ઇજિપ્તના રાજાઓ મૃત્યુ પછીના જીવન માટે પિરામિડ બનાવતા હતા, જ્યારે આજના ધનકુબેરો જીવતેજીવ જ પોતાના માટે અંડરગ્રાઉન્ડ કબરો ખોદી રહ્યા છે!
કેનવાસ - અભિમન્યુ મોદી
ઈજિપ્તના પ્રાચીન પિરામિડ્સ , આજના અન્ડરગ્રાઉન્ડ ‘ડૂમ્સ ડે’ બંકર
ઇજિપ્તના રણમાં સદીઓથી અડીખમ ઊભા રહેલા ગીઝાના મહાકાય પિરામિડ્સ માત્ર પથ્થરની ઈમારતો નથી. તે સમયના ફેરો (Pharaoh) રાજાઓના અહંકાર, અમરત્વ પ્રાપ્ત કરવાનો તેમનો મોહ અને પોતાની જાતને ઈશ્વર સાબિત કરવાની તેમની ઘેલછાના પ્રતીકો છે. રાજાઓ ઈચ્છતા હતા કે મૃત્યુ પછી પણ તેમનો દબદબો જળવાઈ રહે માટે હજારો ગુલામો પાસે આકાશને આંબતા સ્મારકો ચણાવવામાં આવ્યા. પ્રાચીન કાળના શાસકો સત્તાનું પ્રદર્શન કરવા માટે ‘ઉપર’ આકાશ તરફ બાંધકામ કરતા-કરાવતા હતા.
હવે ફાસ્ટ ફોરવર્ડ કરીને એકવીસમી સદીના ત્રીજા દાયકામાં આવીએ. આજના રાજાઓ કોઈ દેશના શાસકો નથી, પણ સિલિકોન વેલીના ‘ટેક-મોગલ્સ’ અને ગ્લોબલ ફાઇનાન્શિયલ એલીટ્સ છે. આ આજના અબજોપતિઓ આકાશ તરફ સ્મારકો નથી બનાવી રહ્યા, બલકે તે બધા જમીનની અંદર, પાતાળમાં ઊંડા ખાડા ખોદી રહ્યા છે. ફેસબુક (મેટા) ના સર્વેસર્વા માર્ક ઝુકરબર્ગ હવાઈ ટાપુ પર એક વિશાળ અંડરગ્રાઉન્ડ ‘ડૂમ્સ-ડે બંકર’ બનાવી રહ્યા છે, જેની કિંમત અબજો રૂપિયામાં છે. પે-પાલના કો-ફાઉન્ડર પીટર થીલ ન્યુઝીલેન્ડના નિર્જન પહાડો વચ્ચે આવું જ એક ‘એપોકેલિપ્સ (પ્રલય)બંકર’ બનાવી ચૂક્યા છે. અમેરિકા અને યુરોપના અનેક અબજોપતિઓ અત્યારે જમીનની નીચે ફાઈવ-સ્ટાર હોટેલ જેવી સુવિધાઓ ધરાવતા, બોમ્બ-પ્રૂફ અને રેડિયેશન-પ્રૂફ બંકર્સ ખરીદવા માટે લાઈનમાં ઊભા છે.
સવાલ એ છે કે, જે લોકોએ આધુનિક ટેકનોલોજી અને ગ્લોબલાઈઝેશનના પાયા નાખ્યા, જેમના હાથમાં દુનિયાની સત્તા છે, તે બધા અચાનક જમીનમાં કેમ સંતાઈ જવા માગે છે?
આ પ્રશ્નનો જવાબ બહુ ભયાવહ છે. આ અબજોપતિઓ એક ‘ઇવેન્ટ’ની તૈયારી કરી રહ્યા છે. આ ઇવેન્ટ એટલે ત્રીજું વિશ્વયુદ્ધ અથવા તો ક્લાઈમેટ ચેન્જના કારણે આવનારી કોઈ ભયાનક કુદરતી હોનારત, પરમાણુ યુદ્ધ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો બળવો અથવા તો ભયંકર આર્થિક અસમાનતાને કારણે ફાટી નીકળનારું સિવિલ વોર એટલે કે આંતરવિગ્રહ.
વિડંબણા જુઓ. સોશ્યલ મીડિયાના અલ્ગોરિધમ્સ દ્વારા આખી દુનિયાના સામાન્ય માણસોનું ધ્રુવીકરણ કરીને, તેમને અંદરોઅંદર લડાવીને આ કંપનીઓ અબજો રૂપિયા કમાયા. અનલિમિટેડ ક્ધઝ્યુમરિઝમ (ઉપભોક્તાવાદ) અને મૂડીવાદને પ્રોત્સાહન આપીને પૃથ્વીના પર્યાવરણનો કચ્ચરઘાણ વાળી નાખ્યો. આખી પેઢીને ડિજિટલ સ્ક્રીનના ગુલામ બનાવી દીધા અને હવે જ્યારે આ જ સિસ્ટમ ભડકે બળવાની તૈયારીમાં છે ત્યારે આ જ આર્કિટેક્ટ્સ પોતાના પ્રાઇવેટ આઇલેન્ડ્સ અને અંડરગ્રાઉન્ડ બંકર્સમાં શરણ લઈ રહ્યા છે. પ્રાચીન રાજાઓ દુનિયાને બતાવવા માગતા હતા કે તે અહીં છે - આજના ટેક-મહારાજાઓ દુનિયાથી સંતાવા માગે છે.
ડગ્લાસ રશકોફ નામના એક બહુ જાણીતા લેખકે તેમના પુસ્તક "Survival of the Richest'માં એક બહુ ચોંકાવનારી વાત લખી છે. રશકોફે પાંચ અબજોપતિઓ સાથે એક સિક્રેટ મીટિંગ કરી હતી. એ મીટિંગમાં આ અબજોપતિઓએ રશકોફને એ નહોતું પૂછ્યું કે દુનિયાને બરબાદ થતી કેવી રીતે બચાવવી? તેમણે એ પૂછ્યું હતું કે ‘જ્યારે દુનિયા ખતમ થઈ રહી હોય અને અમે અમારા બંકરમાં હોઈએ ત્યારે અમારી સિક્યુરિટી ગાર્ડ્સની ફોર્સને અમારા માટે વફાદાર કેવી રીતે રાખવી? કારણ કે ત્યારે તો પૈસાની કોઈ કિંમત નહિ હોય!’
આ છે આજના એલીટ ક્લાસનું માનસશાસ્ત્ર. તેઓ પૃથ્વીના પ્રશ્નો ઉકેલવા નથી માગતા, તેમાંથી તે બધા ભાગી છૂટવા - એસ્કેપ થવા માગે છે. ઇલોન મસ્ક મંગળ ગ્રહ પર વસાહત સ્થાપવાની વાતો કરે છે, ઝુકરબર્ગ મેટાવર્સ અને બંકર્સ બનાવે છે. આ બધો જ એક હાઈ-ટેક પલાયનવાદ છે.
આપણે પણ ક્યાંક ને ક્યાંક આવા જ માઈક્રો-બંકર્સ બનાવી રહ્યા છીએ. બહાર ગરમી 40 ડિગ્રી હોય અને ટ્રાફિકનો ધુમાડો હોય ત્યારે આપણે આપણી ગાડીના એસીના કાચ ચડાવીને અને ગ્લાસ-ફસાડવાળા ફ્લેટ્સમાં પુરાઈને એવું માની લઈએ છીએ કે આપણે સુરક્ષિત છીએ. ગરીબી, પ્રદૂષણ અને સિસ્ટમની નિષ્ફળતા આપણને સ્પર્શશે નહિ તેવો આપણો ભ્રમ છે. મિડલ ક્લાસ અને અપર-મિડલ ક્લાસ ઝડપથી અમીર થવાના શોર્ટકટ્સ શોધે છે, જેથી તે પણ આ ડિસ્ટોપિયન (મિથ્યા સૃષ્ટિ) વાસ્તવિકતામાંથી પોતાની જાતને ખરીદીને અલગ કરી શકે, પણ ઇતિહાસ સાક્ષી છે કે પલાયનવાદ ક્યારેય કાયમી ઉકેલ નથી હોતો.
રોમન સામ્રાજ્ય જ્યારે પતન તરફ જઈ રહ્યું હતું ત્યારે તેના અમીરો પોતાના મહેલોમાં ભરાઈ ગયા હતા, છતાં સામ્રાજ્યનું પતન તો થયું જ. કોઈ પણ બંકર, ભલે તે ગમે તેટલું આધુનિક કેમ ન હોય, એ આખરે તો એક હાઈ-ટેક જેલ જ છે. જે લોકો ભવિષ્યની ટેકનોલોજી બનાવે છે, જો તે લોકો જ ભવિષ્યથી ડરીને જીવતા હોય તો આપણે એક સમાજ તરીકે કઈ દિશામાં જઈ રહ્યા છીએ તેનું આ સૌથી બિહામણું સત્ય છે.
એક વાત આપણે સમજવી પડશે કે મનુષ્ય જાતિની મહાનતા એસ્કેપમાં નથી, પણ રિયાલિટીનો સામનો કરીને તેને સુધારવામાં છે. જો પૃથ્વી જ રહેવાલાયક નહિ રહે તો પાતાળમાં સંતાયેલા અબજોપતિઓ આખરે પોતાના જ ભયના ગુલામ બનીને મરશે. ખરી કોમેડી એ છે કે ઇજિપ્તના રાજાઓ મૃત્યુ પછીના જીવન માટે પિરામિડ બનાવતા હતા, જ્યારે આજના શાસકો જીવતેજીવ જ પોતાના માટે અંડરગ્રાઉન્ડ કબરો ખોદી રહ્યા છે.