ઉનાળાની કાળઝાળ ગરમીમાં એસી કે કૂલર ચલાવ્યા વગર ઘરને કુદરતી રીતે ઠંડુ રાખવું એ માત્ર વીજળી બચાવવાનો જ નહીં, પણ સ્વાસ્થ્ય માટે પણ સારો વિકલ્પ છે. તમે પણ જો કાળઝાળ ગરમીમાં એસી અને કૂલર વિના ઘરને એકદમ ઠંડા ઠંડા કૂલ કૂલ રાખવા માંગતા હોવ તો આ સ્ટોરી તમારા માટે જ છે, કારણ કે અહીં કેટલાક એવા સિમ્પલ ઉપાયો જણાવવામાં આવ્યા છે જેની મદદથી તમે ઘરને એકદમ કૂલ કૂલ રાખી શકશો અને તમારું ઈલેક્ટ્રિસિટી બિલ પણ વધારે નહીં આવે.
અત્યારે માર્ચ મહિનામાં જ અંગ દઝાડે એવી કાળઝાળ ગરમી પડી રહી છે. આવી સ્થિતિમાં એસી અને કૂલરનો ઉપયોગ ખૂબ જ વધી જાય છે. પરંતુ જો ઘરમાં એસી કે કૂલર જેવી વ્યવસ્થા ના હાય તો ઘરને કઈ રીતે કૂલ રાખી શકાય એ જાણો છો? આજે આ સ્ટોરીમાં તમને એસી-કૂલર વગર ઘરને ઠંડુ રાખવાની દેશી અને અસરકારક ઉપાયો વિશે જણાવીશું.
ખસના પડદા
ખસના મૂળમાંથી બનેલા પડદા ઉનાળાના સમયે ખૂબ જ કામના અને આશીર્વાદ સમાન સાબિત થાય છે. આ પડદાંને બારી કે દરવાજા પર લગાવી તેના પર પાણી છાંટવાથી, બહારની ગરમ હવા જ્યારે આ ભીના પડદામાંથી પસાર થાય છે, ત્યારે તે એકદમ ઠંડી થઈને રૂમમાં પ્રવેશે છે. આનાથી રૂમમાં કુદરતી સુગંધ પણ ફેલાય છે.
ક્રોસ વેન્ટિલેશનનો યોગ્ય સમય
ક્રોસ વેન્ટિલેશન પણ ગરમીના દિવસોમાં ઘરને ઠંડુ રાખવામાં ખૂબ જ કામની ટ્રીક સાબિત થાય છે. વાત કરીએ ક્રોસ વેન્ટિલેશનના યોગ્ય સમયની તો સવારે પાંચ વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી હવામાં ઠંડક હોય છે, પરિણામે આ સમયે બારી-દરવાજા ખુલ્લા રાખવા જોઈએ. પરંતુ જેવો તડકો વધે એટલે કે સવારે 10થી સાંજે પાંચ વાગ્યા સુધી બારીઓ બંધ કરી દેવી જોઈએ જેથી બહારની લૂ ઘરમાં ન પ્રવેશે.
માટીના વાસણનો જાદુ
રૂમને ઠંડો રાખવા માટે માટીનું વાસણ પણ ખૂબ મદદરૂપ સાબિત થાય છે. આ માટે તમારે કરવાનું માત્ર એટલું જ છે કે રૂમમાં એક મોટા માટીના કુંડા કે વાસણમાં પાણી ભરીને રાખવાથી બાષ્પીભવનની પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયા આસપાસની ગરમી શોષી લે છે અને આ ઉપાય અજમાવીને તમે રૂમનું ટેમ્પરેચર બેથી ત્રણ ડિગ્રી સુધી ઘટાડી શકાય છે.
ધાબા પર પાણીનો છંટકાવ
જો તમારું ઘર બેઠા ઘાટનું હોય કે ડુપ્લેક્સ બંગલો ટાઈપ હોય તો આવા સમયે કોંક્રિટનું ધાબુ આખો દિવસ તડકામાં તપે છે અને રાત્રે ગરમી એટલે કે બફારો બહાર કાઢે છે, જેને કારણે રૂમનું ટેમ્પરેચર વધી જાય છે. આવી સ્થિતિમાં ઘરને એસી અને કૂલર વિના ઠંડુ રાખવા માટે સાંજે છ વાગ્યા બાદ ધાબા પર પાણી છાંટવાથી તેની ગરમી શાંત થાય છે, જેનાથી નીચેના રૂમમાં રાત્રે એસી જેવી ઠંડક અનુભવાય છે.
છે કે એકદમ કામની અને ઉપયોગી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા અને વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહો...