Sat May 30 2026

Logo

સુરતમાં ઉત્રાણની પોશ બિલ્ડિંગમાં હાઈપ્રોફાઈલ મહિલા જુગારધામ પર દરોડા, 7 મહિલાઓ ઝડપાઈ

2026-05-29 17:47:00
Author: Vimal Prajapati
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ સુરત પોલીસ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ પર સતત વોચ રાખવામાં આવી રહી છે. આ અંતર્ગત સુરતના ઉત્રાણ પોલીસ સ્ટેશનની ટીમે એક ચોક્કસ બાતમીના આધારે વિસ્તારની એક પોશ બિલ્ડિંગમાં ચાલી રહેલા હાઈપ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ કર્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે તમામ મહિલા સંચાલકો અને જુગારીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે. 

સર્ચ ઓપરેશન દરમિયાન રોકડ રકમ પણ મળી આવી

ઉત્રાણ પોલીસે જ્યારે બાતમીવાળા સ્થાપત્ય પર રેડ કરી ત્યારે ત્યાં હાઈપ્રોફાઈલ મહિલાઓ ગંજીપાના વડે હાર-જીતનો જુગાર રમી રહી હતી. પોલીસે જુગારના ટેબલ પરથી તેમજ ત્યાં હાજર મહિલાઓની અંગઝડતી લેતા કુલ રૂપિયા 20,430ની રોકડ રકમ સ્થળ પરથી જ જપ્ત કરી છે. પોલીસની પ્રાથમિક તપાસ અને સર્ચ ઓપરેશન દરમિયાન રોકડ રકમ ઉપરાંત અન્ય કિંમતી સાધનો પણ મળી આવ્યા હતા. પોલીસે ઝડપાયેલી મહિલાઓ પાસેથી રૂપિયા 21,000ની કિંમતના 5 નંગ એન્ડ્રોઇડ સ્માર્ટફોન અને રોકડ રકમ સહિત કુલ 45,430 રૂપિયાનો મુદ્દામાલ ઘટનાસ્થળેથી જપ્ત કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

સાતેય મહિલાઓ મૂળ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓની વતની

આ રેડ દરમિયાન ધરપકડ કરાયેલી તમામ સાતેય હાઈપ્રોફાઈલ મહિલાઓ વિરૂદ્ધ ઉત્રાણ પોલીસે ગુનો નોંધી લીધો છે. જુગાર રમવા આવેલી આ મહિલાઓ આમ તો, સુરતના અલગ-અલગ વિસ્તારોમાં રહે છે, પરંતુ તેઓ મૂળ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓની વતની હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. પોલીસ પ્રશાસન દ્વારા આ તમામ આરોપીઓ સામે જુગારધારાની કલમ 4 અને 5 મુજબ કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ અને ધરપકડની તજવીજ હાથ ધરવામાં આવી છે.