Wed Aug 19 2026

Logo

16  વર્ષની વયે બોલીવૂડ ડેબ્યૂ, આત્મહત્યાનો પ્રયાસ અને ડિપ્રેશન... જાણો એક્ટ્રેસની સ્ટ્રગલ સ્ટોરી

2026-08-04 15:57:25
Author: Darshana Visaria
Article Image

ચોથી ઓગસ્ટ 1981 ના રોજ રાજસ્થાનના મકરાનામાં જન્મેલી બોલીવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત એક્ટ્રેસ શમા સિકંદર (Shama Sikander) આજે પોતાનો જન્મદિન ઉજવી રહી છે. 9 વર્ષની નાની ઉંમરે બ્રાઈટ ફ્યુચરની શોધમાં તેનો પરિવાર મુંબઈ આવ્યો હતો. શરૂઆતના દિવસોમાં ભારે આર્થિક તંગીનો સામનો કરવા છતાં શમાએ હાર ન માની અને રોશન તનેજા સ્કૂલ ઓફ એક્ટિંગમાંથી ટ્રેનિંગ લઈને પોતાના અભિનયના સપનાને પૂરું કર્યું.

16 વર્ષની ઉંમરે કરિયરની શરૂઆત અને 'યે મેરી લાઈફ હે' થી ઓળખ:

શમા સિકંદરે માત્ર 16 વર્ષની ઉંમરે વર્ષ 1998માં 'પ્રેમ અગન' ફિલ્મથી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે આમિર ખાનની સુપરહિત ફિલ્મ 'મન' ઉપરાંત 'અંશ', 'યે મોહબ્બત હે', 'ચાંદ બુઝ ગયા' અને 'બાયપાસ રોડ' જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. પરંતુ તેને અસલી લોકપ્રિયતા અને ઓળખ ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી મળી. વર્ષ 2003માં સોની ટીવીના હિટ શો 'યે મેરી લાઈફ હે'માં 'પૂજા મહેતા'ના પાત્રથી તે રાતોરાત સ્ટાર બની ગઈ. આ રોલ માટે તેને અનેક એવોર્ડ્સ મળ્યા. આ સિવાય તે 'સેવન' અને 'બાલવીર' જેવા લોકપ્રિય શોમાં પણ જોવા મળી હતી.

ડિપ્રેશન, બાયપોલર ડિસઓર્ડર અને આત્મહત્યાનો પ્રયાસ

શમા સિકંદરે પોતાની જિંદગીના સૌથી કપરા સમય વિશે ખુલ્લીને વાત કરી છે. તેણે ખુલાસો કર્યો હતો કે તે એક સમયે ગંભીર ડિપ્રેશન અને બાયપોલર ડિસઓર્ડર જેવી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતી હતી. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે, યોગ્ય સારવાર, પરિવારની સંભાળ અને મનોબળના આધારે તેણે આ ગંભીર બીમારીને માત આપીને નવી જિંદગી શરૂ કરી.

અહીંયા તમારા જાણકારી માટે કે શમા માત્ર એક મલ્ટિ ટેલેન્ટેડ જ નથી, પરંતુ તેને છ ભાષાઓ હિન્દી, અંગ્રેજી, ઉર્દૂ, ગુજરાતી, મરાઠી અને મારવાડીનું સારું જ્ઞાન છે. એક્ટિંગ ઉપરાંત તેને ફોટોગ્રાફી, એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગ અને વાયોલિન વગાડવાનો પણ શોખ છે. અંગત જીવનની વાત કરીએ તો, વર્ષ 2016માં તેણે અમેરિકન બિઝનેસમેન જેન્સ મિલિરોન સાથે સગાઈ કરી હતી અને માર્ચ 2022માં ખ્રિસ્તી રીતિ-રિવાજ મુજબ લગ્ન કરીને તે વિદેશમાં સેટલ થઈ ગઈ છે.