લંડનઃ ઇંગ્લૅન્ડમાં ક્રિકેટરો નશો કર્યા પછી પબમાં ઝઘડો કે મારામારી કરે એ ઘટનાથી હવે કોઈ નવાઈ નથી લાગતી, પણ કોઈ બ્રિટિશ ક્રિકેટર પર બળાત્કારનો આરોપ હોય એ જાણીને ચોંકી જ જવાય. વધુ શૉકિંગ વાત એ છે કે તેના પર રેપ (Rape)ના બે આરોપ છે અને અદાલતમાં તેનો કેસ આગળ વધવાનો છે જેની તારીખ આવી ગઈ છે. આ આરોપ કાઉન્ટી ક્રિકેટના ખેલાડી રૉબિન દાસ પર થયા છે.
ઇંગ્લૅન્ડની કાઉન્ટી ટીમ એસેક્સ વતી રમી ચૂકેલો 24 વર્ષનો રૉબિન જેમ્સ દાસ મૂળ બાંગ્લાદેશનો છે. તેના પિતા મૂળ બાંગ્લાદેશના સિલ્હટ શહેરના છે. રૉબિન દાસ ઇંગ્લૅન્ડમાં ઇતિહાસના વિષયમાં વિશેષ ભણ્યો છે. 2023માં તેને બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (બીપીએલ)માં ઢાકા ડૉમિનેટર્સના ફ્રૅન્ચાઇઝીએ ખરીદ્યો હતો.

રૉબિન દાસ (Robin Das) ઇંગ્લૅન્ડની ડોમેસ્ટિક ક્રિકેટનો ખેલાડી છે. 2024ની સાલમાં તેણે બ્રિક્સ્ટનમાં એક મહિલા પર બળાત્કાર કર્યો હોવાનો આરોપ છે. ગયા વર્ષે 27મી ઑગસ્ટે રૉબિનની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર પછી તેને જામીન મળ્યા હતા. તે આ વખતની કાઉન્ટી સીઝનમાં મિડલસેક્સ વિરુદ્ધ વન-ડે કપ મુકાબલામાં રમ્યો હતો. સમાચાર સંસ્થા આઇએએનએસના અહેવાલ અનુસાર બળાત્કારના મામલે ઇનર લંડન ક્રાઉન કોર્ટે નવમી ઑક્ટોબરે હાજર થવા કહ્યું છે.
23મી જુલાઈએ રૉબિન વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો એને પગલે તેને એસેક્સ ક્રિકેટે સસ્પેન્ડ કર્યો હતો. રૉબિને જે મહિલા પર બળાત્કાર કર્યો હોવાનો આરોપ છે એ મહિલાને આ કેસમાં ખાસ અધિકારીઓ દ્વારા મદદ મળી રહી છે.