અજય મોતીવાલા
1930માં ફેડરેશન ઇન્ટરનૅશનલ દ ફૂટબૉલ અસોસિયેશન (ફિફા) દ્વારા આયોજિત સૌપ્રથમ વર્લ્ડ કપમાં વિશ્વના માત્ર ત્રણ ખંડની માત્ર 13 દેશની ટીમે ભાગ લીધો હતો, જ્યારે 2026ના વિશ્વ કપમાં છ ખંડના સૌથી વધુ 48 દેશની ટીમોએ ભાગ લીધો અને એના પરથી જ પુરવાર થાય છે કે આ વખતની ટૂર્નામેન્ટ સૌથી વધુ મનોરંજક અને રોમાંચક બની.
આ એવો ફિફા વર્લ્ડ કપ છે જેમાં ઘણા નવા સિતારા ઊભર્યા, અનેક અનુભવી ખેલાડીઓના અગાઉ કરતાં સારા પર્ફોર્મન્સ જોવા મળ્યા, ખેલાડીઓની નવી તરકીબો જોવા મળી તેમ જ નૉકઆઉટ રાઉન્ડની મૅચો વધુ નાટ્યાત્મક બની. આશા રાખીએ, રવિવારે, 19મી જુલાઈએ (ભારતીય સમય અનુસાર મધરાત બાદ 12.30 વાગ્યે) આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે રમાનારી ફાઇનલ કરોડો ફૂટબૉલપ્રેમીઓને વધુ રોમાંચ અને મનોરંજન પૂરા પાડશે.
દાયકાઓથી વર્લ્ડ કપમાં બ્રાઝિલ, આર્જેન્ટિના, જર્મની, ઇટલી અને ફ્રાન્સનું પ્રભુત્વ રહ્યું હતું, પરંતુ 2026ની ટૂર્નામેન્ટમાં બીજા ઘણા દેશો (ખાસ કરીને કેપ વર્ડે, ક્યૂરસો, કૉન્ગો જેવા નાના દેશો)ની ટીમ છવાઈ ગઈ. વધુ નવાઈની વાત એ છે કે દોઢ લાખની વસતીવાળા ક્યૂરસૉ અને પાંચ લાખની વસતીવાળા કેપ વર્ડે (કાબૉ વર્ડે)એ મોટા રાષ્ટ્રોની ટીમને થોડી મુસીબતમાં મૂકી દીધી હતી. કેપ વર્ડેએ તો કમાલ જ કરી નાખી.
2010નું વર્લ્ડ ચૅમ્પિયન સ્પેન જે રવિવારની આર્જેન્ટિના સામેની ફાઇનલમાં પહોંચી ગયું છે એની સામેની પહેલી લીગ મૅચ કેપ વર્ડેએ 0-0થી ડ્રૉ કરાવી હતી અને પછી ભૂતપૂર્વ વિશ્વ વિજેતા ઉરુગ્વેને 2-2ની ડ્રૉ માટે મજબૂર કરીને એને ટૂર્નામેન્ટની બહાર કરાવી દીધું હતું. સ્પેન જેવી દિગ્ગજ ટીમ જે વર્તમાન યુરો ચૅમ્પિયન છે એની સામેની મૅચ ડ્રૉ કરાવીને વર્લ્ડ કપમાં પોતાના ડેબ્યૂમાં પહેલી જ મૅચમાં (0-0ની ડ્રૉ બદલ) પ્રથમ પૉઇન્ટ મેળવવો એ પણ બહુ મોટી સિદ્ધિ કહેવાય.
આ વખતના વર્લ્ડ કપમાં અન્ડરડૉગ કેપ વર્ડેની જેટલી પ્રશંસા થઈ છે, એટલી કદાચ બીજી કોઈ નાની ટીમની નથી થઈ. લીગ રાઉન્ડમાં સઉદી અરેબિયાએ પણ કેપ વર્ડે સાથેની 0-0ની ડ્રૉને કારણે નુકસાન ભોગવવું પડ્યું હતું. વૉઝિન્યાના શ્રેષ્ઠ ગોલકીપિંગને લીધે પહેલા જ વર્લ્ડ કપમાં સફળતાની સીડી ચડનાર નિર્ભય ખેલાડીઓવાળી કેપ વર્ડેની ટીમે નૉકઆઉટમાં આર્જેન્ટિનાને આસાનીથી નહોતું જીતવા દીધું.
આર્જેન્ટિના જેવી સર્વોત્તમ ટીમ સામે બબ્બે ગોલ કરવા એ બહુ મોટી વાત કહેવાય અને કેપ વર્ડેના સ્ટ્રાઇકર્સે એ કરી દેખાડ્યું હતું. તેઓ દિગ્ગજ ટીમ સામે રમવાના માનસિક દબાણમાં આવવાને બદલે ટેક્નિક અને લય સાથે નીડર થઈને રમ્યા હતા. એ તો ઠીક, પણ લિયોનેલ મેસીના ગોલપોસ્ટ પરના બે ટાર્ગેટ-શૉટને સફળતાથી રોકવા એ પણ ગજબની સફળતા કહેવાય અને કેપ વર્ડેના ગોલકીપર વૉઝિન્યાએ એ કરી બતાવ્યું હતું.
બીજી તરફ, કેપ વર્ડેના સ્ટ્રાઇકર્સે વારંવાર આર્જેન્ટિનાની ડિફેન્સ તોડી હતી. ત્રીજી જુલાઈની માયામી ખાતેની એ નૉકઆઉટ મૅચમાં જો 111મી મિનિટમાં કેપ વર્ડેના એડિલ્સન બોર્જિસથી જો સેલ્ફ ગોલ ન થયો હોત તો મુખ્ય મૅચ કદાચ 2-2ની બરાબરીમાં રહી હોત અને પાંચ-પાંચ કિકવાળા પેનલ્ટી શૂટઆઉટમાં કેપ વર્ડે કદાચ જીતી જતાં આર્જેન્ટિના ત્યારે જ ટૂર્નામેન્ટની બહાર થઈ ગયું હોત.
કેપ વર્ડેની ટીમે સાબિત કર્યું કે આફ્રિકાના દેશો ફૂટબૉલ જગતને માત્ર શૂરવીરો જ નથી આપતા, તેમની પાસે નવી-નવી તરકીબો પણ હોય છે જે તેમને ઈશ્વર તરફથી બક્ષિસમાં મળી છે. કેપ વર્ડેએ ત્રીજી જુલાઈએ આર્જેન્ટિના સામેના 2-3ના પરાજયને પગલે ટૂર્નામેન્ટમાંથી માનભેર વિદાય લીધી હતી. તેમણે જ તો આ વખતના વર્લ્ડ કપને જીવંત બનાવી રાખવામાં મોટું યોગદાન આપ્યું હતું. કેપ વર્ડેએ વર્લ્ડ કપની ચાર મૅચ રમીને (મન હોય તો માળવે જવાય) એવી પ્રેરણા બીજા ઘણા નાના દેશોને આપી છે.
ક્યૂરસૉ નામના નાનકડા ટાપુની ટીમ પણ પહેલી જ વખત ફિફા વર્લ્ડ કપમાં રમી અને એણે ભલે કેપ વર્ડે જેવી કમાલ ન બતાવી, પણ કરોડો સૉકરપ્રેમીઓના દિલ તો જીતી જ લીધા હતા. નેધરલૅન્ડ્સનું વર્ચસ્વ ધરાવતા આ દેશના મોટા ભાગના ખેલાડીઓએ નેધરલૅન્ડ્સમાં તાલીમ મેળવી છે એટલે વર્લ્ડ કપમાં તેમની તરકીબોમાં તેમ જ બૉલ પાસ કરવામાં ડચનો ટચ જોવા મળ્યો હતો. તેમણે પણ ફૂટબૉલ વિશ્વને બતાવી આપ્યું કે કૅરિબિયન ફૂટબૉલ માત્ર જમૈકા કે ટ્રિનિદાદ પૂરતું સીમિત નથી. જર્મની જેવી માતબર ટીમ સામે એક ગોલ કરવો બહુ મોટી વાત કહેવાય અને ક્યૂરસૉએ એ કામ 14મી જૂને ફિલાડેલ્ફિયાની મૅચમાં કરી દેખાડ્યું હતું.
ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કૉન્ગો (ડીઆરસી)ના ખેલાડીઓમાં આફ્રિકાની ઍથ્લેટિક નિપુણતા અને યુરોપિયન તરકીબો જોવા મળતાં સૉકરપ્રેમીઓને મજા પડી ગઈ હતી. જાણી લો, કૉન્ગોએ કેવી કમાલ કરી હતી: (1) ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના પોર્ટુગલ સામે કૉન્ગોએ એક ગોલ કરીને મૅચ 1-1થી ડ્રૉ કરાવી હતી. (2) કોલમ્બિયાને લડત આપીને માત્ર 0-1ના માર્જિનથી પરાજય જોયો હતો. (3) ઉઝબેકિસ્તાનને 3-1થી હરાવીને ટૂર્નામેન્ટની બહાર કરાવી દીધું હતું. પોતાના ગ્રૂપની ત્રીજા નંબરની ટીમ તરીકે નૉકઆઉટમાં પહોંચનાર કૉન્ગોએ એમાં ઇંગ્લૅન્ડને પણ લડત આપી હતી અને એક ગોલ કર્યા બાદ 1-2થી હાર સ્વીકારી હતી. ઉલ્લેખનીય છે કે કૉન્ગોના કરન્ટથી બચેલું ઇંગ્લૅન્ડ સેમિ ફાઇનલમાં આર્જેન્ટિના સામે હાર્યું હતું.
સેનેગલે બેલ્જિયમને જે લડત આપી એના પરથી પુરવાર થયું કે આફ્રિકાની સૌથી મજબૂત ટીમોમાં એની ગણના અચૂક થાય છે. યુરોપની મજબૂત ટીમ બેલ્જિયમ સામે 2-3થી હારતાં પહેલાં સેનેગલના ખેલાડીઓએ ભરપૂર આત્મવિશ્વાસ સાથે એને લડત આપી હતી.
23મા વર્લ્ડ કપનું ફૂટબૉલ જગતમાં કેવું મહત્ત્વ રહ્યું?
1 પહેલી વખત ફિફા વર્લ્ડ કપમાં 48 દેશની ટીમો રમી. શરૂઆતમાં તો આ નિર્ણયની ટીકા થતી હતી, પણ હવે તો સંભળાય છે કે 2030ના વિશ્વ કપમાં 64 દેશની ટીમને આમંત્રિત કરવાની ફિફાની યોજના છે.
2 નાના દેશોને (અન્ડરડૉગ્સને) ફૂટબૉલના વિશાળ ફલક પર બહુમૂલ્ય અનુભવ મળ્યો.
3 ફૂટબૉલની રમતની નિપુણતાનો વ્યાપ વધી ગયો છે.
4 યુરોપિયન લીગ ટૂર્નામેન્ટોની ક્લબોમાં વર્લ્ડ કપના નાના દેશોના સ્ટાર ખેલાડીઓની ડિમાન્ડ વધી ગઈ છે.
5 સ્પેનની ટીમે આ વખતની ટૂર્નામેન્ટની સાત મૅચમાં હરીફોને ફક્ત એક ગોલ કરવા દીધો. બેલ્જિયમ સામે ક્વૉર્ટર ફાઇનલમાં સ્પેન 2-1થી જીત્યું હતું. એ સિવાય બાકીની તમામ છ મૅચમાં સ્પેન સામે કોઈ પણ હરીફ ટીમ એક ગોલ પણ નહોતી કરી શકી જે વિશ્વવિક્રમ છે.
6 લિયોનેલ મેસીના નેતૃત્વમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન આર્જેન્ટિનાએ અનુભવ અને જીતવાની જ માનસિકતા સાથે 2022ના વર્લ્ડ કપ કરતાં વધુ સારો પર્ફોર્મન્સ બતાવ્યો.
7 કીલિયાન ઍમ્બપ્પેના સુકાનમાં ફ્રાન્સ આખી ટૂર્નામેન્ટમાં ખૂબ જ સારું રમ્યું, પણ સ્પેન સામેની સેમિ ફાઇનલમાં એનો પર્ફોર્મન્સ ચમકદમક વિનાનો હતો.
8 બ્રાઝિલના નેમારને ઈજા નડી, પણ અર્લિંગ હાલૅન્ડ ખરા સમયે (ઇંગ્લૅન્ડ સામેની ક્વૉર્ટર ફાઇનલમાં) સારું ન રમ્યો એટલે નોર્વેએ વહેલી એક્ઝિટ જોવી પડી.
9 ટૂંકમાં, 2022નો વર્લ્ડ કપ લિયોનેલ મેસીનો હતો તો 2026નો વિશ્વ કપ ખુદ ફૂટબૉલની રમતને જ સમર્પિત છે એમ કહી શકાય, કારણકે એમાં લોકોને રેફરીઓના વિવાદાસ્પદ નિર્ણયો તેમ જ ખેલાડીઓની મારધાડ વચ્ચે ઘણું નવું અને અનોખું પણ જોવા મળ્યું.
10 સ્પેનના લેમિન યમાલ, બ્રાઝિલના વિનિસિયન જુનિયર અને ઇંગ્લૅન્ડના જ્યૂડ બેલિંગમે નક્કી કરી આપ્યું કે તેમના જેવા ખેલાડીઓ જ ફૂટબૉલના ભાવિ સિતારાઓ છે.