બનાસકાંઠા: રતનપુર ખાતે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, સાંસદ ગેનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં કોંગ્રેસનો સત્કાર સમારંભ અને સંમેલન યોજાયું હતું. જેમાં અમિત ચાવડા અને ગેનીબેન ઠાકોરે ભાજપ સરકારમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ અને હપ્તાખોરીનું રાજ ચાલતું હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. એટલું જ નહીં ભાજપ સરકારને અંગ્રેજો સાથે સરખાવી ઝેન-જીની જેમ આંદોલન કરી સરકાર સામે પોતાના હક માટે લડવા માટે આહવાન કર્યું હતું. ગેનીબેન ઠાકોરે કહ્યું, ગુજરાતના ખેડૂતોને ખાતર માટે લાઈનમાં ઉભા રહેવું પડે અને દારૂ, ડ્રગ્સની હોમ ડિલિવરી મળે છે.
બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે નિવેદન કરતા કહ્યું કે, કોઈપણ અન્યાય સામે તમારી લડતમાં કોંગ્રેસ પાર્ટી હંમેશા તમારી સાથે છે. આગામી દિવસમાં કોંગ્રેસ ગુજરાત ભરમાં દારૂબંધીના કડક અમલ માટે જનતા રેડ કરશે. ગામેગામ સર્વે કરીને દારૂના અડ્ડાઓની માહિતી મુખ્યમંત્રીને આપવામાં આવશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે આપણે ઝુંબેશ ઉપાડવી પડશે. કાંતિભાઈ સાથે મળીને જેટલી બોર્ડરો છે, એ બોર્ડરો ઉપર ઘેરાવો કરશું.ગેનીબેન કોંગ્રેસના કાર્યકરો અને લોકોને આ ઝુંબેશમાં સાથ-સહકાર આપવા અપીલ કરી હતી. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી બનાસકાંઠાના રાજકારણમાં ફરી એકવાર દારૂ, ડ્રગ્સ અને સરહદી વિસ્તારોમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.
‘....ખાતર માટે ખેડૂતોને લાઈનમાં ઊભા રહેવું પડે છે, પરંતુ દારૂ જોઈ તો હોય તો હોમ ડિલિવરી થાય ફોન કરો એટલે છેક ઘરે આપવા માટે આવે છે....’
— Vimal Prajapati GJ (@mgvimal_12) August 17, 2026
હપ્તાખોરી અંગે સરકાર પર ગેનીબેને કર્યાં આકરા પ્રહાર#GenibenThakor pic.twitter.com/cGpC7BGihz
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે ગુજરાતમાં લોકોને દારૂબંધી છે તેની ખબર નથી. કારણ કે 30 વર્ષથી આ સરકારે દારૂબંધીનો કાયદો અભરાઈએ ચડાવ્યો. છે. ગુજરાતમાં દારૂની રેલમછેલ છે. હપ્તાખોરી ચાલુ છે. જો વિધાનસભામાં આટલો બંદોબસ્ત ગોઠવાય તો આટલી સુરક્ષા બોર્ડરો પર હોય તો એક ટીપુંય દારૂ ન આવે. પરંતુ દર મહિને લાખો રૂપિયાનો હપ્તો પોલીસથી લઈ મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચે છે.
ઉલ્લેખનીય છે કે, 2024ની લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને 67,1883 મત મળ્યા હતા, અને ભાજપના ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરીને 64,1477 મત મળ્યા હતા. ગેનીબેન ઠાકોરે ભાજપના ઉમેદવારને 30,406 મતોની લીડથી હરાવ્યા હતા અને પ્રથમવાર બનાસકાંઠા બેઠક પર કબજો કર્યો. ગેનીબેનની જીત સાથે જ ગુજરાતમાં ભાજપની એકલા હાથે હેટ્રિક રોકાઈ હતી. 2014 અને 2019માં ભાજપે ગુજરાતમાં લોકસભાની 26માંથી 26 બેઠક કબજે કરી હતી.