Mon Sep 28 2026

Logo

હવે સૌરાષ્ટ્રમાં જ GPSC-UPSCની તૈયારી થશે! ભાવનગરમાં શરૂ થયું SPIPAનું પ્રાદેશિક તાલીમ કેન્દ્ર

2026-09-22 21:50:26
Author: Devayat Khatana
હવે સૌરાષ્ટ્રમાં જ GPSC-UPSCની તૈયારી થશે! ભાવનગરમાં શરૂ થયું SPIPAનું પ્રાદેશિક તાલીમ કેન્દ્ર

ભાવનગર: યુ. પી. એસ. સી. અને જી. પી. એસ. સી. જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં સૌરાષ્ટ્રના યુવાનો માટે એક સારા સમાચાર છે. ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્ય પ્રધાન નિમુબેન બાંભણિયાના હસ્તે સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (SPIPA)ના પ્રાદેશિક તાલીમ કેન્દ્રનો પ્રારંભ  કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જુનિયર ક્લાર્ક વર્ગ-૩ સંવર્ગના કર્મચારીઓની પૂર્વ સેવા તાલીમના પ્રથમ વર્ગનો પણ પ્રારંભ થયો હતો. UPSC અને GPSCમાં ખૂબ મોટો અધિકારીઓ આપનાર (SPIPA)ના પ્રાદેશિક તાલીમ કેન્દ્રનો ભાવનગરમાં પ્રારંભ થવાથી ઉમેદવારો માટે ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થવાની આશાનો સૂરજ ઊગ્યો છે. 

આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય પ્રધાન નિમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે, ભાવનગરમાં સ્પીપા તાલીમ કેન્દ્ર શરૂ થવું સમગ્ર વિસ્તાર માટે ગૌરવની બાબત છે. આ કેન્દ્ર દ્વારા સરકારી અધિકારીઓ-કર્મચારીઓને તાલીમની સાથે યુવાનોને યુપીએસસી અને જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે માર્ગદર્શન અને યોગ્ય પ્લેટફોર્મ મળશે. ભાવનગર ઉપરાંત બોટાદ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના યુવાનો પણ તેનો લાભ લઈ શકશે.

તેમણે જણાવ્યું હતું કે, આર્થિક પરિસ્થિતિના કારણે અનેક પ્રતિભાશાળી યુવાનો માટે અમદાવાદ, ગાંધીનગર કે દિલ્હી જઈને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવી મુશ્કેલ બને છે. ભાવનગરમાં જ આ કેન્દ્ર શરૂ થતાં યુવાનોને ઘરઆંગણે તાલીમ અને માર્ગદર્શનની સુવિધા મળશે. શિક્ષણ ગરીબીમાંથી બહાર આવવાનું સશક્ત માધ્યમ છે અને યોગ્ય તક તથા માર્ગદર્શન મળે તો સામાન્ય પરિવારનો યુવાન પણ ઉચ્ચ સરકારી સેવામાં જોડાઈ શકે છે.

સિદસર ખાતે બનશે  આધુનિક સ્પીપા કેન્દ્ર

તેમણે જણાવ્યું હતું કે, સિદસર ખાતે આશરે 2.26 એકર જમીન પર ભવિષ્યમાં આધુનિક સ્પીપા કેન્દ્રનું નિર્માણ કરવામાં આવશે. તેમાં સ્માર્ટ ક્લાસરૂમ, લાઇબ્રેરી, હોસ્ટેલ સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે. આ કેન્દ્ર ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રના યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી અને સરકારી કર્મચારીઓની તાલીમ માટે મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહેશે.

કમિશનર ડૉ. નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી ‘સ્પીપા એટલે અમદાવાદ’ એવી ઓળખ હતી. ત્યારે ભાવનગર ખાતે પ્રાદેશિક તાલીમ કેન્દ્રની શરૂઆત સૌરાષ્ટ્રના યુવાનો માટે નવી તક સમાન છે.  હવે યુવાનોને અમદાવાદ ગયા વિના સ્થાનિક સ્તરે ગુણવત્તાસભર તાલીમ અને માર્ગદર્શન મળશે. ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ભરત રામાનુજે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં સ્પીપાનું વધુ એક પ્રાદેશિક તાલીમ કેન્દ્ર શરૂ થવું સમયની જરૂરિયાત હતી. બદલાતા કાયદા-નિયમો, વહીવટી પ્રક્રિયાઓ અને ટેકનોલોજી સાથે કર્મચારીઓની કાર્યક્ષમતા વધારી નાગરિકોને વધુ સરળ અને ગુણવત્તાસભર સેવાઓ મળે તે દિશામાં આ કેન્દ્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.