Thu Jun 18 2026

Logo

ઈરાનનો મોટો દાવો: અમેરિકાનું સૌથી એડવાન્સ F-35 સ્ટેલ્થ ફાઈટર જેટ તોડી પાડ્યું...

Dubai   2026-03-20 17:00:24
Author: Mumbai Samachar Team
Article Image

દુબઈઃ ઈરાન-ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી લડાઈ દરરોજ એક નવું પરિણામ સર્જી રહી છે. હવે ઈરાને એક એવું પગલું ભરી લીધું છે કે કોઈએ સ્વપ્ને પણ વિચાર્યું નહીં હોય. ઈરાન એર ડિફેન્સ સિસ્ટમે અમેરિકાના સૌથી એડવાન્સ સ્ટેલ્થ F35 ફાઈટર યુદ્ધ વિમાનને તોડી પાડ્યું છે. અત્યાર સુધી અમેરિકાનું આ વિમાન F35 ફાઈટર યુદ્ધમાં ક્યાય તૂટ્યું નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, ઈરાનની તમામ એર ડિફેન્સ સિસ્ટમ ખતમ થઈ ચૂકી છે. ગણતરીના કલાકમાં જ ઈરાને F35 યુદ્ધ વિમાન ટ્રેક કરી લીધુ હતું પછી લોક કરીને તોડી પાડવામાં આવ્યું હતું.

આમનેસામને આક્ષેપબાજી ચાલુ
અમેરિકા અને ઈરાન વચ્ચે હવે યુદ્ધની સાથે આક્ષેપબાજી શરૂ થઈ છે. અમેરિકાનું એવું કહેવું છે કે, યુદ્ધ વિમાને ઈમરજન્સી લેન્ડિગ કરીને મિડલ ઈસ્ટના એક બેઝ પર સુરક્ષા મેળવી હતી, જ્યારે ઈરાનનો દાવો છે કે, આ વિમાન ખરેખર ક્રેશ થઈ ગયું છે. અન્ય એક F35 ફાઈટર જેટ અબ્બાસ બંદર પાસે હિટ થયું હતું.F35 ફાઈટર જેટ અમેરિકાનું સૌથી એડવાન્સ ટેક્નોલોજી વાળું યુદ્ધ વિમાન છે, જેને એડવાન્સ સ્ટેલ્થ ફાઈટર જેટ તરીકે ઓળખવામાં આવે છે. આ વિમાનની કિંમત 800 કરોડથી પણ વધારે છે. રડારમાં તે કોઈ રીતે પકડાતું નથી એ આ વિમાનની ખાસિયત છે. 

દુનિયાના 15 દેશમાં આ વિમાનનો ઉપયોગ
માત્ર અમેરિકા જ નહીં દુનિયાના 15 દેશમાં આ પ્રકારના વિમાનનો ઉપયોગ થાય છે. કેટલાક દેશ પાસે આ જ કેટેગરીના વિમાનો છે. ગત વર્ષે ટ્રમ્પે વડા પ્રધાન મોદીને પણ આ વિમાનની ઓફર કરી હતી, પણ ભારતે હજુ સુધી આ વિમાન પર પસંદગી ઊતારી નથી.આ યુદ્ધમાં ઈરાને આ વિમાન તોડી પાડતા એ સાબિત થયું કે, સુરક્ષાના મામલે આ વિમાન પર કોઈ ભરોસો કરી શકાય એમ નથી. ઈરાનમાં અમે જ્યાં ઈચ્છીએ ત્યાં ઉડી શકીએ છીએ, અમારા પર કોઈ ફાયરિંગ થાય એમ નથી. ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથે કહ્યું હતું કે, ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ ખતમ થઈ ચૂકી છે. આ વાતની સામે ઈરાને એક વીડિયો જારી કર્યો હતો, જેમાં સિસ્ટમ યુદ્ધ વિમાનને ટ્રેક કરે છે એ સ્પષ્ટ દેખાય છે. 

સમજો આ ટેક્નોલોજીને
સ્ટેલ્થ ટેક્નોલોજીને મિસનોમર ટેક્નોલોજી તરીકે ઓળખવામાં આવે છે. રડારમાંથી તે સંપૂર્ણ રીતે અદ્રશ્ય થઈ જાય છે પણ રડાર સિવાય પણ તેને ટ્રેક કરવાના બીજા કેટલાક રસ્તા છે. F35 ફાઈટર જેટનું એન્જિન ખૂબ ઝડપથી ગરમ થઈ જાય છે તેથી એની ગરમીને ટ્રેક કરી શકાય છે. ઈરાને ઈન્ફ્રારેડ સર્ચ એન્ડ ટ્રેક સિસ્ટમનો ઉપયોગ કરીને આ વિમાનની ગરમી ટ્રેક કરી. આ વગર રડારે પણ શક્ય છે. ઈન્ફ્રારેડ સેન્સરની મદદથી મિસાઈલ મારો કરી શકાય છે. જંગ શરૂ થઈ ત્યારથી લઈ અત્યાર સુધીમાં અમેરિકાના 12થી વધારે ડ્રોનનો ખાતમો બોલાવી દેવાયો છે.