સુરત: સુરત જિલ્લામાં સવારથી વરસાદ પડી રહ્યો છે. જેમાં તમામ તાલુકાઓમાં ત્રણ ઈચથી લઈને 10 ઈચ સુધીનો ભારે વરસાદ પડી ચુકયો છે. જેના કારણે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડીને રાહત વ્યવસ્થાની કરવામાં આવી હતી. સાંજના 4.00 વાગ્યા સુધીમાં 1117 લોકોનું સુરક્ષિત રીતે સ્થળાંતર કરવામાં આવ્યું છે.
કામરેજના ચીખલી ગામમાં 34 લોકોનું સ્થળાંતર
જેમાં અમુક ગામોમાં નાગરિકો પોતાના સગાસંબંધીઓના ઘરે તથા સરકારી પ્રાથમિક શાળાઓ અને શેલ્ટર હોમ્સ ખાતે સુરક્ષિત રીતે સ્થળાંતર કરવામાં આવ્યું છે. બારડોલી તાલુકાના કડોદ અને અસ્તાન સહિતના વિસ્તારોમાંથી 40 લોકોને સ્થાનિક ગ્રામ પંચાયત, પ્રાથમિક શાળા અને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. કામરેજના ચીખલી ગામમાં 34 લોકોનું સ્થળાતર કરાયું હતું.
આ ઉપરાંત સુરત જિલ્લામાં વરસાદી માહોલને અનુસરીને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંભવિત આપત્તિ સામે પૂર્વતૈયારીઓ અને રાહત-બચાવ કામગીરી માટે સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં કોઈ પણ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય અને તકેદારીના જરૂરી પગલાં લઈ શકાય તે હેતુથી જિલ્લા કલેક્ટર દ્વારા આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ હેઠળ સુરત ગ્રામ્યના વિવિધ તાલુકાઓમાં વર્ગ-1 કક્ષાના અધિકારીઓને વિશેષ કામગીરી સોંપવામાં આવી છે.

રાહત અને બચાવની કામગીરીનું સીધું સુપરવિઝન
આ તમામ અધિકારીઓ આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, સુરત અને જિલ્લા વહીવટી તંત્રના સતત સંકલન તથા જાણ હેઠળ રહીને પોતપોતાના નિયત વિસ્તારોમાં તકેદારી, રાહત અને બચાવની કામગીરીનું સીધું સુપરવિઝન કરશે.
તંત્ર દ્વારા કરવામાં આવેલા હુકમ અનુસાર, ચોર્યાસી તાલુકા માટે નાયબ કલેક્ટર(સુડા) તૃપ્તી પટેલ, ઓલપાડ તાલુકા માટે ઓલપાડના પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, બારડોલી તાલુકા માટે બારડોલીના પ્રાંત અધિકારી જે.એન.પરમાર, મહુવા તાલુકા માટે સ્પીપા સુરતના નાયબ કલેક્ટર કૃતિકા.એ.વસાવા અને અંબિકા માટે જિલ્લા આયોજન અધિકારી શિતલ માંડવીયાની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા સહકારી મંડળીના નાયબ રજીસ્ટ્રાર હરેશ કાછડને ક્લાસ-1 અધિકારી તરીકે બચાવ અને રાહત કામગીરીનું મૂલ્યાંકન તેમજ સંચાલન કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.
અતિભારે વરસાદની આગાહીના પગલે સુરત જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ....
— Gujarat Information (@InfoGujarat) July 31, 2026
નાગરિકોને સાવચેત રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અનુરોધ છે : કલેક્ટર શ્રી તેજસ પરમાર #HeavyRain #Monsoon #Monsoon2026 #GujaratRain @collectorsurat @InfoSuratGOG pic.twitter.com/5XdULqawcQ
ગ્રામ્ય સ્તરે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત
આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, સુરત દ્વારા તમામ કચેરીઓ અને સંબંધિત અધિકારીઓને આ અંગે જરૂરી સૂચનાઓ પાઠવી દેવામાં આવી છે. જેથી સંભવિત ભારે વરસાદ દરમિયાન ગ્રામ્ય સ્તરે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય અને કોઈપણ કટોકટીની સ્થિતિમાં વહીવટી તંત્ર તાત્કાલિક ધોરણે યોગ્ય બચાવ તેમજ રાહત કામગીરી હાથ ધરી શકે. વધુ માહિતી માટે આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, સુરત(૦૨૬૧-૨૬૬૩૨૦૦) અથવા સ્થાનિક મામલતદાર અને પ્રાંત કચેરીનો સંપર્ક કરવો.