રાજકોટઃ એડવિક એજ્યુવેન્ચર પ્રાઇવેટ કંપનીના સહયોગથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ખેડૂતોને કામ આવી શકે એવી એપ્લિકેશન તૈયાર કરી છે. આ એપ્લિકેશનની સૌથી મોટી અને ખાસ વાત એ છે કે, તે દરેક ફોનમાં સપોર્ટ કરે છે. માત્ર જમીન જ નહીં પણ હવામાન ખાતાની મહત્ત્વની આગાહી અને ગાઈડલાઈન્સ પણ આપે છે. જમીનનું વિશ્લેષણ પણ કરી આપે છે. સેટેલાઈટ રિપોર્ટ અનુસાર 15 દિવસ આગતરા હવામાનની અપડેટ જાણી શકાય ચે. જ્યારે સાત દિવસ પહેલા જ પાકમાં કોઈ જીવાત આવી હોય કે, રોગ થયો હોય તો જાણવા મળે છે. આના ઉપયોગ થકી ખેડૂતો પોતાના પાકના ઉત્પાદનમાં 20 ટકાનો વધારો કરી શકે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
શું છે ખાસ આ એપ્લિકેશનમાં
આ તૈયાર કરવામાં આવેલી એપ્લિકેશનમાંથી સોઈલ એનાલિસીસ એટલે કે, જમીનની ગુણવત્તા માપી શકાય છે, સોઈલ મોઈશ્યર એટલે કે, જમીનમાં ભેજનું પ્રમાણ કેટલું એ જાણી શકાય છે. પાક માટે ચોક્કસ પ્રકારનું પ્લાનિંગ કરી શકાય છે જેમાં વાવણીથી લઈને પાક ક્યારે આવશે ત્યાં સુધીની ગણતરી કરવામાં આવી છે. સમયાંતરે પાકતા જે તે પાક પર સતત વૉચ રાખી શકાય છે.
પાકની સ્થિતિ ખેતરના જે તે ખૂણામાં કેવી છે એ સરળતાથી ખ્યાલ આવે છે. અહીંયા ખેડૂત માત્ર પાક કે રોગનો ફોટો પાડીને આખું સોલ્યુશન મેળવી શકે છે. આ સમગ્ર એપ્લિકેશન તૈયાર કરનારા ટેક્નોક્રેટ પારૂલ ટાંકે કહ્યું હતું કે, આ અમારૂ પહેલું સ્ટાર્ટઅપ છે અને એની આ પહેલી પ્રોડક્ટ છે. જે સંપૂર્ણ રીતે ખેડૂતોને ઉપયોગી છે.
અમે સેટેલાઈટ બેઝ ફાર્મિંગ પર કામ કરી રહ્યા છીએ અને છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રોજેક્ટમાં છીએ. આજની પેઢીમાં ખેતીને લઈને જે ઉદાસીનતા જોવા મળી રહી છે એની પાછળ કેટલાક પાયાના જે મુદ્દાઓ છે એની એમને જાણ નથી. જેમ કે, પાકમાં રોગ કયો આવે, જમીનની ગુણવત્તા શું હોવી જોઈએ.યોગ્ય સમયે નિર્ણય ન લઈએ તો ખેતીની કેવી અસર થાય વગેરે વગેરે...
સ્માર્ટ ખેતી તરફ મોટું પગલું
ઘણીવાર ખેડૂતો અમુક વાત જાણતા હોય પણ બીજા પાસાની ખબર ન હોય તો ખેતીના પાકને નુકસાન થાય. જે ઉત્પાદન થવું જોઈએ એ ઉત્પાદન કોઈ રીતે થાય નહીં. બીજી તરફ પાક પકવવાની સાથે ખેતીનો ખર્ચો વધી જાય છે. આ મેનેજમેન્ટમાં અમે એક ઓનલાઈન શેડ્યુલ તૈયાર કર્યું છે જેમાં પાણીને પ્રાધાન્ય આપીને પાણીનો બગાડ ઓછો થાય એના પર ફોક્સ કર્યું છે.
ખેડૂત આજની હાઈટેક ટેક્નોલોજી સાથે ક્નેક્ટ થાય અને સ્માર્ટ સાથે લાંબા ગાળાની ફાયદેમંદ ખેતી કરે એ અમારો લક્ષ્યાંક છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રિનિયરશિપ કાઉન્સિલ રાજ્યમાં નવીનતા, સંશોધન અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે સતત કાર્યરત છે. સૌરાષ્ટ્ર યુનિ.ની મદદથી આ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. ગુજરાત સરકારની સ્ટાર્ટઅપ/ઈનોવેશન પોલિસી - 2020 અંતર્ગત યોજાયેલી 22મી સ્ટેટ લેવલ એમ્પાવર્ડ કમિટીની બેઠકમાં ₹25 લાખની સિડ સપોર્ટ ફંડ સહાય મંજૂર કરવામાં હતી. જેનો ઉપયોગ ખેડૂતો તથા ખેતીને સ્માર્ટ બનાવવા માટે કરાયો છે.