(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ડાયમંડ સિટી સુરતમાં ફાયરિંગ સહિતના બનાવોએ શહેરની સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો ઊભા કર્યા છે. ત્યારે શહેરના લસકાણા વિસ્તારમાં આવેલા એક ચા-પાનના ગલ્લા પર નશાની હાલતમાં આવીને હવામાં ફાયરિંગ કરનાર બિલ્ડરને પોલીસે ઝડપી પાડ્યો હતો. મોડી રાત્રે ગલ્લા સંચાલક સાથે સામાન્ય બાબતે થયેલી રકઝક બાદ રોફ જમાવવાના ઈરાદે આરોપીએ પોતાની રિવોલ્વરથી હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ સમગ્ર હાઈવોલ્ટેજ ડ્રામા ગલ્લા પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોટા વરાછામાં રહેતા 28 વર્ષીય કેવલભાઈ માંગુકિયા વાલક પાટિયા આઉટર રિંગ રોડ પર 'મોગલ ટી એન્ડ પાન' નામનો ગલ્લો ચલાવે છે. વહેલી સવારે તેઓ મિત્રો સાથે ગલ્લા પર બેઠા હતા ત્યારે મૂળ રાજકોટનો અને હાલ સરથાણામાં રહેતો બિલ્ડર આશિષ સાકરીયા પોતાની કાર લઈને ત્યાં આવ્યો હતો. પાણીની બોટલ લીધા બાદ તે કેવલભાઈ સાથે નકામી મસ્તી કરવા લાગ્યો હતો. સંચાલકે મજાક કરવાની ના પાડતા તે ત્યાંથી જતો રહ્યો હતો, પરંતુ થોડીવાર બાદ તે નશાની હાલતમાં પરત ફર્યો હતો. આરોપીએ હાથમાં રિવોલ્વર લઈને ગલ્લા પર બેઠેલા યુવકોને બતાવી રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ થયો હતો.
નશામાં ધૂત આરોપી આશિષે પહેલા પાનના ગલ્લાની અંદર જમીન તરફ રિવોલ્વરથી ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે મિસફાયર થતાં ગોળી છૂટી નહોતી. આ જોઈને ગભરાયેલા તમામ યુવકો બહાર દોડી આવ્યા હતા. ત્યારબાદ આરોપીએ દુકાનની બહાર આવીને લોકોમાં દહેશત ફેલાવવા હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને પોતાની કાર લઈને ફરાર થઈ ગયો હતો. જાહેરમાં ફાયરિંગની આ ઘટના અંગે લસકાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા સર્વેલન્સ ટીમે ગણતરીના સમયમાં આરોપી આશિષ સાકરીયાને ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.