અમદાવાદ: શહેરના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું AI 171 ક્રેશ થયું હતું. આ ઘટનાને એક વર્ષ થયું છે. જોકે ઘટનાનું એક વર્ષ થવા છતાં ક્યા કારણોસર આ દુર્ઘટના થઈ તેનો રિપોર્ટ આવ્યો નથી. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પ્લેનમાં સવાર માત્ર એક જ વ્યક્તિ બચ્યો હતો અને કુલ 260 લોકોનાં મોત થયા હતા. દુર્ઘટનાના એક મહિનામાં જ અમેરિકા સ્થિત બીઝલી એલન લો ફર્મના એવિએશન વકીલ માઈક એન્ડ્રુઝ કેસ સાથે જોડાઈ ગયા હતા. તેઓ 160 જેટલા પીડિતોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. એન્ડ્રુઝે જણાવ્યું હતું કે, કાનૂની ટીમનું સંપૂર્ણ ધ્યાન વિમાન અકસ્માત કયા ટેકનિકલ કારણોસર થયો તેના પર કેન્દ્રિત છે.
તેમણે જણાવ્યું કે, જ્યારે આપણે વીડિયો અને ફોટોગ્રાફિક પુરાવાઓ જોઈએ છીએ, ત્યારે વિમાન રનવે છોડે તે પહેલાં જ તેનું ઓક્સિલરી પાવર યુનિટ એટલે કે RAT ડિવાઇસ બહાર આવી ગયું હોય અને વિમાન ટેક-ઓફ માટે ફરે તે પહેલાં જ કામ કરતું હોય તેવું દેખાય છે. આ બાબત ખૂબ મહત્વની છે કારણ કે તે ફ્યુઅલ સ્વિચ ટ્રાન્ઝિશનના ઉલ્લેખ પહેલાં થાય છે. ફ્યુઅલ સિસ્ટમની સમસ્યા સર્જાય તે પહેલાં RAT બહાર આવી જવું એ પ્રારંભિક રિપોર્ટની ટાઇમલાઇન કરતાં તદ્દન વિપરીત છે. તેથી અમે ટેક-ઓફ પહેલાંના એવા તમામ લક્ષણોને સમજવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, મેં શરૂઆતથી જ કહ્યું છે કે RAT શા માટે સમય કરતાં વહેલું બહાર આવ્યું તે જાણી શકીશું ત્યારે આપણને અકસ્માતનું સાચું કારણ ખબર પડી શકે છે. હું હજી પણ એવું જ માનું છું. આ એક ખૂબ જ જટિલ સિસ્ટમ છે, તેથી આપણે સાવધ રહેવું પડશે, પૂર્વગ્રહોથી બચવું પડશે અને ખુલ્લા મનથી વિચારવું પડશે.
એન્ડ્રુઝે જણાવ્યું હતું કે, પ્લેનમાં સર્જાયેલી ટેકનિકલ ખામીઓને કારણે જ આ અકસ્માત થયો હોવાની તેમની ધારણા આજે પહેલાં કરતાં વધુ મજબૂત બની છે. તેમણે જણાવ્યું કે, અમે એવા અહેવાલો પણ સાંભળ્યા છે કે ટેક્સિંગ દરમિયાન ટ્રાન્સપોન્ડરે કામ કરવાનું બંધ કરી દીધું હતું અને પાછળથી તે ફરીથી કામ કરવા લાગ્યું હતું. સવાલ એ છે કે શું તે કોઈ કામચલાઉ ખામી હતી કે પછી સિસ્ટમ ફેલ થવાનો અને તેને રીસેટ કરવામાં આવી હોવાનો સંકેત હતો તે અમે હજી સુધી જાણી શક્યા નથી.
આ ઉપરાંત કહ્યું, આપણે એ પણ જોઈ શકીએ છીએ કે લેન્ડિંગ ગિયર ઉપર જવાનું શરૂ થાય છે, પરંતુ પછી તે અટકી જાય છે. તે પણ એક બીજું મહત્વનું લક્ષણ છે. ત્યારબાદ ફ્યુઅલ સિસ્ટમમાં સમસ્યા આવે છે, જે એક મોટું લક્ષણ છે. તેથી, અમારું ધ્યાન આ લક્ષણોના કારણોને સમજવા પર અને તે કઈ જગ્યાએ એકબીજા સાથે જોડાય છે તે શોધવા પર છે. અમે તેમની વચ્ચેની સામાન્ય કડી શોધી રહ્યા છીએ.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, તેઓ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવનારા અને જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તે ટેકનિકલ રિપોર્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, નિયમ મુજબ ઘટનાના એક વર્ષની અંદર વચગાળાનો અથવા અંતિમ રિપોર્ટ જાહેર કરવો જરૂરી છે. અમને આશા છે કે તે વહેલામાં વહેલી તકે જાહેર થશે. તે રિપોર્ટ સંકળાયેલા પક્ષોની જવાબદારી સમજવા માટે જરૂરી ટેકનિકલ અને કાનૂની મુદ્દાઓ પૂરા પાડશે. તેમણે ઉમેર્યું કે આ રિપોર્ટ જ કેસ માટે લિટિગેશન વેન્યુ કયું રહેશે તે નક્કી કરશે.
આ કેસમાં વિવિધ વકીલોએ માહિતી મેળવવાની સુલભતા અને સંસ્થાકીય સહયોગને લગતો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે ઉલ્લેખ કર્યો કે આવા ઘણા કિસ્સાઓમાં એરલાઇન્સ અવારનવાર એક સંપર્ક અધિકારીની નિમણૂક કરતી હોય છે, પરંતુ આ કેસમાં, સગાં-સંબંધીઓની મૂંઝવણ અને માહિતી મેળવવાની ચિંતાને ઓછી કરવા માટે ઘણું બધું કરી શકાયું હોત.