નાંદેડ: પંજાબના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને શિરોમણી અકાલી દળના વડા સુખબીરસિંહ બાદલ પર ગુરુવારે નાંદેડના ગુરુદ્વારામાં થયેલા કિરપાણ હુમલા સમયે સતર્ક પોલીસ ઇન્સ્પેક્ટરે સમયસર હસ્તક્ષેપ કરીને પોતાનો હાથ આગળ કરી દેતાં હથિયારના પ્રહારની તીવ્રતા ઓછી થઇ ગઇ હતી, હુમલાખોરને કાબૂમાં લેતી વખતે તેના જમણા હાથમાં ઘા થયો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસ ઇન્સ્પેક્ટર સંતોષ કેન્દ્રે મહારાષ્ટ્રના સ્પેશિયલ પ્રોટેક્શન યુનિટ (એસપીયુ) સાથે જોડાયેલો હતો અને સુખબીરસિંહ બાદલની નાંદેડના ગુરુદ્વારા માતા સાહિબ દીવાન જી મુગતની મુલાકાત દરમિયાન તેમની સિક્યુરિટી ટીમનો ભાગ હતો.નિહંગ સંપ્રદાયના સભ્ય જસપાલસિંહે ગુરુવારે ગુરુદ્વારામાં શિરોમણી અકાલી દળના વડા પર હુમલો કર્યો હતો. હુમલા બાદ સુખબીરસિંહ બાદલની હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી અને શુક્રવારે બપોરે તેમને રજા અપાઇ હતી.
બાદલની સિક્યુરિટી ટીમનો ઇન્સ્પેક્ટર સંતોષ કેન્દ્રે ભાગ હતો અને તેના હાથમાં ઇજા થઇ હતી. એક વ્યક્તિને કિરપાણ સાથે જોયા બાદ કેન્દ્રેએ પોતાનો હાથ આગળ કરી દીધો હતો, જેને કારણે બાદલ તરફના હથિયારના પ્રહારની તીવ્રતા ઓછી થઇ હતી.હાથમાંથી લોહી નીકળતું હોવા છતાં કેન્દ્રે હુમલાખોર તરફ ગયો હતો અને તેનો મોબાઇલ છીનવી લીધો હતો, એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું.હુમલા બાદ બાદલ અને કેન્દ્રેને તાત્કાલિક યશોસાઇ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું કે કેન્દ્રેના જમણા હાથમાં બે ઇંચ લાંબો ઘા થયો છે. તેને આઠથી દસ ટાંકા આવ્યા હતા. (પીટીઆઇ)