અમદાવાદ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સ્વાગત અંતર્ગત આવતી રજૂઆતોનો સમય મર્યાદામાં ન્યાયિક અને સરળ રીતે નિરાકરણ લાવીને પ્રજાનો સરકાર પ્રત્યેનો વિશ્વાસ વધુ સંગીન થાય તેવી કામગીરીના જિલ્લા તંત્રને દિશા નિર્દેશ આપ્યા હતા. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટ પણે જણાવ્યું કે, જો કોઈપણ રજૂઆત કર્તાનું કામ નિયમાનુસાર થવા પાત્ર હોય તો તાત્કાલિક તે પૂરું કરી આપવું જોઈએ. એટલું જ નહીં જો નિયમ મુજબ કામ થઈ શકે તેમ ન જ હોય તો સંબંધકર્તા વ્યક્તિને વારંવાર કચેરીના ધક્કા ખવડાવવાને બદલે તાત્કાલિક અને સ્પષ્ટ જવાબ પાઠવી દેવો જોઈએ.
મુખ્ય પ્રધાને મે-2026 મહિનાના રાજ્યકક્ષાના સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પ્રત્યક્ષ રજૂઆતો લઈને આવેલા સામાન્ય માનવીઓની રજૂઆતો સંવેદના પૂર્વક સાંભળી હતી. સામાન્યતઃ દર મહિનાના ચોથા ગુરુવારે યોજવામાં આવતો આ રાજ્ય સ્વાગત આ વખતે મે મહિનાના ચોથા ગુરુવારે જાહેર રજાને પરિણામે શનિવારે યોજાવામાં આવ્યો હતો. આ રાજ્ય સ્વાગતમાં 215થી વધુ અરજદારો પોતાની રજૂઆતો સાથે મુખ્ય પ્રધાન કાર્યાલયના જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા સ્વાગતમાં 1531 અને તાલુકા સ્વાગતમાં 2274 સહિત સમગ્રતયા 4020 અરજદારોની રજૂઆતો અંગે સંબંધિત વિભાગને જરૂરી કાર્યવાહી માટે મોકલવામાં આવી હતી.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ રાજ્ય સ્વાગતમાં જુનાગઢ, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોએ તેમના ખેતરોમાં જવા-આવવાના રસ્તા પર થયેલા ગેરકાયદે અને બિન અધિકૃત દબાણ અંગે રજૂઆત કરી હતી. મુખ્ય પ્રધાને ધરતીપુત્રોની રજૂઆત અંગે સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને સુચના આપીને જાહેર રસ્તાઓ પરના આવા દબાણો ન થાય અને ખેડૂતો પોતાના ખેતીના સાધનો તથા ખેતપેદાશો સરળતાથી લઈ જઈ શકે તે માટે રસ્તા ખુલ્લા રહે તે સુનિશ્ચિત કરવા તાકિદ કરી હતી. તેમણે જાહેર રસ્તાઓ પર દબાણ કરતાં અસામાજિક તત્વો સામે કડકાઈથી કામ લઈને ખેડૂતોને સલામતીનો અહેસાસ કરાવવા પોલીસ તંત્રને પણ સુચના આપી હતી.
બોટાદ જિલ્લાના એક અરજદારની ખેતીની જમીનમાં હયાતીમાં હક દાખલ કરવા અને હક્ક કમીની નોંધ પ્રમાણિત કરવા સંબંધિત મુદ્દે અગાઉ થયેલી વહીવટી ભૂલને કારણે અરજદારને સ્ટેમ્પ ડ્યુટીનો બોજ ન પડે તે માટે લોકાભિમુખ અભિગમ દાખવવા મુખ્ય પ્રધાને જિલ્લા વહીવટી તંત્રને યોગ્ય કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.
અમદાવાદ જિલ્લાના ખેડૂતો દ્વારા રિ-સર્વે બાદ 7/12નું પાનિયું બંધ થઈ જવાની રજૂઆત અંગે મુખ્ય પ્રધાને જિલ્લા કલેક્ટરને તાત્કાલિક કાર્યવાહી કરવા તેમજ રિ-સર્વે નંબરમાં ચૂકથી પડેલી નોંધના સુધારા માટે પણ જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. પાનિયું જનરેટ કરવા માટેનો હુકમ કરી દેવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. મુખ્ય પ્રધાને આવા નાના પ્રશ્નોનું નિરાકરણ સ્થાનિક કક્ષાએ જ ઝડપથી લાવવા સૌ જિલ્લા અધિકારીઓને તાકીદ કરી હતી.
વડોદરા જિલ્લાના એક અરજદારે ગામતળના વાડાની પ્રમાણિત નકલ અને માપણી અંગે રજૂઆત કરતાં મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, સરકારની કચેરીમાં રેકોર્ડ ઉપલબ્ધ ન હોય પરંતુ અરજદાર પાસે પ્રમાણિત નકલ હોય તો તેની યોગ્ય ચકાસણી કરી તેને માન્ય ગણી નિયમ મુજબ કાર્યવાહી થવી જોઈએ. આ અંગે તેમણે જિલ્લા કલેક્ટરને જરૂરી સૂચનાઓ આપી હતી.
અરવલ્લી જિલ્લાના એક ગામનો નગરપાલિકામાં સમાવેશ થયા બાદ વિકાસ યોજના મંજૂર ન થવાને કારણે રહેણાંક બાંધકામની રજા ચિઠ્ઠી આપવામાં વિલંબ થતો હોવાની રજૂઆત મળતા મુખ્ય પ્રધાને નગરપાલિકાને જરૂરી કાર્યવાહી બાદ બાંધકામ રજાચિઠ્ઠી અંગેની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવાની સૂચનાઓ આપી હતી.