થાણે: ભાવિ પુત્રવધૂની હત્યાના આરોપમાંથી 48 વર્ષની દિવ્યાંગ (બોલવાની અક્ષમતા) મહિલાને થાણેની સેશન્સ કોર્ટે નિર્દોષ છોડી મૂકતાં પીડિતાના ડાઈંગ ડિક્લેરેશનમાંના ‘વિરોધાભાસો’ અને ‘દેખીતી અસાતત્યતા’નાં કારણો આપ્યાં હતાં.એડિશનલ સેશન્સ જજ (ભિવંડી) એન. કે. કરાંડેએ ચુકાદામાં જણાવ્યું હતું કે પોલીસ પાલઘર જિલ્લાના વિક્રમગડમાં રહેતી કમલ ચંદ્રકાંત કનોજા સામેનો કેસ પુરવાર કરવામાં નિષ્ફળ ગઈ છે.
ફરિયાદ પક્ષે આરોપ કર્યો હતો કે કનોજાએ 27 ઑક્ટોબર, 2020ના રોજ તેના સાવકા પુત્રની ભાવિ પત્ની અમિતા ગોતારણા પર કેરોસીન રેડી આગ ચાંપી હતી. આ ઘટનામાં 72 ટકા દાઝેલી અમિતાનું સારવાર દરમિયાન નાશિક સિવિલ હૉસ્પિટલમાં મૃત્યુ થયું હતું.બચાવ પક્ષના વકીલ રામરાવ એસ. જગતાપે દલીલ કરી હતી કે ગોતારણાની મૃત્યુ પૂર્વેની જુબાનીમાં સાતત્યતા નથી. તેને તેના પિતા અને ભાઈ સહિતના અન્ય સાક્ષીદારો દ્વારા શું જુબાની આપતી તે શીખવ્યું હતું.
કોર્ટે ડાઈંગ ડિક્લેરેશનમાંના બે વિપરીત મુદ્દા પર નિર્ણય લીધો હતો. પોલીસને આપેલી જુબાની અને મૅજિસ્ટ્રેટ સામે નોંધાવેલી અને પુરાવા તરીકે દાખલ જુબાનીમાં એવું નોંધાયું હતું કે આગ અકસ્માતે લાગી હતી. ઘટનાસ્થળ પર મૃતક સિવાય કોઈ હાજર નહોતું.
પીડિતા નિવેદન આપવાની સ્થિતિમાં છે કે નહીં તે પ્રમાણિત કરનારા તબીબી અધિકારીની જુબાની પોલીસે લીધી નહીં એ વાત પર પણ કોર્ટે ભાર આપ્યો હતો.
પીડિતાને પ્રભાવિત કરવામાં આવી હોય તેવી શક્યતા છે અને રાસાયણિક વિશ્ર્લેષણનો અહેવાલ પણ મહિલાને ગુના સાથે જોડવામાં અપૂરતો છે, એવી નોંધ કરીને આરોપીને તુરંત છોડી મૂકવાનો આદેશ કોર્ટે આપ્યો હતો. (પીટીઆઈ)