીના માર્ગ પર ખડકાયેલી હાથલારીઓ, ખાણી-પીણીના કાઉન્ટરો, પતરાની કેબિનો, ગેરકાયદેસર આરસીસીના ઓટલા, ચણેલી દીવાલો અને બાથરૂમ સહિતના કાચા-પાકા બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન સુધરાઈએ વિમલ અને રોજીસ નર્સરી દૂર કરી પાણીના ગેરકાયદે જોડાણો કાપી નાખ્યા હતા તથા પચાસથી વધુ સામગ્રીઓ જપ્ત કરી હતી.

આ ઉપરાંત ભુજના કોટ અંદરના છઠ્ઠીબારી, અનમ રિંગ રોડ અને જૂની શાક માર્કેટ વિસ્તારમાં હજુ પણ દબાણકારો બેખોફપણે રસ્તા રોકીને બેઠા હોવાથી ટ્રાફિકની વિકટ સમસ્યા સર્જાઈ રહી છે. નગરપાલિકા દ્વારા હટાવાયેલા દબાણકારો ફરી તે જ જગ્યાએ ગોઠવાઈ જતાં હોવાથી જાગૃત નાગરિકોમાં નારાજગી વ્યાપી છે. તંત્ર દ્વારા આવા નફ્ટ તત્વો વિરુદ્ધ આકરાં પગલાં ભરી કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

(ઉત્સવ વૈદ્ય)