Wed Jul 29 2026

Logo

સિક્યોરિટી ગાર્ડની હત્યાના કેસમાં યુવાનને જનમટીપ

2026-03-06 19:24:00
Author: Yogesh C. Patel
Article Image

થાણે: અશ્ર્લીલ મેસેજ પરથી થયેલા વિવાદમાં ત્રણ વર્ષ અગાઉ સિક્યોરિટી ગાર્ડને મારી નાખવાના કેસમાં થાણેની સેશન્સ કોર્ટે યુવાનને જનમટીપની સજા ફટકારી હતી. પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ જજ એસ. બી. અગ્રવાલે ગુરુવારે આપેલા ચુકાદામાં સંકેત રમેશ શેળકે (31)ને કસૂરવાર ઠેરવ્યો હતો, જ્યારે તેના મોટા ભાઈ સિદ્ધાંત ઉર્ફે સિધુ રમેશ શેળકે (33)ને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યો હતો.

એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર રશ્મી ક્ષિરસાગરે આરોપી વિરુદ્ધ આરોપ સિદ્ધ કરવા માટે 11 સાક્ષીને હાજર કર્યા હતા. બચાવ પક્ષ વતી એડ્વોકેટ સાગર કોલ્હે કોર્ટમાં હાજર રહ્યા હતા. ફરિયાદ પક્ષે કોર્ટમાં જણાવ્યું હતું કે મૃતક ઉદય ભાલચંદ્ર કદમ અન્ય કેટલાક લોકો સાથે મુંબ્રા પરિસરમાં 8 એપ્રિલ, 2023ના રોજ તેના મિત્ર તુષાર દામલેનો જન્મદિન ઊજવી રહ્યો હતો. દામલેની મહિલા સંબંધીને વાંધાજનક મેસેજ મોકલવા બદલ તેમની વચ્ચે વિવાદ થયો હતો. વાત મારામારી સુધી પહોંચતાં ત્યાં હાજર સંકેતે ચાકુથી કદમ પર હુમલો કર્યો હતો.

સાક્ષીઓની જુબાનીને નોંધતાં જજ અગ્રવાલે જણાવ્યું હતું કે મૃતકના હૃદય પર ઘા કરવામાં આવ્યો હતો. હૃદય પરની ઇજા સામાન્ય સંજોગોમાં મૃત્યુ નીપજાવવા પૂરતી હોય છે. હત્યાના આરોપમાં સંકેતને કસૂરવાર ઠેરવતી વખતે કોર્ટે જણાવ્યું હતું કે રેકોર્ડ પરની સામગ્રી સિદ્ધાંત તેના ભાઈ સાથે ગુનાહિત હેતુ ધરાવતો હતો, એ સિદ્ધ કરતી નથી. પરિણામે કોર્ટે સંકેતને આજીવન કારાવાસ અને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો, જ્યારે એપ્રિલ, 2023થી કસ્ટડીમાં રહેલા સિદ્ધાંતને છોડી મૂકવાનો આદેશ આપ્યો હતો. (પીટીઆઈ)