Thu Aug 27 2026

Logo

‘સમય’નો આવ્યો 'સમય'! જે મુખ્યમંત્રીએ એફઆઈઆર કરાવી હતી, એ જ હવે સમય રૈનાની કરી રહ્યા છે પ્રશંસા

2026-08-09 20:51:00
Author: Mumbai Samachar Team
‘સમય’નો આવ્યો 'સમય'! જે મુખ્યમંત્રીએ એફઆઈઆર કરાવી હતી, એ જ હવે સમય રૈનાની કરી રહ્યા છે પ્રશંસા

ગુવાહાટીઃ કોમેડિયન અને કન્ટેન્ટ ક્રિએટર સમય રૈના ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. જોકે આ વખતે કારણ તેનો કોઈ વિવાદાસ્પદ કાર્યક્રમ નથી, પરંતુ આસામના પૂરગ્રસ્તોની મદદ માટે તેણે કરેલું રૂ. ૧૦ લાખનું દાન છે. સમય રૈનાએ આસામમાં પૂર રાહત અને પુનર્વસનના પ્રયાસો માટે મુખ્ય પ્રધાન રાહત કોષમાં રૂ. ૧૦ લાખનું યોગદાન આપ્યું છે.

સમયના આ યોગદાનની આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા માધ્યમ પર જાહેરમાં પ્રશંસા કરી હતી. સરમાએ સમયનો આભાર માનતા કહ્યું કે, આસામ માટેના આ મુશ્કેલ સમયમાં રાહતકાર્યમાં યોગદાન આપવા બદલ તેમનો આભાર. સરમાની આ પોસ્ટ સામે આવતા જ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ. તેનું મુખ્ય કારણ એ છે કે સમય રૈના અને આસામ સરકાર વચ્ચે અગાઉ મોટો વિવાદ થઈ ચૂક્યો છે. વર્ષ ૨૦૨૫માં સમય રૈનાના ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ કાર્યક્રમને લઈને વિવાદ થયો હતો.

કાર્યક્રમમાં કથિત રીતે અશ્લીલ અને વાંધાજનક સામગ્રી રજૂ કરવામાં આવી હોવાના આરોપો બાદ આસામ પોલીસે સમય રૈના સહિત એપિસોડમાં હાજર અન્ય લોકો સામે એફઆઈઆર નોંધાવી હતી. આ મામલે સમય અને અન્ય સંબંધિત લોકોને પોલીસ સમક્ષ હાજર થવા માટે પણ બોલાવવામાં આવ્યા હતા.

આ વિવાદ બાદ સમય રૈનાએ પોતાના હાસ્ય કાર્યક્રમોમાં આ કાયદાકીય કાર્યવાહી અને એફઆઈઆરનો ઘણી વખત મજાકિયા અંદાજમાં ઉલ્લેખ કર્યો છે. હવે જે મામલે તેની સામે કાર્યવાહી થઈ હતી, એ જ સમયના દાનની આસામના મુખ્ય પ્રધાન દ્વારા કરવામાં આવેલી પ્રશંસાએ જૂના વિવાદને ફરી ચર્ચામાં લાવ્યા છે.

સરમાની પોસ્ટ પર એક સોશિયલ મીડિયા વપરાશકર્તાએ મજાકિયા અંદાજમાં સમય રૈના સામેની એફઆઈઆર પાછી ખેંચી લેવાની અપીલ કરી હતી. આ ટિપ્પણી બાદ અન્ય યુઝર્સએ પણ જૂના વિવાદને યાદ કરીને વિવિધ પ્રતિક્રિયાઓ આપી હતી. 

કેટલાક યુઝર્સએ અગાઉ કરવામાં આવેલી કાયદાકીય કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા હતા અને તેને સત્તાના વધુ પડતા ઉપયોગ સાથે જોડી હતી. બીજી તરફ, ઘણા લોકોએ જૂના વિવાદને બાજુ પર રાખીને આસામના પૂરગ્રસ્તોની મદદ માટે સમાય રૈનાએ કરેલા રૂ. ૧૦ લાખના દાનની પ્રશંસા કરી હતી.

આ સમગ્ર ઘટનાએ સોશિયલ મીડિયા પર એક રસપ્રદ પરિસ્થિતિ ઊભી કરી છે, જે મુખ્ય પ્રધાનના રાજ્યમાં અગાઉ સમય રૈના સામે એફઆઈઆર નોંધાઈ હતી, એ જ સરમા હવે આસામના મુશ્કેલ સમયમાં મદદ કરવા બદલ તેની જાહેરમાં પ્રશંસા કરી રહ્યા છે.