મુસાફરોને મળશે રાહત
થાણે : થાણે રેલવે સ્ટેશન પર રિક્ષા મુસાફરો માટે મહત્વની પ્રીપેડ સુવિધા શરૂ કરવામાં આવી છે. સ્ટેશન પર મહારાષ્ટ્રની પ્રથમ પ્રીપેડ રિક્ષા સેવા શરૂ કરવામાં આવી છે, જેમાં મુસાફરને રિક્ષામાં બેસતા પહેલાં જ પોતાના ગંતવ્ય સ્થાન પાર પહોંચવા માટેનું નિશ્ચિત ભાડું જાણવા મળશે. આ વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ ભાડાને લઈને મુસાફરો અને રિક્ષાચાલકો વચ્ચે થતા વિવાદ તથા રિક્ષાની લાઈનમાં થતી અડચણોને ઘટાડવાનો છે.
આ સેવા સ્વ. વસંતરાવ ડાવખરે રિક્ષા-ટેક્સી ડ્રાઈવર-માલિક મહાસંઘ અને ઠાણે પ્રાદેશિક પરિવહન વિભાગના સંયુક્ત પ્રયાસોથી શરૂ કરવામાં આવી છે. પ્રીપેડ રિક્ષા સ્ટેન્ડ અને કાઉન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આરટીઓ અધિકારીઓ, રિક્ષા યુનિયનના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં રિક્ષાચાલકોની સાથે મહાનુભાવો હાજર રહ્યા હતા.
પ્રીપેડ રીક્ષા વ્યવસ્થા માટે છેલ્લા દોઢથી બે વર્ષથી પ્રયાસ ચાલી રહ્યા હતા. થાણે રેલવે સ્ટેશન પર રિક્ષાની લાંબી લાઈનો, મુસાફરો પાસેથી ભાડા અંગે થતી રકઝક અને કેટલાક કિસ્સામાં મુસાફરોને ઇચ્છિત સ્થળે લઈ જવા અંગે થતી આનાકાની જેવી ફરિયાદોને ધ્યાનમાં રાખીને આ પહેલ કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં આ પ્રકારની વ્યવસ્થા પ્રથમ વખત અમલમાં મૂકવામાં આવી રહી હોવાથી તેને શરૂ કરવામાં વહીવટી અને ટેક્નિકલ પડકારો પણ આવ્યા હતા.
આ સેવાની ખાસિયત એ છે કે મુસાફરી શરૂ થાય તે પહેલાં જ મુસાફરને કેટલું ભાડું ચૂકવવાનું છે તેની માહિતી મળી જશે. એટલે મુસાફરી પૂરી થયા બાદ ભાડા અંગેની રકઝક અથવા વધારાના પૈસા માંગવાની સ્થિતિ ટાળવામાં મદદ મળી શકે છે. પ્રથમ જ દિવસે 100થી વધુ રિક્ષાચાલકોએ આ સેવા માટે નોંધણી કરાવી હોવાની માહિતી સામે આવી છે.
રિક્ષાચાલકો માટે પણ આ વ્યવસ્થામાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. દિવસભરની કમાણી સીધી તેમના બેંક ખાતામાં જમા થવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આથી રોકડ રકમના વ્યવહારની જરૂરિયાત ઘટશે અને દૈનિક આવકનું વધુ વ્યવસ્થિત સંચાલન થઈ શકશે. સમગ્ર પ્રીપેડ સેવાનું આયોજન અને મેનેજમેન્ટ ‘સિટી ફ્લો’ના માધ્યમથી કરવામાં આવશે અને ટેક્નોલોજીના ઉપયોગથી મુસાફર તથા રિક્ષાચાલક વચ્ચેનો વ્યવહાર વધુ પારદર્શક બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
આ સેવા શરૂ કરવા માટે પરિવહન વિભાગની મંજૂરી મળ્યા બાદ હવે થાણે રેલવે સ્ટેશનથી મુસાફરી કરતા લોકોને રિક્ષાના ભાડા અંગે અગાઉથી સ્પષ્ટતા મળશે. થાણે આરટીઓના જણાવ્યા મુજબ, રિક્ષાચાલકો તરફથી પણ આ પહેલને પ્રતિસાદ મળ્યો છે અને પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં નોંધણી થઈ છે.