મુંબઈઃ `હિટમૅન' રોહિત શર્માની કરીઅરના ભાવિ વિશે મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમ સ્થિત બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ના વડા મથકમાં ગુરુવારે ચર્ચા થવાની સંભાવના વચ્ચે એક વિશ્લેષણ જાણવા મળ્યું છે જે મુજબ જો રોહિતને 2027ના વન-ડે વર્લ્ડ કપ સુધી ટીમમાં જાળવી રાખવો કે નહીં એ વિશે ક્રિકેટ બોર્ડના મોવડીઓ કોઈ સ્પષ્ટ નિષ્કર્ષ પર નહીં આવે તો બની શકે કે ખુદ રોહિત (Rohit) બહુ જલદી નિવૃત્તિ જાહેર કરી દેશે. તેના છેલ્લી 10 ઇનિંગ્સના રનના આંકડા થોડા ચિંતાજનક તો છે જ.
છેલ્લે રોહિત શર્માએ જુલાઈમાં લૉર્ડ્સમાં ઇંગ્લૅન્ડ સામેની વન-ડેમાં સેન્ચુરી (138 રન) ફટકારી હતી. જોકે એ પછી પણ તેને 13 મહિના પછી સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં રમાનારા વન-ડે વર્લ્ડ કપમાં રમવા મળશે કે કેમ એની કોઈ ખાતરી નથી.
રોહિતના છેલ્લી 10 વન-ડે ઇનિંગ્સના રનઃ 75, 26, 24, 11, 16, 48, 78, 11, 26 અને 138 રન. રોહિતે ભલે જુલાઈમાં ઇંગ્લૅન્ડમાં છેલ્લી વન-ડેમાં 138 રન બનાવ્યા, પણ એ પહેલાંની બે મૅચમાં તે માત્ર 11 અને 26 રન બનાવી શક્યો હોવાથી ત્યારે તેની કરીઅરના ભાવિ (Future) વિશે ચર્ચા શરૂ થઈ હતી. ભારત એ સિરીઝ 1-2થી હારી ગયું હતું.
રોહિતના મુદ્દે બીસીસીઆઇના અમુક અધિકારીઓ અને સિલેક્શન કમિટી વચ્ચે એકમત નથી જેને લીધે રોહિતની આંતરરાષ્ટ્રીય કારકિર્દી અધ્ધરતાલ છે, કારણકે તે ટી-20 અને ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. બે મહિના પહેલાં સિલેક્ટરોએ જ્યારે રોહિતને વર્લ્ડ કપ માટેના તેમના પ્લાનમાં તે ન હોવાનું જણાવેલું ત્યારે તે નારાજ થયો હતો, પરંતુ સંન્યાસ વિશેનો કોઈ સંકેત નહોતો આપ્યો.