અમદાવાદ: અમદાવાદ સહિત ગુજરાતમાં શ્વાન કરડવાના કેસમાં વધારો થઇ રહ્યો છે. શ્વાન કરડવાના મામલે ગુજરાત એક એવું રાજ્ય છે જે સમગ્ર ભારતમાં ટોપ 5 રાજ્યમાં સામેલ છે. ગુજરાતમાં કૂતરા કરડવાની સરેરાશ જોઇએ તો દરરોજ 700 જેટલા શ્વાન કરડવાના કેસ નોંધાય છે. રાજ્યમાં વર્ષે સરેરાશ 1.50 લાખથી વધુ લોકો પર શ્વાન એટેક કરે છે. શ્વાનના આતંક અને કરડવાની ઘટના ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા પગલાં તો લઇ રહી છે. તેમ છતાં આજે સમગ્ર દેશમાં શ્વાન કરડવાના કિસ્સામાં ગુજરાત પાંચમા ક્રમે હોવાનો રિપોર્ટ સામે આવી રહ્યો છે.
રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં કરડે છે કૂતરા
અગાઉ જણાવ્યું તેમ રાજ્યમાં પ્રતિદિન 700થી વધુ લોકોને શ્વાન કરડી રહ્યા છે. રાજ્યમાં કૂતરા કરડવાની સરેરાશ જોઇએ તો વર્ષે એક અંદાજ મુજબ દોઢ લાખથી વધુ લોકોને શ્વાન પોતાનો શિકાર બનાવે છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં શ્વાન કરડવાના કિસ્સાઓ સામે આવ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકા એટલે કે AMC દ્વારા શ્વાન નિયંત્રણ માટે કોર્પોરેશન કરોડોનો ખર્ચ કરે છે પણ પરિણામ શૂન્ય.
એક જ વર્ષમાં 30 ટકાનો વધારો
અમદાવાદ શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. કોર્પોરેશન દ્વારા શ્વાનોના ખસીકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોવા છતાં, કૂતરા કરડવાના બનાવોમાં ઘટાડો થવાને બદલે ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે. તાજેતરના એક તૈયાર થયેલા રિપોર્ટ મુજબ અમદાવાદમાં કૂતરા કરડવાના બનાવોમાં એક જ વર્ષમાં 30 ટકાનો વધારો નોંધાયો છે, એટલેકે શહેરમાં સરેરાશ રોજના કૂતરા કરડવાના 100 કેસ નોંધાઈ રહ્યા છે.
પાંચ વર્ષમાં 3.14 લાખ કેસ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેટા મુજબ, વર્ષ 2025માં શહેરમાં કુલ 77 હજારથી વધુ લોકોને કૂતરા કરડ્યા હતા. છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો અમદાવાદમાં કૂતરા કરડવાના કુલ 3.14 લાખ કેસ નોંધાયા છે. આ આંકડાઓ સાથે ગુજરાતનો સમાવેશ કૂતરા કરડવાના સૌથી વધુ કેસમાં દેશના ટોચના પાંચ રાજ્યોમાં થયો છે
ખસીકરણની કોઇ અસર નહીં
અમદાવાદ શહેરમાં વર્ષ 2019માં રખડતા શ્વાનનો સર્વે કરવામાં આવ્યો હતો. ત્યારે શ્વાનની સંખ્યા 2,10,000 હતી. 2012થી ખસીકરણ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારે એવી જાહેરાત કરવામાં આવી હતી કે, આગામી દસ વર્ષોમાં શહેરમાંથી રખડતા શ્વાનની સંખ્યા ઝીરો થઈ જશે. પરંતુ આટલા વર્ષ થયા છતાં શ્વાનની સંખ્યા ઘટવાને બદલે વધી છે.
એક અંદાજ મુજબ આજે પણ શહેરમાં 2 લાખ જેટલા રખડતા શ્વાન છે. જેના ખસીકરણ અને રસીકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરાઈ રહ્યો છે. તેમજ આજે પણ પ્રતિદિન 164 કૂતરાઓ કરડવાની ફરિયાદ મળી રહી છે.
કૂતરાઓનો ડર વધ્યો
રાજ્યમાં કૂતરાઓનો ત્રાસ એટલો છે કે લોકો ચાર પગના આંતકથી ભયભીત છે. સામાન્ય જનતા પણ રસ્તા પર ચાલતા ડરનો અનુભવ કરે છે. પરિસ્થિતિ એવી છે કે ગમે તે સમયે શ્વાન રસ્તા પર જતા રાહદારી પર એટેક કરે છે. કૂતરાઓના એટેકથી વાહન ચાલકોના અકસ્માતમાં મોત પણ થઇ ચૂક્યા છે. હવે જોવાનું રહે છે કે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન તંત્ર કેટલી જવાબદારીથી કરે છે.