ગાંધીનગરઃ ઉત્તર ભારતમાં વરસાદી માહાલો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ગઈ કાલે રાજસ્થાનમાં રેતનું તોફાન પણ આવ્યું હતું. જેવામાં ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદ થયો હતો. તેના આંકડાની વાત કરવામાં આવે તો, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અનેક તાલુકાઓમાં કમોસમી વરસાદ થયો છે. મહિસાગરના વીરપુરમાં 29 મીમી વરસાદ નોંધાયો છે.
ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ
ગુજરાતના હવામાનમાં અચાનક પલટો આવતા રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. મહિસાગર અને અરવલ્લી જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસાદના આંકડા જોઈએ તો મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં સૌથી વધુ 29 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે અરવલ્લી જિલ્લાનું મોડાસા 28 મીમી વરસાદ સાથે બીજા ક્રમે રહ્યું છે. પંચમહાલના શહેરા અને અરવલ્લીના ભિલોડામાં પણ 24-24 મીમી જેટલો વરસાદ ખાબક્યો છે.
45 તાલુકાઓમાં હળવો વરસાદ નોંધાયો
સાબરકાંઠાના હિંમતનગર, અરવલ્લીના બાયડ, દાહોદના લીમખેડા, પંચમહાલના હાલોલ અને કલોલ તેમજ ગાંધીનગર સહિતના અન્ય કુલ 45 તાલુકાઓમાં 1 મીમીથી લઇને 10 મીમી સુધીનો હળવો વરસાદ નોંધાયો છે. મે મહિનાના અંતમાં આવેલા આ અચાનક કમોસમી વરસાદના કારણે ઉનાળુ પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને શાકભાજી અને ખેતરોમાં ખુલ્લા પડેલા પાકને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે. હવામાન વિભાગ દ્વારા તમામ જિલ્લાના વહીવટી તંત્રોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી
આજે મહેસાણા અને સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદ થવાનો છે. આ સાથે 1લી જૂનના રોજ ચોમાસા પૂર્વેની આ સિસ્ટમ મધ્ય ગુજરાતમાં લંબાશે, જેના કારણે અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને આણંદમાં ધમાકેદાર વરસાદ પડશે તેની શક્યતાઓ છે. આગામી 2 જૂનના રોજ આ સિસ્ટમ સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં આગામી 4 જૂન દરમિયાન રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.