Tue Aug 18 2026

Logo

ગુજરાતમાં આત્મહત્યાના ચાર બનાવમાં પાંચના મોત, રિવરફ્રન્ટમાં કૂદતા પહેલા સગીરાએ વીડિયો બનાવ્યો

2026-08-13 19:39:09
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ ગુજરાતમાં લગભગ એક દિવસ એવો નથી જતો જ્યારે કોઈ આત્મહત્યાનો કિસ્સો ન બન્યો હોય. વધતી માનસિક તાણ અને નિરાશા કિશોરોથી માંડી વૃદ્ધોને પોતાના ભરડામાં લઈ રહી છે. ગુરુવારે ફરી અમદાવાદ અને સુરત તેમ જ કચ્છમાં આત્મહત્યાના કેસ નોંધાયા હતા. 

સુરતમાં એક સગીરા સહિત પ્રેમીયુગલે ઝાડ પર ગળફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મળતી વિગતો અનુસાર દાહોદનો વતની 24 વર્ષીય યુવક અને 16 વર્ષીય સગીરા સુરત ખાતે સાથે મજૂરીકામ કરતા હતા અને તેમના વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. બન્ને બે દિવસ પહેલા ઘરેથી ગૂમ હતા અને પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા. દરમિયાન ગુરુવારે સવારે ઘરથી 500 મીટર દૂર બિલિપત્રના ઝાડ પર બંન્નેના લટકતા મૃતદેહ મળ્યા હતા. બન્ને પરિવારના જણાવ્યા અનુસાર તેમને આ સંબંધો અંગે કોઈ માહિતી ન હતી. 

તો બીજી બાજુ અમદાવાદનું રિવરફ્રન્ટ ફરી એક સગીરાનાં મોતનું સાક્ષી બન્યું હતું.  મૂળ અમદાવાદની અને આણંદમાં પતિ સાથે રહેતી 17 વર્ષીય સગીરાએ રિવરફ્રન્ટ પરથી સાબરમતી નદીમાં કૂદી ગઈ હતી. સગીરાએ વીડિયો બનાવી પોતાની આપવીતી પણ કહી હતી. તેનાં પિતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર ફરદીન શેખ નામાના એક યુવક સાથે તેને પ્રેમસંબંધ હતો, તેથી પરિવારે બન્નેના લગ્ન કરાવ્યા હતા અને બન્ને આણંદમાં રહેતા હતા. બન્ને વચ્ચે અણબનાવ થતા ફરદીને સગીરાને ઘરેથી કાઢી મૂકી હતી અને તે પિતાના ઘરે નિકોલમાં આવી રહેતી હતી. તેનાં વીડિયો પ્રમાણે તેણે પતિને માનવવાની ઘણી કોશિશ કરી, પરંતુ તેણે ફરી ન અપનાવતા તે હતાશ થઈ ગઈ હતી. તેણે વીડિયોમાં કહ્યું હતું કે તે મારી આત્માને તો મારી જ નાખી છે, હવે હું મારું શરીર મારી રહી છું. પિતાની ફરિયાદના આધારે પોલીસે પતિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. કચ્છમાં પણ શિક્ષક અને યુવકની આત્મહત્યાના બનાવો નોંધાયા હતા. તમામ કેસમાં પોલીસ આગળની તપાસ હાથ ધરી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.