Fri Jun 05 2026

Logo

અવાજ કાયમ માટે જવાનો હતો ડર છતાં સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલે જટિલ સર્જરી કરી આપ્યું નવું જીવન

2026-06-04 21:31:00
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:
સરકારી હોસ્પિટલની સેવા વિશે પૂર્વગ્રહ બાંધી લેતા લોકો માટે સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના તબીબી સ્ટાફે એક દાખલારુપ કામગીરી હતી. અહીંના નિષ્ણાત તબીબો દ્વારા છેલ્લા બે વર્ષથી ગળાના ભાગે ગાંઠની સમસ્યાથી પીડાતાં 30 વર્ષીય મહિલા દર્દીની અત્યંત જટિલ ગણાતી થાઇરોઇડની સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.  

આ સમસ્યાના નિવારણ માટે તેમણે અગાઉ અન્ય ઘણી હોસ્પિટલોમાં તપાસ કરાવી હતી, પરંતુ ક્યાંય તેમની બીમારીનું કોઈ સચોટ નિદાન થઈ શક્યું ન હતું. આખરે મહાત્મા ગાંધી હોસ્પિટલના તબીબો દ્વારા તપાસ બાદ નિદાન થયું કે આ ગળાની ગાંઠ ખરેખર થાઇરોઇડ ગ્રંથિની ગાંઠ છે.

નિદાન બાદ તબીબોએ દર્દી અને તેમના પરિવારજનોને ઓપરેશનની જરૂરિયાત વિશે માહિતગાર કર્યા હતા. જોકે, આ ઓપરેશન એટલું સરળ ન હતું કારણ કે દર્દીના શરીરમાં લોહીની ઉણપ હતી, વળી ઓપરેશન દરમિયાન દર્દીના સ્વરતંતુ તરફ સંકેત લઈ જતી અત્યંત મહત્વપૂર્ણ એવી ચેતા થાઇરોઇડની ગાંઠ સાથે સંપૂર્ણપણે ચીપકેલી હતી.

આ ચેતાને સહેજ પણ નુકસાન થવાનો સીધો અર્થ એ હતો કે દર્દી પોતાનો અવાજ કાયમ માટે ગુમાવી શકે છે. પરંતુ, મહાત્મા ગાંધી હોસ્પિટલના નિષ્ણાત કાન-નાક-ગળાની ટીમે આગવી કુનેહ સાથે આ ચોંટેલી ચેતાને કોઈ પણ પ્રકારના નુકસાન વિના છૂટી પાડી હતી. ત્યારબાદ સર્જન ટીમે થાઇરોઇડની ગાંઠને સફળતાપૂર્વક દૂર કરી હતી.  હોસ્પિટલના તબીબોની આ સંયુક્ત મહેનત, અદ્યતન સુવિધાઓ અને કુશળતાને પરિણામે આજે દર્દીને પીડામુક્ત અને સ્વસ્થ જીવન મળ્યું છે.