દેશના રોકાણ જગતમાં મહત્ત્વપૂર્ણ પરિવર્તન આકાર લઈ રહ્યાં છે. કેન્દ્રશાસિત પ્રદેશો સહિત નાનાં શહેરોમાં લોકો પણ હવે બેન્ક ફિક્સ્ડ ડિપોઝિટ (FD)થી લઈને સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) તરફ વળવા લાગ્યા છે. આ બદલાવ અર્થતંત્રમાં મહત્ત્વનો ભાગ ભજવશે
જયેશ ચિતલિયા
ઈન્વેસ્ટમેન્ટની રુચિ હવે શહેરી વિસ્તારોથી આગળ વધી રહી છે, જેમાં ટોચના 30 શહેરો (T30)ની બહારના શહેરોમાં થતા રોકાણલક્ષી ફેરફારમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. આ હિસ્સેદારી મારફત વ્યક્તિગત મ્યૂચ્યુઅલ ફંડ એસેટ્સમાં છેલ્લાં અમુક વર્ષોમાં મહત્ત્વપૂર્ણ વૃદ્ધિ થઈ છે. આનું મુખ્ય કારણ છે ડિજિટલ પહોંચ અને વધતી આર્થિક જાગ્રતિ. રિયલ એસ્ટેટ જેવી ભૌતિક સંપત્તિઓ પ્રતિ પરંપરાગત ઝોક હવે ઘટી રહ્યો છે, કારણ કે યુવા વર્ગ અને ટેક્નોલોજીમાં નિષ્ણાત-જાણકાર ઈન્વેસ્ટરો ઝડપથી નાણાકીય સાધનો તરફ વળી રહ્યાં છે.
આમ તો વિવિધ બિનપરંપરાગત સાધનોમાં રોકાણ વિશેની પૂરતી કે યોગ્ય જાણકારી અને જાગ્રતિ નહી હોવા છતાં હાલ નાનાં શહેરોમાંથી સ્ટોકસ અને મ્યુચ્યુઅલ ફંડસમાં રોકાણ વધવા લાગ્યું છે. અમુક મ્યુચ્યુઅલ ફંડસ હવે મોટાં શહેરો કે મહાનગરો ઉપરાંત નાના-નાના શહેરોમાંથી રોકાણકારોને આકર્ષવા માંડ્યાં છે. તાજેતરમાં એક જાણીતી એસેટ મેનેજમેન્ટ કંપની (જે ચોથા ક્રમનું સૌથી વિશાળ ફંડ છે) એ લેહ-લદાખમાં ઓફિસ સ્થાપી છે. તેમને અહીંથી પણ રોકાણ મળવાનો વિશ્વાસ છે. આવા બરફીલા રિમોટ વિસ્તારોમાંથી પણ રોકાણકારો ફંડસના SIP (સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન) તરફ વળતા થયા છે. વરસો સુધી સલામત રોકાણ માટે કેવળ બેંક એફડી પર વિશ્વાસ રાખતા અહીંના રોકાણકારોને હવે ખ્યાલ આવી રહ્યો છે કે સંપત્તિસર્જન એફડીથી નહીં થાય, બલકે ઈક્વિટીલક્ષી મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓથી થશે એથી એ લોકો પણ આમાં લાંબા ગાળાનું રોકાણ પસંદ કરવા લાગ્યા છે.
અભ્યાસનું તારણ શું કહે છે...
વાત માત્ર લેહ-લદાખની નથી, પરંતુ ગુજરાત, આસામ, તામિલનાડુનાં નાનામાં નાના દૂરનાં સ્થળોએથી પણ રોકાણ પ્રવાહ આવતો થયો છે. અલબત્ત, આ એક ટ્રાન્સફોર્મેશનનો આરંભ છે.
આ પરિવર્તનની યાત્રા લાંબી છે, પણ શરૂઆત નવા પરિમાણ તરફ લઈ જશે એમ ચોકકસ કહી શકાય. ‘ એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડસ ઓફ ઈન્ડિયા’ (એમ્ફી) અને ‘ક્રિસિલ ઈન્ટેલિજન્સ’ના અભ્યાસ મુજબ બિયોન્ડ 30 સિટીઝ (એટલે કે મુખ્ય 30 શહેરો સિવાયના શહેરો)માંથી મ્યુચ્યુઅલ ફંડ તરફ આવતો વ્યક્તિગત રોકાણનો હિસ્સો વધીને હવે 27 ટકા ઉપર ગયો છે, જયારે કે ટોચના 30 શહેરોનો હિસ્સો 72 ટકા જેવો છે. આ રોકાણકારો હવે તેમના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળી રોકાણ કરતા થયા છે. અત્યારસુધી સોના-ચાંદી અને રિઅલ એસ્ટેટ પર વધુ ધ્યાન આપતો આ વર્ગ ડિમેટ એકાઉન્ટસ અને મ્યુચ્યુઅલ ફંડસનો પોર્ટફોલિયો વધારતો થયો છે.
રચનાત્મક પરિવર્તન...
આ શહેરોમાં ઈન્વેસ્ટરોમાં જોખમ ખેડવાની પ્રવૃત્તિઓ કરતાં ભરોસાપાત્ર સલાહ અને લાંબા ગાળાની સ્થિરતાને પ્રાથમિકતા અપાતી જોવા મળી છે. તદુપરાંત, આ ક્ષેત્રોમાં લોકો એમની આવકના પ્રમાણને ધ્યાનમાં રાખીને ઈન્વેસ્ટમેન્ટ કરવા પર વધારે સતર્ક દૃષ્ટિકોણ ધરાવે છે. તેમ છતાં ઈક્વિટીમાં ઈન્વેસ્ટમેન્ટ માટેની સ્વીકાર્યતા ધીરે ધીરે, પણ સ્પષ્ટ રીતે વધી રહી છે.
આ ક્ષેત્રોમાં મેનેજમેન્ટ હેઠળની લગભગ 64.3% ભંડોળ ઈક્વિટી લક્ષી યોજનાઓમાં છે, જે ઈક્વિટી માર્કેટ પ્રતિ મજબૂત પરંતુ સાવચેતીભર્યા વલણને પ્રતિબિંબિત કરે છે. આ બદલાયેલું ચિત્ર ભારતના નાનાં શહેરોમાં ઈન્વેસ્ટમેન્ટના વલણમાં એક રચનાત્મક પરિવર્તનનું પ્રતીક કહી શકાય.
વ્યક્તિગત અનુભવ - પડકાર
નાનાં શહેરોમાં લોકો 20 વર્ષ પહેલાં બેન્ક રિલેશનશિપ મેનેજરના માર્ગદર્શનથી ઈક્વિટી ફંડમાં- SIPમાં રોકાણ કરતા હતા. જે હવે પોતાની સમજ અને સ્વતંત્ર એકસપર્ટ સલાહ મારફત રોકાણ કરવા લાગ્યા છે. બજારની તેજી-મંદીને સમજવા લાગ્યા છે. જોકે, ઝડપી વળતરની લાલચમાં અનેક ઈન્વેસ્ટરોએ એવી ભૂલો પણ કરી છે જે તેમને મોંઘી સાબિત થઈ છે.
નવા ઈન્વેસ્ટરોનું કેવું છે વલણ?
જાણીતા ફાઈનાન્સિયલ માર્કેટ નિષ્ણાત નિલેશ શાહ કહે છે કે, જમીન અને સોનું જેવી ભૌતિક સંપત્તિઓનું પરંપરાથી વર્ચસ્વ રહ્યું છે એ વાત ખરી, પણ હવે લોકોનું વલણ ધીમે ધીમે નાણાકીય સાધનો તરફ વળી રહ્યું છે. આ વલણ કામચલાઉ નથી. નવા પ્રવેશતા ઈન્વેસ્ટરોના વલણમાં માળખાગત પરિવર્તન આવ્યું છે. ડીમેટ એકાઉન્ટ ખોલાવવું તે એક્સેસ છે. જ્યારે શિસ્તબદ્ધ ઈન્વેસ્ટર બનવું તે બિહેવ (વર્તણૂ્ક) છે.
જોખમભર્યું વર્તન પણ ખરું...
મહાનગરોના ઈન્વેસ્ટરો, જે જોખમ લેવા માટે વધુ તૈયાર રહેતા હોય છે. એમની સરખામણીમાં નાનાં શહેરોનાં ઈન્વેસ્ટરો કોઈકના ભરોસા પર અને લાંબા ગાળાની નાણાકીય સ્થિરતા પર ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે. આવા ઈન્વેસ્ટરો માર્કેટ વિશે ભલે વધારે જાગ્રત થઈ રહ્યા છે, પરંતુ તે સાવચેત રહેવાનું પસંદ કરે છે. અનેક નાનાં શહેરોના ઈન્વેસ્ટરો ચકાસણી વગરની ટિપ્સ પર અથવા સોશ્યલ મીડિયા ઈન્ફ્લૂએન્સર્સ પર નિર્ભર રહેતા હોવાથી ઈન્વેસ્ટમેન્ટ બાબતમાં જાગૃતિ આવે છે એ ખરું, પરંતુ ઘણીવાર ઈન્વેસ્ટરો ગેરમાર્ગે દોરનારી સલાહને કારણે ફસાઈ પણ જાય છે. ટૂંકા ગાળાના ટ્રેન્ડ પર કામ કરવાનું જોખમ પણ વધ્યું છે.
ગેરમાર્ગે દોરતી સલાહથી નુકસાન...
એક અન્ય નોંધનીય બાબત એ છે કે, B30 શહેરોમાં ઈન્વેસ્ટરો ઈક્વિટી-લક્ષી સ્કીમ વધારે પસંદ કરે છે. જ્યારે T30 શહેરોમાંના ઈન્વેસ્ટરો વૈવિધ્યસભર સંપત્તિ ફાળવણી તરફનું વલણ ધરાવે છે. જેમ જેમ નાણાકીય સમજણ વિકસિત થઈ રહી છે તેમ તેમ વિશ્વસનીય સલાહની આવશ્યક્તા પણ અનિવાર્ય બનતી જાય છે. B20 શહેરોમાં મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર્સની સંખ્યામાં થયેલી વૃદ્ધિ નાણાકીય જ્ઞાન અને જવાબદાર ઈન્વેસ્ટમેન્ટની દિશામાં પરિવર્તનનો સંકેત આપે છે, જેનાથી ઈન્વેસ્ટરોને જાણકારીપૂર્વકના નિર્ણય લેવામાં મદદ મળે છે. એસેટ મેનેજરો પણ હવે સ્થાનિક સમુદાયોમાં જોડાઈ રહ્યા હોવાથી જાગરૂકતા વધી રહી છે. નાનાં શહેરોના ઈન્વેસ્ટરોનો જોખમો સાથેનો સંબંધ રૂઢિચુસ્ત નથી, પરંતુ વિચારપૂર્વકનો હોય છે. એમને બજારની વધ-ઘટ સ્વીકાર્ય છે, પણ મૂડીનું કાયમી નુકસાન સ્વીકાર્ય નથી. બીજી તરફ, SIPની વધતી લોકપ્રિયતા દર્શાવે છે કે મોટા ભાગના ઈન્વેસ્ટરો નાના પાયે શરૂઆત કરીને અને નિયમિત રીતે ઈન્વેસ્ટ કરીને સહજતા મહેસૂસ કરે છે, કારણ કે તે નુકસાનના મામલે વધુ સંવેદનશીલ હોય છે.