ભુજઃ પશ્ચિમ કચ્છના અબડાસા તાલુકાના બોહા ગામની સીમમાં ઘુસી આવેલા ખૂંખાર દીપડાએ ચરવા ગયેલી ગાય પર ત્રાટકીને તેનો શિકાર કરતાં સમગ્ર પંથકના માલધારીઓ અને ખેડૂતોમાં ભારે દહેશત ફેલાઈ ગઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ, બોહા સીમ વિસ્તારમાં ચરિયાણ માટે ગયેલા ગાયોના ટોળા પર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. આ હુમલામાં ગાયને ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. સીમ વિસ્તારમાં અચાનક થયેલા આ બનાવથી પશુપાલકોમાં ભારે અફડાતફડી મચી ગઈ હતી.
સ્થાનિક ગ્રામજનો અને માલધારીઓના જણાવ્યા અનુસાર, સીમમાં દીપડાની સતત હાજરીના કારણે હવે પશુઓને ચરાવવા લઈ જવામાં પણ ભય અનુભવાઈ રહ્યો છે. આ ઉપરાંત રાત્રિના સમયે ખેતરોમાં પિયત માટે જતા ખેડૂતોના જીવ પર પણ જોખમ તોળાઈ રહ્યું છે.
ઘટનાને પગલે બોહા અને આસપાસના ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ તાત્કાલિક સીમ વિસ્તારમાં પાંજરું ગોઠવી હિંસક પ્રાણીને ઝડપી પાડવાની માંગ કરી છે. માલધારીઓને સુરક્ષા પૂરી પાડવામાં આવે અને સંભવિત મોટી જાનહાનિ ટાળવામાં આવે તે માટે વન વિભાગે તાકીદે તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી આદરી છે.
(ઉત્સવ વૈદ્ય)