Tue Aug 18 2026

Logo

હવે અભિનેત્રી તબ્બુએ 'પર્સનલ રાઈટ્સ' મુદ્દે દિલ્હી હાઈ કોર્ટના દ્વાર ખખડાવ્યા! AI સામે આવશે કડક નિયમો?

2026-08-06 19:25:43
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ પર્સનલ રાઈટ્સ સાથે જોડાયેલા એક કેસમાં દિલ્હી હાઈ કોર્ટે એક મહત્ત્વની સુનાવણી કરી છે. દિલ્હી હાઈ કોર્ટે સંકેત આપ્યા છે કે ઓનલાઈનના માધ્યમથી વ્યક્તિત્વના અધિકારોનો ખોટો ઉપયોગ સાથે જોડાયેલો આ કેસ ગંભીર છે. આ માટે એક SPO (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) તૈયાર કરવા પર વિચારણા થઈ શકે છે. હાઈ કોર્ટે અભિનેત્રી તબ્બુની અરજી પર આ અંગે અગત્યની સુનાવણી કરી હતી, જેમાં ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કથિત અશ્લીલતા, બદનક્ષીભર્યા અને ખોટા કન્ટેન્ટને દૂર કરવા માટે માગ કરવામાં આવી હતી.

એક ચોક્કસ ગાઈડલાઈન્સ અનિવાર્ય

આ સમગ્ર કેસની સુનાવણી કરતા ચીફ જસ્ટીસ જ્યોતિસિંહે ઓનલાઈન માધ્યમ પર વાંધાજનક કન્ટેન્ટ સામગ્રીનો ઝડપથી પ્રચાર પ્રસાર રોકવા માટે તંત્રને ટકોર કરવામાં આવી છે. આ ઉપરાંત, આ વિષય પર તંત્રની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું કે, વર્તમાનમાં આ મુદ્દો ગંભીર છે અને વિવાદ કરતા વધારે તે વ્યાપક છે. 

સમસ્યા કોઈ પોલિસીમાં નથી, પણ સમસ્યા એ છે કે એક સિસ્ટમને કેવી રીતે અને વ્યવસ્થિત રીતે સેટ કરવામાં આવે. શરૂઆતના તબક્કામાં જ્યારે આ અંગે ખ્યાલ આવે ત્યારે જ તેને રોકી દેવામાં આવે, જેથી તે ઓનલાઈન પ્લેટફોર્મ પર વધારે લોકો સુધી પહોંચી ન શકે. 

બીજા પ્લેટફોર્મ સુધી પણ પહોંચી ન શકે. આ એક વ્યક્તિ સાથે જોડાયેલી બાબત તો છે જ પણ ચિંતાનો વિષય પણ છે. આવા કેસનો નિવેડો લાવવા માટે એક ચોક્કસ ગાઈડલાઈન્સ અનિવાર્ય છે. એક્ટ્રેસે કરેલી અરજી પર કોર્ટે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. આ કેસમાં વધુ સુનાવણી 7 ડિસેમ્બરના થશે. 

આખરે કોર્ટમાં થયું શું?

આ કેસમાં પ્રાથમિક તબક્કે તબ્બુ તરફથી આવેલા વકીલ સ્વાતિ કુમારે કોર્ટને જણાવ્યું હતું કે પક્ષકારો દ્વારા રજૂ કરાયેલા મેમોરેન્ડમમાં નિયુક્ત સોશિયલ મીડિયા મધ્યસ્થીઓને યોગ્ય રીતે ઓળખવા માટે સુધારો કરવામાં આવ્યો છે. જસ્ટિસ સિંહે પ્લેટફોર્મ મુજબ કથિત રીતે ઉલ્લંઘન કરનારા યુઆરએલની યાદીની તપાસ કરી અને સંબંધિત મધ્યસ્થીઓ પાસેથી જવાબો માંગ્યા છે. 

મેટા તરફથી આવેલા વકીલ વરૂણ પાઠકે જણાવ્યું હતું કે, કંપની દ્વારા હોસ્ટેડ તમામ એ લીંકને દૂર કરી દેવામાં આવી છે. આ હટાવી શકાય એવી લીંક છે. આ યાદીમાં 34 ફેસબુક અને 71 ઈન્સ્ટાગ્રામની યુઆરએલ છે. જેમાં એક થ્રેડ લિંક પણ સામેલ છે. ગૂગલ તરફથી આવેલા વકીલે કોર્ટમાં સ્પષ્ટતા કરી કે, અન્ય કેટલાક જે યુઆરએલ ડિટેક્ટ થયા છે એને પણ દૂર કરી દેવામાં આવ્યા છે. આ અંગેની ઓળખ અંગે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. 

આ સેલેબ્સ પણ કરી ચૂક્યા છે દાવો

અહીં એ જણાવવાનું કે આ અગાઉ સિંગર અરિજિત સિંહ, અભિનેત્રી શિલ્પા શેટ્ટી, ઐશ્વર્યા રાય અને જેકી શ્રોફ સહિત અનેક સ્ટાર્સે વ્યક્તિત્વ અધિકારો અંગે કોર્ટનો સંપર્ક કર્યો છે. હવે, તબ્બુ પણ આ યાદીમાં જોડાઈ ગઈ છે. અભિનેત્રીએ પોતાના વ્યક્તિત્વ અને પ્રચાર અધિકારોના પ્રોટેક્શન માટે દિલ્હી હાઈ કોર્ટમાં અરજી કરી છે. 

કોર્ટને પોતાના નામ, ફોટોગ્રાફ, સમાનતા, અવાજ, વ્યક્તિત્વ અને અન્ય ઓળખાણનો ખોટો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવા વિનંતી કરી છે. તાજેતરના સમયમાં ઘણી સેલિબ્રિટીઝે દાવો કર્યો છે કે તેમના ફોટોગ્રાફ્સ અને નામોનો ઉપયોગ તેમની પરવાનગી વિના ડિજિટલ પ્લેટફોર્મ પર થઈ રહ્યો છે, જેનાથી તેમની છબિ અને બ્રાન્ડ મૂલ્યને નુકસાન થઈ રહ્યું છે.