Tue Aug 25 2026

Logo

સ્પાઈસ જેટના ધાંધિયાઃ દુબઈથી આવેલા 40થી વધુ પ્રવાસી મુંબઈ એરપોર્ટ પર રઝળ્યા, પોલીસ મદદે આવી....

2026-08-21 21:18:14
Author: Mumbai Samachar Team
સ્પાઈસ જેટના ધાંધિયાઃ દુબઈથી આવેલા 40થી વધુ પ્રવાસી મુંબઈ એરપોર્ટ પર રઝળ્યા, પોલીસ મદદે આવી....

મુંબઈ: મુંબઈ એરપોર્ટ પર સ્પાઈસ જેટની દરભંગા અને ગોરખપુર જતી કનેક્ટિંગ ફ્લાઈટ્સ અચાનક રદ થતાં દુબઈથી આવેલા 40થી વધુ પ્રવાસીઓ અટવાયા હતા. મુંબઈ એરપોર્ટ પર સ્પાઈસજેટની કનેક્ટિંગ ફ્લાઈટ રદ થતાં દુબઈથી આવેલા 40થી વધુ પ્રવાસીઓ અટવાઈ ગયા હતા. મુસાફરો મુંબઈ પહોંચ્યા બાદ તેમની દરભંગા અને ગોરખપુર જતી ફ્લાઈટ રદ કરવામાં આવી હતી. મુસાફરોએ આરોપ લગાવ્યો કે તેમને ફ્લાઈટ રદ થવાની અગાઉથી કોઈ જાણ કરવામાં આવી નહોતી અને એરલાઈને રહેવા કે ભોજનની પણ કોઈ વ્યવસ્થા કરી નહોતી. આખરે એરપોર્ટ પોલીસે દરમિયાનગીરી કરીને મુસાફરો માટે રહેવા અને ભોજનની વ્યવસ્થા કરી આપી હતી.

આ ઘટના એવા સમયે બની છે જ્યારે સ્પાઈસજેટ ઓપરેશનલ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. જુલાઈમાં એરલાઈનનો ફ્લાઈટ કેન્સલેશન રેટ 8.58 ટકા રહ્યો હતો. સાથે જ કંપની વિરુદ્ધ એનસીએલટીમાં નાદારીની કાર્યવાહી સંબંધિત મામલો ચાલી રહ્યો છે. બુધવારે લેસર એવિએટર એમએલએ સમાધાન બાદ સ્પાઈસજેટ સામેની રૂ. 60 કરોડની નાદારી અરજી પાછી ખેંચી હતી, જેના કારણે કંપનીને તાત્કાલિક રાહત મળી હતી. જોકે, અન્ય સાત લેસર્સની અરજીઓ હજુ બાકી છે.

મળતી માહિતી મુજબ આ ઘટના બાદ ગુરુવારે સવારે 11 વાગ્યે એરપોર્ટ પોલીસે સ્પાઈસજેટ, CISF, DGCA, BCAS અને મુંબઈ એરપોર્ટ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. પોલીસે સ્પાઈસજેટને ચેતવણી આપી હતી કે આવી ઘટના ફરી બનશે તો ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ વિશ્વાસભંગ સંબંધિત જોગવાઈમાં FIR નોંધવાની કાર્યવાહી પણ થઈ શકે છે. મુસાફરોમાં ઘણા લોકો પરિવારની કટોકટીની પરિસ્થિતિને કારણે દુબઈથી ભારત આવ્યા હતા.

આ પ્રકરણ પ્રવાસી પ્રેમ કુમારે જણાવ્યું હતું કે તેમને મુંબઈ પહોંચ્યા બાદ ફ્લાઈટ રદ થયાની કોઈ માહિતી મળી નહોતી. તેમના જણાવ્યા મુજબ, એરલાઈન તરફથી કોઈ વ્યવસ્થા ન થતાં મુસાફરોએ એરપોર્ટ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ડાયરી એન્ટ્રી કર્યા બાદ એરપોર્ટ નજીકની ડોર્મિટરીમાં 40થી વધુ મુસાફરો માટે રહેવા અને ભોજનની વ્યવસ્થા કરી હતી. મુસાફરોએ જણાવ્યું કે જો તેમને અગાઉથી જાણ કરવામાં આવી હોત તો તેઓ વૈકલ્પિક ફ્લાઈટ બુક કરી શક્યા હોત.

આ મુસાફરોમાં કેટલાક એવા પણ હતા જેઓ તેમના નજીકના પરિજનોના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે તાત્કાલિક ભારત આવ્યા હતા. એથેસામ ઉલ હકે જણાવ્યું કે બુધવારે તેમની માતાનું અવસાન થયું હતું અને તેઓ ગુરુવારે સવારે અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે દુબઈથી આવ્યા હતા, પરંતુ હવે તેઓ શુક્રવારે પહોંચશે. ગોરખપુરના અકબર અલીએ જણાવ્યું કે તેમની પત્ની ICUમાં છે અને તેઓ એરપોર્ટ પર ફસાઈ જવાથી ચિંતિત છે. તેમણે ટિકિટ માટે રૂ. 16,400 ચૂકવ્યા હોવાનું જણાવ્યું હતું.

મુંબઈ એરપોર્ટ પોલીસે ગોવાથી આવેલા આશરે 38 સ્પાઈસજેટ મુસાફરોની પણ મદદ કરી હતી. ગોવા-મુંબઈ ફ્લાઈટ લગભગ ચાર કલાક મોડી પહોંચી હતી અને મુંબઈ પહોંચ્યા બાદ પાઇલટ પોતાની માન્ય ડ્યુટી સમયમર્યાદા સુધી પહોંચી ગયો હોવાનું કહેવાય છે. જેના કારણે દિલ્હી જવા માટે આગળની ફ્લાઈટ પકડવાના મુસાફરો પણ અટવાઈ ગયા હતા. આ ઘટનાએ એરલાઈનની ઓપરેશનલ વ્યવસ્થા સામે વધુ સવાલો ઉભા કર્યા છે.

જોકે, સ્પાઈસજેટે મુસાફરોના આરોપોને નકારી કાઢ્યા છે. એરલાઈનના પ્રવક્તાએ આ પ્રકરણે માહિતી આપતા જણાવ્યું કે 20 ઓગસ્ટની મુંબઈ-દરભંગા ફ્લાઈટ ઓપરેશનલ કારણોસર રદ કરવામાં આવી હતી અને મુસાફરોને નિર્ધારિત પ્રસ્થાન સમયના 14 કલાક અગાઉ જાણ કરવામાં આવી હતી. મુસાફરોને સંપૂર્ણ રિફંડ અથવા આગામી ઉપલબ્ધ ફ્લાઈટમાં રીશેડ્યૂલ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. 

એરલાઈને જણાવ્યું કે બુકિંગ સમયે આપવામાં આવેલી રજિસ્ટર્ડ સંપર્ક વિગતો પર માહિતી મોકલવામાં આવે છે અને ટ્રાવેલ એજન્ટ મારફતે બુકિંગ હોય તો એજન્ટની નોંધાયેલી વિગતો પર જાણ કરવામાં આવે છે. તો શક્ય છે કે એજન્સીઓએ પ્રવાસીઓને આ માહિતી આપી ન હોય.