Tue Jul 07 2026

Logo

સુરત જિલ્લા - તાલુકામાં 6 કલાકમાં 28 ઇંચ વરસાદથી જળપ્રલય

2026-07-07 13:20:00
Author: Mayur Patel
Article Image

સુરતઃ જિલ્લા અને તાલુકામાં વહેલી સવારથી જ મુશળધાર વરસાદ પડી રહ્યો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા સવારે 6 થી બપોરના 12 એમ છ કલાકના જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, સુરત જિલ્લા-તાલુકામાં 28 ઇંચ વરસાદથી જળપ્રલય જેવી સ્થિતિ સર્જાઈ છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ,બપોરે 12  વાગ્યા સુધીમાં સુરતના કામરેજમાં સૌથી વધુ 6.18 ઇંચ વરસાદ પડ્યો છે. પલસાણામાં 4.88 ઇંચ, સુરત શહેરમાં 4.25 ઇંચ, બારડોલીમાં 4.06 ઇંચ, મહુવામાં 3.07 ઇંચ, અંબિકામાં 2.76 ઇંચ, ચોર્યાસીમાં 1.26 ઇંચ, માંગરોળમાં 0.94 ઇંચ, અરેઠમાં 0.91 ઇંચ વરસાદ પડ્યો હતો. આમ છ કલાકમાં સુરત જિલ્લામાં 28 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.

સુરત શહેરમાં પડી રહેલા અનરાધાર વરસાદના કારણે ખાડીઓમાં જળસ્તર વધી ગયું છે, જેના કારણે ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખાડી પાણી રહી ન હોવાથી વરાછા, સીમાડા, પુણા ગામ સહિતના વિસ્તારોમાં ઘુંટણ સમા પાણી ભરાઈ ગયા છે. પરિસ્થિતિનો તાગ મેળવવા મેયર ખુદ નીકળ્યા હતા. તેમણે સ્થાનિકો સાથે વાતચીત કરીને સાંજ સુધીમાં વરસાદી પાણીનો નિકાલ થશે તેવી હૈયાધારણા આપી હતી. 

બપોર સુધીમાં 119 તાલુકામાં વરસાદ

બપોરે 12 સુધીમાં રાજ્યના 119 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. એક તાલુકામાં 6 ઇંચથી વધુ, એક તાલુકામાં 5 ઇંચથી વધુ, ત્રણ તાલુકામાં 4 ઇંચથી વધુ, ચાર તાલુકામાં 3 ઇંચથી વધુ, નવ તાલુકામાં 2 ઇંચથી વધુ, 16 તાલુકામાં 1 ઇંચથી વધુ અને 85 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હતો.

ડાંગના સુબીરમાં 5.12 ઇંચ, વાલોદમાં 3.86 ઇંચ, કપરાડામાં 3.23 ઇંચ, નવસારીમાં 3.03 ઇંચ, ધરમપુરમાં 2.95 ઇંચ, વલસાડમાં 2.91 ઇંચ, નાનાપોંઢામાં 2.91 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈ ખતરનાક આગાહી કરી છે. જે મુજબ વડોદરા, મહીસાગર અને પંચમહાલના કેટલાક ભાગોમાં સારો વરસાદ થશે. આ ઉપરાંત સાબરકાંઠા અને અરવલ્લીના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત ભાવનગર અને સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. સુરત, નવસારી, આહવા, ડાંગ અને વલસાડમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.