(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-ચોટીલા નેશનલ હાઈવે પરથી ગેરકાયદેસર લાકડા ભરેલો એક ટ્રક ઝડપાયો હતો. વન વિભાગે બાતમીના આધારે કાર્યવાહી કરીને ટ્રક અને લાકડા સહિત કુલ 20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વન વિભાગે સામતપરના બોર્ડ પાસે આ ટ્રકને ઝડપી પાડયો હતો. ટ્રકની તપાસ કરતાં તેમાંથી આંબા, લીમડા, બોર, આંબલી અને અન્ય જાતિના લાકડા મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા લાકડાની કિંમત આશરે 2 લાખ આંકવામાં આવી હતી.
મળતી વિગતો અનુસાર, આ કાર્યવાહીમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને રાઉન્ડ સ્ટાફને સફળતા મળી હતી. ટ્રકના ડ્રાઈવરની પૂછપરછ કરતાં તેનું નામ મંગળ ગૌતમ ડામોર (રહે. સંતરામપુર) હોવાનું જાણવા મળ્યું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આ લીલા લાકડા વલસાડ વિસ્તારમાંથી કાપીને મોરબી પહોંચાડવાના હતા.વન વિભાગે આરોપી મંગળ ગૌતમ ડામોર વિરુદ્ધ વન અધિનિયમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાઉન્ડ ફોરેસ્ટર ઓફિસર દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.