થાણે: થાણે જિલ્લામાં મોટર એક્સિડેન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) 2021માં પાલિકાની કચરાની ટ્રક નીચે કચડાઇ મૃત્યુ પામેલા 12 વર્ષના બાળકની માતાને વાર્ષિક નવ ટકા વ્યાજ સાથે પાંચ લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
ટ્રિબ્યુનલના સભ્ય આર.વી. મોહિતેએ સોમવારે ધ ન્યૂ ઇન્ડિયા એશ્યુરન્સ કંપની લિ.ને દાવેદારને પ્રથમ વળતર ચૂકવવાનો અને બાદમાં વીમા પોલિસીની શરતોના સ્પષ્ટ ઉલ્લંઘન બદલ ટ્રકમાલિક, થાણે જિલ્લાના કલ્યાણ-ડોંબિવલી પાલિકા કમિશનર, પાસેથી સંપૂર્ણ રકમ વસૂલવાનો નિર્દેશ આપ્યો હતો.
અમિત જગદીશ ધાકડ (12) 22 મે, 2021ના રોજ કલ્યાણમાં રહેણાક ઇમારતની સામે રસ્તા પર રમી રહ્યો હતો ત્યારે કલ્યાણ-ડોંબિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન (કેડીએમસી)ની કચરાની ટ્રકે પૂરઝડપે રિવર્સ લેતી તેને ટક્કર મારી હતી, જેમાં તેને ગંભીર ઇજા થઇ હતી.
પોતાના બચાવમાં કેડીએમસી દ્વારા દલીલ કરાઇ હતી કે ટ્રકના ડ્રાઇવરને ખાનગી કોન્ટ્રેક્ટર વિશાલ એક્સપર્ટ સર્વિસીસ પ્રા.લિ.એ પૂરો પાડ્યો હતો. એ સાથે દાવો કરવામાં આવ્યો હતો કે કોવિડ-19 મહામારી (જ્યારે અકસ્માત થયો હતો) દરમિયાન સરકારી ઠરાવની માર્ગદર્શિકા હેઠળ વાહનની ફિટનેસ અને ડ્રાઇવિંગ લાઇસન્સની માન્યતા લંબાવવામાં આવી હતી.
જોકે આરટીઓના રેકોર્ડસ પરથી જાણવા મળ્યું હતું કે ટ્રકનું ફિટનેસ સર્ટિફિકેટ 10 માર્ચ, 2013ના રોજ સમાપ્ત થઇ ગયું હતું અને તે ક્યારેય રિન્યુ કરાવવામાં આવ્યું નહોતું. ઉપરાંત ડ્રાઇવરનું ટ્રાન્સપોર્ટ ક્લાસ ડ્રાઇવિંગ લાઇસન્સ પણ 13 ઑગસ્ટ, 2019ના રોજ સમાપ્ત થઇ ગયું હતું, જે કોવિડ મહામારીને કારણે લોકડાઉન અમલમાં આવ્યું તે પહેલાની વાત છે.
(પીટીઆઇ)