થાણે: થાણે જિલ્લામાં મિલકત સંબંધી કેસોમાં પોતાને અનુકૂળ જવાબ રજૂ કરવા માટે એડવોકેટ પાસેથી એક હજાર રૂપિયાની લાંચ માગવા બદલ એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)એ મહિલા સરકારી વકીલની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
36 વર્ષની મહિલા વકીલ ઉલ્હાસનગરમાં જુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ મિલકત પરત કરવા સંબંધી બે અરજીમાં ક્લાયન્ટનું પ્રતિનિધિત્વ કરી રહી હતી, જેમાં સાયબર અને ફાઇનાન્શિયલ ફ્રોડ કેસોમાં સ્થગિત કરાયેલું ભંડોળ મુક્ત કરવાની માગ કરવામાં આવી હતી.
કોર્ટમાં કાર્યરત સહાયક સરકારી વકીલે પોતાનો જવાબ રજૂ કરવા માટે પ્રત્યેક અરજી માટે પાંચસો રૂપિયાની માગણી કરી હતી, જેને પગલે એડવોકેટે એસીબીનો સંપર્ક સાધ્યો હતો. 6 ઑગસ્ટે એસીબીના અધિકારીઓએ કોર્ટમાં ચકાસણી કરી હતી, જ્યાં આરોપી વકીલે સ્વતંત્ર સાક્ષીદારની હાજરીમાં એક હજાર રૂપિયાની માગણી કરી હતી અને રૂપિયા સ્વીકારવાની તૈયારી દર્શાવી હતી, એમ એજન્સીએ જણાવ્યું હતું.
દરમિયાન એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું, પરંતુ ફરિયાદી અને સાક્ષીદાર પર શંકા જતાં તેણે રૂપિયા સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. 11 ઑગસ્ટે બે કેસમાં અંતિમ આદેશ આવવાના હતા ત્યારે એસીબીના અધિકારીઓએ બીજી વાર છટકું ગોઠવ્યું હતું, પરંતુ આરોપીને ફરીથી પોલીસની હાજરીની શંકા ગઇ હતી અન તેણે રૂપિયા સ્વીકારવાનું ટાળ્યું હતું.
ફરિયાદની તપાસ અને ચકાસણી બાદ મંગળવારે આરોપી વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી. (પીટીઆઇ)