Mon Jun 01 2026

Logo

આઈપીએલમાં બેંગ્લૂરુનું બૅક-ટુ-બૅક ટાઈટલ

2026-05-31 23:54:19
Author: Ajay Motiwala
Article Image

ગુજરાતને પાંચ વિકેટે હરાવીને સતત બીજું ટાઇટલ જીતી લીધુંઃ અમદાવાદમાં આરસીબીનું ફરી શાસન, કિંગ કોહલી વિરાટ-પર્વતની જેમ અડીખમઃ પાટીદારના રોહિત-ધોનીની જેમ સતત બે ટાઇટલ

અમદાવાદઃ અહીં રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1,32,000 પ્રેક્ષકો અને દેશ-વિદેશના મહાનુભાવોની હાજરીમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (આરસીબી)એ ગુજરાત ટાઇટન્સ (જીટી)ને પાંચ વિકેટ અને 12 બૉલ બાકી રાખીને હરાવવાની સાથે સતત બીજી વખત આઇપીએલની ટ્રોફી જીતી લીધી હતી. પહેલા 18 વર્ષમાં આરસીબીની ટીમ એકેય ટાઇટલ નહોતી મેળવી શકી, પણ 2025માં અને હવે 2026ની સીઝનમાં ટાઇટલ જીતીને કમાલ કરી નાખી. મુંબઈના રોહિત શર્મા અને ચેન્નઈના ધોની પછી હવે આરસીબીનો કૅપ્ટન રજત પાટીદાર બૅક-ટુ-બૅક ટાઇટલ જીતનાર ત્રીજો કૅપ્ટન બન્યો છે. ટૂર્નામેન્ટમાં પોતાના પહેલા ટાઇટલ બાદ એ પછીની જ સીઝનમાં ફરી એક ટાઇટલ જીતવાનો રેકૉર્ડ પણ પાટીદારની આરસીબીએ કર્યો છે.

વિરાટ કોહલી (75 અણનમ, 42 બૉલ, ત્રણ સિક્સર, નવ ફોર) આ ફાઇનલનો સુપરસ્ટાર હતો. તેની સાથે જિતેશ શર્મા 11 રને અણનમ રહ્યો હતો. ગુજરાતના રાશીદ ખાને બે તેમ જ સિરાજ, રબાડા, અર્શદ ખાને એક-એક વિકેટ મેળવી હતી.

રાશીદ ખાને નવમી ઓવરમાં કૅપ્ટન પાટીદાર (15 રન) અને કૃણાલ પંડ્યા (એક રન)ની વિકેટ લઈને ગુજરાતને મૅચમાં કમબૅક અપાવ્યું હતું. જોકે અડગ વિરાટને કોઈ નમાવી નહોતું શક્યું. વિરાટે વિનિંગ સિક્સર ફટકારી હતી. કૃણાલ આઇપીએલની જે ફાઇનલમાં રમ્યો એ તમામમાં તેણે જીત માણી છે. ફિલ સૉલ્ટ લાગલગાટ ત્રીજું ટાઇટલ જીત્યો છે, જ્યારે હૅઝલવૂડ વાઇટ બૉલ ફાઇનલ્સમાં અપરાજિત રહ્યો છે.

આરસીબીને માત્ર 156 રનનો લક્ષ્યાંક મળતાં વિરાટ-વેન્કટેશની ઓપનિંગ જોડીએ ક્લોઝિંગ સેરેમનીની ઝાકઝમાળ બાદ બૅટથી આતશબાજી શરૂ કરી દીધી હતી. તેમણે બિગ શૉટમાં ચારેકોર બૉલ મોકલ્યો હતો. ગુજરાતની ટીમ ફાઇનલમાં હતી છતાં અમદાવાદના સ્ટેડિયમમાં મોટા ભાગના પ્રેક્ષકો આરસીબીને ચિયર-અપ કરતા હતા અને તેમના બૅટ્સમેનોના પ્રત્યેક શૉટમાં ચીસો-બૂમો પાડતા હતા. એક પછી એક વિકેટ પડતી રહી હતી, પણ કોહલી વિરાટ-પર્વતની જેમ અડગ રહ્યો હતો. વિરાટે દાવની શરૂઆતમાં વેન્કટેશ ઐયર (32 રન, 16 બૉલ, બે સિક્સર, ચાર ફોર) સાથે 62 રનની ભાગીદારી કરી હતી.

વિરાટના કૅચની રામાયણઃ ગિલ ખોટો પડ્યો

બેંગ્લૂરુની 16મી ઓવરમાં કોહલી 63 રન પર હતો ત્યારે અર્શદ ખાનના બૉલમાં કોહલીના શૉટમાં શુભમન ગિલે નીચો કૅચ ઝીલ્યો હોવાની અપીલ થઈ હતી. કોહલી આઉટ જાહેર કરાયા બાદ ઊભો રહ્યો હતો અને પોતાની વિકેટ વિશે તેને સંશય હતો. અમ્પાયર નીતિન મેનને તેને પાછા જવા કહ્યું હતું અને તે થોડું ચાલ્યા બાદ પાછો આવ્યો હતો અને થર્ડ અમ્પાયર જયરામન મદનગોપાલના નિર્ણયની રાહ જોતો ઊભો હતો. થર્ડ અમ્પાયરે નિર્ણય આપ્યો કે `ગિલની બે આંગળી વચ્ચે બૉલ જમીનને અડી ગયો હતો'. વિરાટ મુઠ્ઠી વાળીને પાછો ક્રીઝમાં આવ્યો હતો અને ગિલ નિરાશ થઈને નીચે જોતો ઊભો રહ્યો હતો.

ગુજરાતની ટૉપ-ઑર્ડરની ત્રિપુટી ફ્લૉપ

એ પહેલાં, 2022ના ચૅમ્પિયન ગુજરાતે બેંગ્લૂરુ સામે પ્રથમ બૅટિંગમાં 20 ઓવરમાં આઠ વિકેટે માત્ર 155 રન બનાવ્યા અને ડિફેન્ડિંગ ચૅમ્પિયનને ફક્ત 156 રનનો લક્ષ્યાંક આપ્યો. આખી ટૂર્નામેન્ટમાં ગુજરાતનો ટૉપ-ઑર્ડર છવાઈ ગયો હતો. જોકે એમાંનું કોઈ આ ફાઇનલમાં બેંગ્લૂરુના બોલિંગ-આક્રમણ સામે ન ફાવ્યું. આ વખતની ટૂર્નામેન્ટમાં 700-પ્લસ રન બનાવનાર સાઇ સુદર્શન (12 રન)ને ભુવનેશ્વર કુમારે વિકેટકીપર જિતેશ શર્માના હાથમાં કૅચઆઉટ કરાવ્યો, કૅપ્ટન શુભમન ગિલે (10 રન) હૅઝલવૂડના બૉલમાં હરીફ કૅપ્ટન રજત પાટીદારને આસાન કૅચ આપી દીધો હતો, જ્યારે જૉસ બટલર (19 રન) સ્પિનર કૃણાલ પંડ્યાની જાળમાં ફસાયો અને તેના બૉલમાં જિતેશના હાથે સ્ટમ્પ-આઉટ થયો હતો.

એકમાત્ર વૉશિંગ્ટન સુંદર (50 અણનમ, 37 બૉલ, પાંચ ફોર) સન્માનજનક ઇનિંગ્સ રમ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં નિષ્ફળ ગયેલા નિશાંત સિંધુ (20 રન)એ ફક્ત 111.11ના સ્ટ્રાઇક-રેટથી રન બનાવ્યા હતા.બેંગ્લૂરુના બોલર્સમાં કાશ્મીરના પેસ બોલર રસિખ સલામે 27 રનમાં સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. ભુવનેશ્વર અને હૅઝલવૂડે બે-બે વિકેટ તથા કૃણાલે એક વિકેટ મેળવી હતી. જેકબ ડફીને 38 રનમાં વિકેટ નહોતી મળી.