મુંબઈ: સંજય ગાંધી નેશનલ પાર્કની સીમામાં અને તેની આસપાસના વિસ્તારોમાં વર્ષોથી વસવાટ કરતા હજારો નાગરિકો માટે એક સારા સમાચાર છે. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં પ્રથમ તબક્કા હેઠળ ૪,૦૦૦ રહેવાસીઓની પુનર્વસનની કામગીરી ઝડપી બનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
આ ઉપરાંત, નેશનલ પાર્કની સીમા નિર્ધારિત કરીને ત્યાં સુરક્ષા દીવાલ બનાવવાની કામગીરી પણ હવે ઝડપથી આગળ ધપાવવામાં આવશે.
સંજય ગાંધી નેશનલ પાર્કની સીમામાં આશરે ૨૫,૦૦૦ લોકો રહે છે. તેમાંથી લગભગ ૨૦,૦૦૦ લોકોના પુનર્વસન માટે કલ્યાણ નજીક ખોણી અને પનવેલ નજીક શિરઢોણ ખાતે તૈયાર મકાનો ઉપલબ્ધ હોવાની માહિતી મ્હાડા અને એસઆરએ દ્વારા વન વિભાગને આપવામાં આવી છે.
જોકે, મુંબઈથી ખૂબ દૂર હોવાના કારણે સ્થાનિક નાગરિકો આ સ્થળોએ જવાનો વિરોધ કરતા રહ્યા છે. તેથી હવે સરકારે નક્કી કર્યું છે કે જે નાગરિકો ખોણી અને શિરઢોણ જવા માટે તૈયાર છે, તેમનું ત્યાં પુનર્વસન કરવામાં આવશે, જ્યારે અન્ય માટે મ્હાડા અને એસઆરએના ઉપલબ્ધ મકાનોના આધારે નજીકના વિસ્તારોમાં પુનર્વસનની વ્યવસ્થા કરવામાં આવશે.