Sun May 31 2026

Logo

વાહન વેચવા ડિજિટલી વિચારો...

2026-05-31 10:38:00
Author: Sameer Joshi
Article Image

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે - સમીર જોશી

આજે જ્યારે પેટ્રોલ- ડીઝલના ભાવ ડગલે ને પગલે વધી રહ્યા છે અને ઊંટ તરફ લોકો વળી રહ્યા છે ત્યારે આ ઇન્ડસ્ટ્રી માટે લોકોને લાગે છે કે કપરાં ચઢાણ છે. આજે બદલાવ ક્ધઝ્યુમરની ખરીદી કરવાની રીતમાં અને ગાડીઓનાં ઉત્પાદનોમાં જોઈ શકાય છે. ટેક્નોલોજી આજે મહત્ત્વનો ભાગ ભજવી રહી છે ગાડીઓ અને બાઇકના ફીચર્સમાં. બહારના દેશોમાં તો ડ્રાઈવર વગરની ગાડીઓ દોડી રહી છે. આવા સમયે શું રાબેતા મુજબનું વેચાણ ચાલશે? આનો વિચાર કરવો પડશે.

વર્ષો પહેલા ઘરમાં વાહન હોવું એ બહુજ મોટી વાત કહેવાતી. ઘર સમૃદ્ધ છે તેનું તે માપદંડ હતું. ત્યારે ગાડીઓ પણ એક કે બે બ્રાન્ડની જોવા મળતી. થોડાં વર્ષો બાદ કાર જરૂરીયાતનું સાધન બન્યું પછી બીજી નવી બ્રાન્ડ્સનો ઉમેરો થયો. આજની તારીખે જ્યારે બાઇક કે કાર યૂટિલિટી વેલ્યૂ ધરાવે છે ત્યારે આ કેટેગરીમાં ઓટોમેકર્સ પોતાની બ્રાન્ડ માટે એક અલગ લેવલનું પોઝિશનિંગ લાવ્યા અને તે એટલે પર્સનાલિટી બેઝડ પોઝિશનિંગ.... આનાથી  તમારું  વાહન તમારી પર્સનાલિટીનું માપદંડ બની ગયુ છે. કોણ કઈ કાર કે બાઇક વાપરે છે તેનાથી તેની  પર્સનાલિટી નક્કી થાય. કાર મેકર્સ નવા નવા મોડેલ્સ દ્વારા (જેવા કે, હેચબેક, સેડાન ,SUV, LUV, લગ્ઝરી વિગેરે) ખરીદદારને પોતાની પર્સનાલિટી અનુરૂપ કાર ખરીદવાના વિકલ્પો આપે છે. તો આજની તારીખે આ કેટેગરીએ યૂટિલિટીથી પર્સનાલિટીની સફર ખેડી છે જે એક બીજો મોટો બદલાવ છે.

ત્રીજો મોટો બદલાવ આ કેટેગરીમાં તે એ કે અમુક વર્ષો પહેલાં જે કાર લીધી તે લાઇફ્ટાઇમ ચાલતી જે ટ્રેંડ આજે બદલાઈ ગયો છે. 3-4 વર્ષે નવી કાર લેવી અને જૂની વેચી નાખવી. લગ્ઝરી કાર્સ અને આજે તો બાઇક્સ પણ જે જ્વલ્લેજ જોવા મળતી તે આજે ઘણા લોકોને પરવડે તેમ છે અને રોડ પર આવાં ઘણાં લગ્ઝરી વાહનો જોઈ શકાય છે. લાઇફસ્ટાઇલમાં બદલાવે પણ આમાં ઘણો મોટો ભાગ ભજવ્યો છે. કાર અને બાઇકની રેલીઓ, બાઇક ગ્રૂપ્સ આજે નવા નવા રસ્તાઓ ગોતી નવી જગ્યાઓ એક્સપ્લોર કરે છે. ગ્રૂપ્સમાં આઉટિંગ કે પછી લોંગ ડ્રાઇવ્સ તે પણ મહત્ત્વનો બદલાવ આ કેટેગરીનો ગણી શકાય.

ચોથો ટ્રેંડ જેણે આખી ઇંડસ્ટ્રી માટે એક મોટો પ્રશ્ન ઉભો કર્યો છે અને તે એટલે ‘એપ બેસ્ડ કેબ સર્વિસ’નો.

કારની માલિકીથી કાર શેરિંગની સફર. ન કારને જાળવવાની જંજટ, ન પાર્કિંગ શોધવાની મથામણ, ન ટ્રાફિકમાં હેરાનગતિ પામવી. આવી વિચારધારા સાથે લોકોએ એપ બેસ્ડ કેબ વાપરવાનું શરૂ કરી દીધુ છે.  પૈસાની, સમયની અને ઊર્જાની બચતે આ મોડેલને દુનિયા ભરમાં સફળ બનાવ્યુ છે. મારા સમયે, મારી અનુકૂળતાએ, મારી પેમેંટ પદ્ધતિ, મારું પિકઅપ અને ડ્રોપ ડેસ્ટિનેશન... બોલો, આનાથી વધારે શું જોઈયે.?  

મોબાઇલની એક એપને ક્લિક કરો એટલે  ઘર આંગણે ડ્રાઇવર કાર સાથે તૈયાર. આ બદલાવ એટલો મોટો છે કે ઓટોમોબાઇલ કંપનીઓ આ કેબ સેર્વિસ કંપનીઓ સાથે જોડાણ કરી તેમને માફક ડિલ્સ આપે છે.

ઓટોમેટિક અને ઇલેક્ટ્રિક વાહનો નજીકના ભવિષ્યમાં હજુ વધુ ઉમેરાશે. ટેક્નોલોજીના સહારે વાહનો વાપરવાના તરીકાઓ ડિજિટલ થઈ રહ્યા છે. ત્યારે આ કેટેગરીમાં વેચાણ માટે પણ ડિજિટલ માર્કેટીંગ મહત્ત્વનો અને મોટો ભાગ ભજવે છે.

વાહનો બનાવતી કંપનીઓએ પોતાની બ્રાન્ડને પ્રમોટ કરવા ડિજિટલ મીડિયાનો સહારો મોટા પાયે લેવો પડશે. આનું કારણ કે મોટાભાગના ક્ધઝ્યુમર શોરૂમમાં આવતા પહેલા જ નક્કી કરી લે છે કે કઈ બ્રાન્ડનું વાહન ખરીદવું છે. ઓનલાઇન રિસર્ચ, રિવ્યૂ, એક્સપર્ટ એડવાઇસ, વિવિધ વાહનોની સરખામણી બધુ ચપટી વગાડતા તેની સમક્ષ હાજર થઈ જાય છે. આજના ડિજિટલ યુગમાં માહિતી મેળવવી ઘણું સરળ થઈ ગયું છે. તેથી જ્યારે ક્ધઝ્યુમર ખરીદવાની પ્રોસેસમાં હોય છે ત્યારે બ્રાન્ડે તેને પકડવો પડશે અને પોતાની તરફ લાવવા પ્રયત્ન કરવો પડશે.

જ્યારે ક્ધઝ્યુમર શું ખરીદવું છે તે નક્કી કરી ડીલરને મળે છે ત્યારે બ્રાન્ડ માટે ઘણું જરૂરી છે કે તે ક્ધઝ્યુમરને અલગ અનુભવ આપે. તેના માટે નવા ઇનોવેટિવ ફોર્મેટના સ્ટોર્સ ઊભા કરવા પડશે ન્યૂ એજ ટેક્નોલોજીના સહારે જે ઇંટરેક્ટિવ હોય. આ કેટેગરીની મહત્ત્વની વાત એટલે આફ્ટર સેલ્સ સર્વિસ, તેમાં પણ ડિજિટલ આજે મોટો ભાગ ભજવે છે.

આજે જ્યારે બદલાવે જોર પકડ્યું છે, એપ બેસ્ડ સર્વિસ જોરમાં છે, કારની માલિકી અને પર્સનાલિટીના પોઝિશનિંગનું મહત્ત્વ ઘટી ટેક્નોલોજી અને ફીચર આધારિત પોઝિશનિંગ તરફ જઈ રહ્યું છે ત્યારે આ ઇંડસ્ટ્રીએ એક યૂનિક વેલ્યૂ આધારિત પ્રપોઝિશન વિચારવું પડશે, જે તેમને પોતાની બ્રાન્ડ પ્રમોટ કરવામાં મદદ કરે અને કેટેગરીને નવી દિશા આપે. બદલાવ ટેક્નોલોજીમાં આવી રહ્યો છે કારણ કે આજે ક્ધઝ્યુમરનું માઇંડસેટ બદલાઈ રહ્યું છે. તેમની પાસે વિકલ્પો ઘણા છે, કિંમતથી લઈને વિવિધ પ્રકારોના વાહનો. ક્વિક કોમર્સ પર વાહનો વેચાય છે. આવા સમયે બ્રાન્ડ માટે જરૂરી છે કે તે પણ એક ટેક્નોલોજીકલ અને ડિજિટલ કંપનીની જેમ વિચારે અને ના કે એક વાહન બનાવનાર કંપની તરીકે. મુદ્દો તે છે કે આજે લોકો વાહનને વાહન તરીકે નહિ, પણ ટેક્નોલોજીની દૃષ્ટિએ મૂલવે છે.