- સંજય છેલ
ટાઇટલ્સ:
ખુશી અને ખરીદી ઓછી જ લાગે. (છેલવાણી)
એક લેખકમિત્રની પત્ની ડિપ્રેશન ઉર્ફ ઉદાસીથી પીડાતી હતી. (કદાચ એણે લેખક-પતિના જ હાસ્યલેખો વાંચ્યા હશે.) ડૉક્ટરે કહ્યું કે ઉદાસી દૂર કરવા ‘શૉપિંગથેરપી’ અજમાવો. મૉલમાં શૉપિંગ કરવા લઈ જાઓ તો મૂડ સુધરશે. ખર્ચાળ શૉપિંગથેરપીથી પત્નીની તબિયત તો સુધરી, પણ લેખક લગભગ માનસિક કોમામાં છે. ઊંઘમાં ‘સોક્રેટિસના શ્ર્લોકો’, ‘અંગ્રેજોને દેશમાંથી કાઢો’, ‘વિનોબાજીની વાનગીઓ’, ‘ઈલોન મસ્કની નૃત્યકલા’ જેવા ઉટપટાંગ વિષયો પર બબડે છે (ને લોકો એને ચિંતન સમજે છે.)
શૉપિંગ એ એક ઈશ્વર જેવી અમૂર્ત વાત છે. સૌ માટે અલગઅલગ. એક અમીર મિત્રે ગરીબ દોસ્તને કહ્યું: ‘હું તો વાઇફને હીરાની વીંટી જ આપું, એને ના ગમે તો તરત હું ઝવેરીને પાછી આપી આવું.’
ગરીબે કહ્યું: ‘હું તો સાદા ચપ્પલ આપું. સાઇઝ કે કલરમાં ના જામે તો પેલી જાતે જ બદલવા જાય. આપણે ફ્રી!’ જોકે આજકાલ ‘શૉપિંગથેરપી’ બહુ ચગી છે. માનસશાસ્ત્રીઓ કહે છે કે ખરીદીથી મગજમાં ‘ડોપામાઇન’ નામનું હૉર્મોન વધે ને મનડું ખુશખુશ થઈ જાય. આમાં ખરીદી સુધી ઠીક છે પણ બિલ જોઈને મનડું પાછું ડિપ્રેશન આવી જાય!
એકવાર ઉદાસ વાઇફને પતિએ કહ્યું, ‘ડાર્લિંગ, મૂડ ખરાબ છે? ચાલ સાથે હસીએ, બગીચાની તાજી હવામાં.’
‘એના કરતાં મૉલમાં જઈને જોક્સની 2025 બુક્સ લઈ આવીએ તો? મને તો મૉલમાંના ક્રિસમસ સેલની ઠંડી હવા જ ગમે!’ પછી પેલીએ તો ઠંડા એ.સી. મૉલમાં ઢગલાબંધ બુક્સ ખરીદી ને પતિ ડિપ્રશનમાં છે.
‘શૉપિંગમેડનેસ’થી પીડાતો મારો કડકો મિત્ર કહેતો કે સારાં કપડાં ખરીદવાના પૈસા ના હોય ત્યારે હું કમસેકમ જાંગિયાબનિયાન ખરીદવાનું વિચારું! પછી દુકાનમાં એને પહેરીને મારી જાતને જ સમજાવું કે આ અંડરવેર, મારા અચેતન મન માટે છે ને એને જાંગિયાની જરૂર નથી, ઓકે?’
આજે મોટાં શહેરોમાં જુવાન છોકરીઓ, પરિણીતઅપરિણીત 40+ પૈસાદાર પુરુષો સાથે અફેર કરીને પેલા માલદારને ‘શુગરડેડી’ જેવું મીઠડું નામ આપે છે! પણ કોશેટોમાંથી પતંગિયું બને એમ એક ગર્લફ્રેન્ડમાંથી કાળક્રમે એક માલેતુજાર શુગરડેડાની પત્ની બની ગયેલીએ નવોઢાએ કહ્યું, ‘યુ નો, પચીસ લાખની જ્વેલરી દિલને ખુશી આપે છે.’
‘હા, ખુશી તો મળે, પણ દુકાનદારને... મારું બૅન્કબૅલૅન્સ તો ડિપ્રેશનમાં જતું રહે છે. એમ તો ઘણાં પતિઓનેય ડિવોર્સના કાગળિયા જોઈને ખુશી મળે, હોં!’ પછી આ જોક પેલા શુગરડેડાને કેટલા લાખોમાં પડ્યો હશે એ સમજી જ ગયા હશો. અહીં વાત માત્ર સ્ત્રીઓની નથી. બોલિવૂડમાં નિર્માતાઓ એક જમાનામાં ફિલ્મી પત્રકારોને પણ યુરોપમાં શૉપિંગ કરવા લઈ જતા. અમુક હીરોઇનો પણ યંગ ફિટનેસટ્રેનર છોકરાઓને શૉપિંગ કરવા વારેવારે દુબઈ લઈ ગયાની દંતકથાઓ છે.
ઇન્ટરવલ:
યે જો થોડે સે હૈ જો પૈસે
ખર્ચ તુમ પર કરું મૈં કૈસે. (જાવેદ અખ્તર)
નકામું શૉપિંગ માણસની જરૂરિયાતો સંતોષવા માટે નથી, પૈસા વાપરીને સુખ ખરીદવાનું વ્યસન છે! આજે માણસ જન્મે છે ભલે સ્વતંત્ર, પણ મરે છે: ‘મૉલના મહાસેલના શૉપિંગ’ કે ‘ઑનલાઇનવેચાણ’ની સાંકળમાં ગુલામ તરીકે. સાંકળો સોનાની છે, કોરડો ક્રેડિટ કાર્ડનો વીંઝાય છે. તમારું દિલ તૂટ્યું કે બ્રેકઅપ થયું? તો ‘નવો ડ્રેસ ખરીદો!’ બસ, એ જ પળબેપળનો પલાયનવાદ.
તમે ક્યારેય મેગા-સેલવાળા મોટા મૉલમાં ગયા છો? ‘ઝોમ્બી’ ફિલ્મના લોહી તરસ્યા ઝોમ્બીઓની જેમ લોહીને બદલે લોકો ‘ડિસ્કાઉન્ટેડ માલ’ પર ધસી પડે છે અને ત્યારે પૈસા ના હોય તો ‘શૉપલિફ્ટિંગ’ અર્થાત્ શૉપિંગમાં હાથસફાઈ અજમાવાય છે.
ભલભલા બોલિવૂડના સ્ટાર્સ વિદેશમાં સેલની આઇટેમો ઉઠાવીને ધીમેકથી બૅગમાં છુપાવી નાખતા ત્યાંના સીસીટીવીમાં પકડાયા છે ને પછી છાપે ચઢ્યા છે.
આજે માણસ એવી વસ્તુઓ ખરીદે છે જેની એને ખરેખર જરૂર જ નથી પણ એવા લોકો પર વટ મારવા માટે લે છે, જે લોકો એને ગમતાંયે નથી! પછી હપ્તે, હપ્તે ‘હપ્તો’ ચૂકવીને હલાલ થાય છે.
આજે માણસને મોક્ષની નહીં, મૉલની જરૂર છે. જ્યાં આત્માને વેચીને વસ્તુઓ ખરીદાય. શૉપિંગ-મેડનેસ, કોરોના જેવી એક ચેપી મહામારી છે, જે દર વીકએન્ડ પર ફેલાય છે. હવે જો તમને ખરીદીની ખુજલી ઊપડે તો ખુદને પૂછજો: ‘તમે ખરીદો છો કે તમને ખરીદવામાં આવે છે?’
આવા શૉપિંગપુરાણમાં એક મીઠી વાત કહું? જો પ્રિયપાત્ર બહુ સમજદાર હશે તો કહેશે ‘ચલ, આજે આપણે શૉપિંગ નહીં કરીએ. માત્ર પાસેપાસે હાથ ઝાલીને, દૂરદૂરથી મોંઘી આઇટેમો જોતાં રહીશું. માત્ર ‘વિન્ડો શૉપિંગ’... હું દૂરથી કાઈ મોંઘી કેકને જોયે રાખીશ, પણ ખાવા જીદ નહીં કરું. પ્રૉમિસ!’
આવી લીલીછમ્મ લાગણી જોઈને ખાલી ખિસ્સામાં રાખેલો તમારો હાથ લકવો મારી જાય ને? ને થાય કે કાશ, હું આને. એક મુફલિસને સેક્ધડહેંડ કપડાના સેલમાં વપરાયેલ સરસ જૅકેટ મળ્યું, જેના ખિસ્સામાં 1995ની કોઈ સુંદર ક્ધયાના ફોટાપ્રેમપત્રો હતા, પણ નામસરનામું નહોતું! પછી જૅકેટના બીજા ખિસ્સામાંથી કરોડોની જીતેલી લૉટરી મળી! મુફલિસ ઝૂમી ઊઠ્યો પણ પછી સમજાયું કે લૉટરી તો વર્ષો જૂની છે! વરસો જૂનું શૉપિંગ કે વિખૂટા પડેલ પ્રિયપાત્રે આપેલ ગિફ્ટ જોઈને આવી જ લાગણી થાય ને?
ઇન શૉર્ટ, દિલ બહેલાવતું શૉપિંગ એવી રોમેન્ટિક કૉમેડી છે જેમાં શરૂશરૂમાં ગમે પણ અંતે ફરી એ જ જીવતરની જાનલેવા બોરડમ.
(તો ચલો.. આવું ડાહ્યુંડાહ્યું કહીને હું શૉપિંગ કરવા નીકળું છું.)
એન્ડટાઇટલ્સ:
આદમ: શૉપિંગ કરીએ?
ઇવ: આજે નહીં, હોં! મૉલવાળા હવે મને સ્ટાફ સમજવા માંડ્યા છે!