નવી દિલ્હીઃ ખાંડ ઉદ્યોગની સંસ્થા ઈસ્મા (ઈન્ડિયન સુગર ઍન્ડ બાયો એનર્જી મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન) અને એનએફસીએસએફ (નેશનલ ફેડરેશન ઑફ કૉ ઑપરેટિવ સુગર ફેક્ટરીઝ)એ આજે સરકારને જણાવ્યું હતું કે ખાંડ મિલો આગામી ખાંડ મોસમ વર્ષ 2026-27માં પિલાણ 10થી 15 દિવસ વહેલું શરૂ કરવા તૈયાર છે, પરંતુ આ પગલાંની નાણાકીય અસરને સરભર કરવા માટે સહાય કરવાની પણ માગણી કરી છે.
બન્ને સંગઠનોએ આજે સંયુક્તપણે ખાદ્ય સચિવને એક પત્રમાં જણાવ્યું છે કે આગામી ખાંડ મોસમમાં શેરડીનું વહેલાસર પિલાણ શરૂ થતાં તહેવારોની મોસમ પૂર્વે બજારમાં નવી ખાંડનો પુરવઠો ઉપલબ્ધ થશે. જોકે, આ પગલાંથી ખાંડ મિલોને નોંધપાત્ર કાર્યકારી અને નાણાકીય અસરો થશે. વહેલા પિલાણને કારણે ખાંડની ઓછી રિકવરીની શક્યતા, ઊપજમાં ઘટાડો અને ઓછી કાર્યકારી અસરકારકતાને કારણે ઉત્પાદન ખર્ચમાં વધારો થવાની શક્યતા હોવાનું જણાવતા ઉમેર્યું હતું કે આ નિર્ણય વ્યાપક સલાહસૂચનો બાદ લેવામાં આવ્યો છે.
હાલમાં ઉદ્યોગ ઉત્પાદન ખર્ચમાં તીવ્ર વધારાનો સામનો કરી રહ્યો છે. વધુમાં અખાતી દેશોમાં ભૂરાજકીય કટોકટીને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે સલ્ફરના ભાવ વધી આવ્યા છે. આ ઉપરાંત બ્યૂરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડસ પેકેજિંગનાં ધોરણોને ધ્યાનમાં લેતાં સુધારિત ક્વૉલિટીનાં મટિરિયલનો ઉપયોગ કરવો પડે તેમ હોવાથી પોલીપ્રોપલિનના ભાવ પણ વધી આવતા કુલ ઉત્પાદન ખર્ચ વધ્યો છે. તેમ છતાં બહોળી જનતાના હિતમાં ખાંડ મિલો પિલાણ વહેલુ કરવા માટે તૈયાર હોવાનું જણાવ્યું છે.
ઈસ્મા અને એનએફસીએસએફએ સરકાર સમક્ષ રિકવરીમાં થનારી નુકસાનીનાં વળતર સહિત નુકસાનીના ટેકાની, ઑક્ટોબરનાં ઉત્પાદનની સમકક્ષ અતિરિક્ત સ્થાનિક વેચાણ ક્વૉટા, સ્થાનિકમાં ખાંડના વેચાણ માટેનાં સીજીએસટીને દૂર કરવા અથવા તો અન્ય કોઈ યંત્રણા દ્વારા તેને સરભર કરવાની માગણી કરી છે. વધુમાં તેઓએ સરકારને અનુરોધ કર્યો છે કે રાજ્યનાં સત્તાવાળાઓએ ગોળ અને ખાંડસરીનાં એકમોને ખાંડ મિલો દ્વારા પિલાણ શરૂ થાય પછી જ પિલાણ શરૂ કરવાનો નિર્દેશ આપવા જણાવ્યું છે.
જેથી ખાંડ મિલોને શેરડીની પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધિ થાય અને મિલોનો ક્ષમતાનુસાર વપરાશ થાય. તેમ જ સંગઠનોએ ઉમેર્યું હતું કે હાલમાં ખાંડના ભાવમાં જોવા મળી રહેલી વધઘટ માગ અને પુરવઠાના પરિબળોને આધિન નથી. દેશમાં ગત જૂન મહિનામાં એક્સ મિલ ધોરણે ખાંડના ભાવ ઉત્પાદનની સરેરાશ કરતાં નીચા કિલોદીઠ રૂ. 39.50થી 40.00 આસપાસ હતા. જોકે તાજેતરમાં થયેલા ભાવવવધારા પછી પણ ગત જુલાઈના અંતે મોસમનાં સરેરાશ ભાવ કિલોદીઠ રૂ. 40થી 40.50 આસપાસ રહ્યા છે અને તે કિલોદીઠ રૂ. 42નાં ઉત્પાદન ખર્ચ કરતાં ઓછા છે.
ઉદ્યોગે વર્તમાન વર્ષ 2025-26ની ખાંડ મોસમમાં શેરડીના ખેડૂતોને રૂ. 1.10 લાખ કરોડની ચુકવણી કરી છે. તેથી હાલમાં જોવા મળેલા ખાંડના ભાવવધારાને યોગ્ય સંદર્ભમાં જોવો જોઈએ, કોઈ પુરવઠાના અવરોધના સંકેત તરીકે નહીં, એમ જણાવતા ઉમેર્યું હતું કે ભારતમાં સ્થાનિક વપરાશી માગને પરિપૂર્ણ કરવા માટે પૂરતો સ્ટોક છે અને ઉપલબ્ધિતા અંગે ચિંતાનું કોઈ કારણ ન હોવાનું યાદીમાં ઉમેર્ર્યું હતું.