Thu Jun 18 2026

Logo

આવી હોય છે અબજોપતિની મેરેજ-લીલા

2026-02-19 08:40:00
Author: Mumbaisamachar Team
Article Image

 લાફ્ટર આફ્ટરઃ

પ્રજ્ઞા વશી

અમારે ત્યાં અબજોપતિ શ્રી દોલતચંદ નાણાવટીના દીકરાનાં લગ્ન હમણાં બે મહિના પહેલાં જ એમના પરિવારે કોઈએ ના ઉજવ્યા હોય એ રીતે અજબ ગજબ રીતે ઉજવવાનું નક્કી કર્યું. બે મહિના પહેલાં ઉત્સવઘેલા, હોંશીલા અને લગ્ન ઉજવણીના ઉસ્તાદ એવા કારભારીઓ, શહેરના કલાકારો, બ્યુટીશિયનો, ડાન્સરો, રસોઈયા, ગોર મહારાજ, સગાં વહાલાં, મિત્રમંડળ અને વીડિયોગ્રાફરથી લઈ કોરિયોગ્રાફર અને ઇવેન્ટ મેનેજમેન્ટના સર્વેસર્વા એવી કંપનીના ઉપરીઓની હાજરીમાં મીટિંગ કરવામાં આવી. 

હવે આ તો અબજોપતિની મીટિંગ હોય અને તે પણ શાહજાદાનાં લગ્નની એટલે એ કંઈ સાધારણ તો ના જ હોય માટે  દિલ્હીમાં રહેતા નવાબોને ફોન કરી, ત્યાંના મેનેજમેન્ટને મીટિંગ ઇવેન્ટનું આયોજન સોંપાયું. એ મેનેજમેન્ટને કેટલો ચાંદલો કર્યો એ આપણા જેવા સામાન્ય માણસોએ જાણવાની કોશિશ સુધ્ધાં કરવી નહીં. નહીંતર નબળા હૃદયવાળાને ઍટેક આવે એ વાત નક્કી. રમાબહેનને એ આંકડો ધનસુખભાઈએ કહ્યો કે રમાબહેન નિ:સાસા નાખતાં બોલ્યાં,

‘તમારું નામ ધનસુખ પાડનારને તો પકડીને મારવા જોઈએ. આખી જિંદગી નીકળી ગઈ, પણ વરસમાં એકવાર એક સાડી સુધ્ધાં લેવાની વાતે રડવા બેસો છો. રામ જાણે! ગત જન્મે તમે કેવાં કર્મ કરેલાં કે આ જન્મે એક રૂપિયાની કોથમીર પણ મફત શોધતાં બે કલાકે ઘરે પાછા આવો છો અને તે પણ ખાલી હાથે!’ 

મહિના પછી રમાબહેનનાં ઘરે અબજોપતિની કંકોતરી આવી ત્યારે એમને નવાઈ તો લાગી જ. સૂટ-બૂટ પહેરેલા ત્રણ ભાઈએ નમસ્કાર કરીને શ્રી દોલતચંદના દીકરાની કંકોતરીનું બોક્સ પહેલાં આપ્યું અને પછી બીજા પાંચ બોક્સ આપતાં પૂરી નમ્રતાથી કહ્યું:

‘શેઠશ્રીએ આપના પરિવારને દસે દસ દિવસ આ લગ્નપ્રસંગની વિવિધ વિધિઓમાં પ્રેમપૂર્વક હાજર રહેવાનું આમંત્રણ પાઠવ્યું  છે.’ 

રમાબહેને વિચાર્યું કે મારો કે મારા પતિ ધનસુખનો દૂર દૂર સુધીનો કોઈ સંબંધ કે સગપણ આ અબજોપતિ સાથે નથી. તો પછી આ કંકોતરી ભૂલમાં તો નથી આવી ને?

પેલા આપવા આવનારના ગયા પછી ધનસુખભાઈએ કોલર ઊંચા કરી રમાબહેન સામે રોફ મારતાં કહ્યું, ‘જોયું? મારી પાસે પૈસા નથી, પણ ઇજ્જત કેટલી છે! દોલતચંદ જેવા  અબજોપતિના ઘરેથી દસ દસ દિવસનું લગ્નનું તેડું આવે છે. અમે પૈસા નહીં, પણ આખી જિંદગીમાં ઇજ્જત કમાઈ છે. સમજી?’ 

‘તે તમારી ઇજ્જતને શું ધોઈને પીવાની છે? દોલતચંદના ઘરે ચાંદલો કરવાના પૈસા છે? પાર્ટી પ્લોટ સુધી પહોંચવાનું ટેક્સી ભાડું છે? એક કામ કરો. તમારી ઇજ્જતના જોરે તમે ફોન કરીને દસ દિવસનું આવવા-જવાનું બંને વખતનું ભાડું મંગાવી લ્યો અને દસ દિવસ પહેરવા માટે સૂટ-બૂટની રકમ પણ મંગાવી લ્યો. આમ ભિખારી જેવા દીદારે જવામાં જોખમ છે.’ 

‘કેમ વળી, આપણી ઇજ્જત એ જ આપણાં ઘરેણાં. ખાદીની કફની અને સાડી લઈ લેશું. થોડી ઉધારી કરીને લેવી પડશે. પણ એકવાર એમની સાથે દોસ્તી થાય પછી મોભાદાર નોકરી મળી જ સમજો ’ 

મોટા બોક્સમાંથી સોના-ચાંદીનાં વરખવાળા દસ કાર્ડમાં પહેલા દિવસથી લઈ દસમા દિવસ સુધીની તમામ વિગત લખી હતી અને એક અલગ પત્રમાં દસ દિવસ કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું, કયા પ્રકારનું ડ્રેસિંગ, કયા પ્રકારનાં વાણી વર્તન, કયા પ્રકારનું બેસવા-ઊઠવાનું, ડાન્સમાં ભાગ લેવાથી લઈ ભોજન વખતે ધ્યાનમાં રાખવાની સૂચના સુધ્ધાં લખેલી હતી. 

અંતે તા.ક. લખીને લખ્યું હતું, ‘પહેલે દિવસે આવનાર દરેકે દસમાં દિવસ સુધી ફરજિયાત આવવાનું રહેશે.’ બાકીનાં પાંચ બોક્સ મેવા, મીઠાઈ, કેડબરી, કેક અને ભાતભાતનાં વ્યંજનોથી ભરેલાં જોઈને તો રમાબહેનને ઍટેક આવતો રહી ગયો અને ધનસુખભાઈએ તો ઇજ્જતભેર રમાબહેન ની અનુમતિ કી ઐસી કી તૈસી કરીને મીઠાઈઓ ઝાપટવાની શરૂ કરી દીધી. એટલામાં પડોશમાં રહેતાં ચારુબહેન આવ્યાં. એટલે રમાબહેને વટ મારવા બધાં બોક્સ અને દસ કંકોતરીની થપ્પી બતાવતાં કહ્યું, 

‘જો ચારુ, ભારતના સૌથી વધુ માલદાર દોલતચંદના ઘરેથી આમંત્રણ આવ્યું. એના દીકરાનાં લગ્નમાં દસે દસ દિવસ અમારે સવાર-સાંજ જવાનું અને ત્યાં જ ચાર વખત પેટ ભરીને ખાવાનું અને પીવાનું છે.’;

પેટની બળેલી ચારુએ પૂછ્યું,: ‘તમને કેવી રીતે ઓળખે? તમારાં સગાં થાય છે કે પછી કોઈ બીજાની કંકોતરી ભૂલમાં આવી ગઈ છે તે તપાસ કરી લેજો. બાકી બેસ્ટ ઓફ લક.’

ચારુના ગયા પછી રમાને પણ અંદરખાને વહેમ તો ગયો જ, પણ હવે ઘડિયાળના કાંટા પાછળ નથી ફરવાના. માટે રંગેચંગે પહોંચીને મજા કરી જ લેવી. પહેલે દિવસે શહેરથી ચાલીસ   કિલોમીટર દૂર ફાર્મ હાઉસમાં સાંજે જવાનું હતું. ધનસુખભાઈએ સાચવીને બચાવેલા પૈસામાંથી ભાડાની ટેક્સી કરાવી. પણ રાત થઈ જશે એટલે ડબલ ચાર્જ ગણીને પૂરા સાત હજાર રૂપિયા પડાવ્યા. ધનસુખભાઈએ રકઝક કરી, પણ ટેક્સી ડ્રાઇવરે ત્યાં રોકાવાના રૂપિયા પણ ગણી લીધા છે - એમ કરીને વચલો તોડ પાડ્યો. 

અગિયાર વાગ્યાથી મોડું થશે તો સાત હજારની જગ્યાએ નવ હજાર થશે એ શરતે ગાડી હંકારી. ટ્રાફિકને કારણે પહોંચતાં જ રાતના આઠ વાગી ગયા. મોટા માણસનાં લગ્ન, એટલે કાર પાર્કિંગ કરી અંદર પહોંચતાં બીજો એક કલાક બગડ્યો. ગેટ ઉપરની લાઇન જોઈને રમાબહેનના પગ લથડિયાં ખાવા લાગ્યા. મોટા મોટા બાઉન્સર વચ્ચે વચ્ચે અટકાવે ને ચાર-પાંચ પ્રશ્નો પૂછે, જ્યારે બીજા સૂટેડ-બૂટેડને પ્રશ્નો પૂછ્યા વિના સડસડાટ આગળ જવા દે. રમાબહેનથી રહેવાયું નહીં. એ બોલ્યાં,

‘ધનસુખ, તારી ઇજ્જતનો હવે ઉપયોગ કર ને દોલતચંદને ફોન કર કે બાઉન્સર ખાલી ખાલી નકામા પ્રશ્નો કરે છે અને રમાથી તો ચલાતું પણ નથી.’  ગેટ ઉપર પહોંચ્યાં પછી. ધનસુખભાઈ એ પેલા બાઉન્સરને પાસ ધર્યો, તો પેલાએ કોડ માગ્યો.

ધનસુખે થોથવાતાં કહ્યું,: ‘ભાઈ, અમને તો કોડ આપ્યો જ નથી. અમે તો શેઠના બહુ નજીકનાં સગાં છીએ.’ 

એટલે બીજો બાઉન્સર આવ્યો. એણે કાર્ડની આગળ પાછળ જોઈને કહ્યું, ‘આ લોકોને તો ડી ગેટમાં જવાનું છે.’

પેટમાં ભૂખ લાગી હતી અને પાણીની તરસ પણ લાગી હતી. ફાર્મ હાઉસની ચકાચૌંધ જોઈને આવેલાં છીએ જ, તો ટેક્સીના પૈસા વસૂલ કરવા પૂરતું તો હિંમત રાખીને ચાલી કાઢીએ તો જ બત્રીસ પકવાન જોવાં મળશે. ને પછી તો... ચાલતાં ચાલતાં  

રમાબહેન રીતસરનાં હાંફવા લાગ્યાં ને બોલ્યાં : ‘ધનસુખ, ચાલો પાછા જઈએ ’ 

ત્યાં હિંમત રાખીને ચાલવાની અને બત્રીસ પકવાન ખાવાની વાત ધનસુખે કરી. નિર્ધારિત  ગેટ ઉપર પહોંચ્યાં ત્યારે અગિયાર થવામાં ત્રીસ મિનિટ બાકી હતી. જમવા જાય તો ટેક્સીવાળો નવ હજાર લેવાનો હતો. પણ પેલાં પકવાન અને ધનસુખની ઇજ્જત ખાતર  ગેટ ઉપર જઈને આખરે હાશ વળી. જેવો પાસ બતાવ્યો કે અંદરથી એક બાઉન્સર આ બંનેને જોઈને બોલ્યો : 

‘અલ્યા, કાર્ડ બરાબર ચેક કર. પેલા એક્સ્ટ્રા ડાન્સરનો ડી ગેટ છે. પચાસ ડાન્સર તો આવી જ ગયાં છે. પેલો મેઇન ડાન્સર ધનસુખ ને એની વાઇફ પણ આવી ગઈ છે. તો આ ધનસુખ વળી કોણ છે?’

‘ભાઈ, હું તો નજીકનો સગો છું...’ ધનસુખે રડતાં ને હસતાં અવાજે કહ્યું.

‘એમ તો... સગાંવહાલાંને તો કોડ નંબર આપેલો છે. તે તમારી પાસે હોય તો એ આ મશીનમાં મૂકીને જોવો પડે અને તો જ અંદર જવાય. અમને તો ટાઇટ સિક્યોરિટી રાખવાનું ફરમાન છે.

ધારાસભ્યોની ફોજ અંદર છે અને હાઈ એલર્ટ જારી છે. સોથી વધુ બાઉન્સર ફરે છે. દોલતચંદના દીકરાનાં લગ્નમાં મોટા મોટા પ્રધાનો છે. સમજ્યા?’ 

‘તે ભાઈ, જમવાનું વગેરે..’ 
‘કાકા-કાકી, જલદી ઘર ભેગા થાવ. અહીં તો બાર વાગ્યે પહેલાં પીવાનું ને પછી ખાવાનું. એ પહેલાં ડાન્સ ઉપર ડાન્સ...’ 

‘ધનસુખ, આ લોકો ખેંચીને બહાર ફેંકે તે પહેલાં આ કાર્ડ અહીં ફેંકીને ટેક્સી ભેગા થવાનું
વિચાર. હા, તારે ડાન્સ જોવો હોય તો...’ 
-અને રમાબહેન પગનો દુ:ખાવો ભૂલીને ટેક્સી તરફ દોડ્યાં અને પાછળ ધનસુખભાઈ પણ જાન બચી તો લાખો પાયે એમ વિચારતાં રમાબહેનની પાછળ બાઉન્સર બનીને દોડ્યા.