Thu Oct 01 2026

Logo

શ્રીલંકામાં સારું રમ્યા, પણ ન્યૂ ઝીલૅન્ડમાં જીતવું બહુ મોટો પડકારઃ દ્રવિડ

2026-08-25 21:03:39
Author: Ajay Motiwala
શ્રીલંકામાં સારું રમ્યા, પણ ન્યૂ ઝીલૅન્ડમાં જીતવું બહુ મોટો પડકારઃ દ્રવિડ

`વિરાટ, રોહિત, પુજારા, રહાણે જેવા અનુભવીઓની ખોટ તો વતાર્શે જ'

મુંબઈઃ ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન, ભૂતપૂર્વ હેડ-કોચ અને `ધ વૉલ' તરીકે વિશ્વ વિખ્યાત રાહુલ દ્રવિડનું કહેવું છે કે `ભારતીય ટીમ શ્રીલંકાની ટેસ્ટ-સિરીઝમાં સારું રમી રહી છે, પરંતુ ઑક્ટોબરમાં ન્યૂ ઝીલૅન્ડ (New Zealand)ની ધરતી પર વિરાટ કોહલી, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે જેવા અનુભવીઓની ગેરહાજરીમાં રમવું અને જીતવું ટીમ ઇન્ડિયા માટે બહુ મોટો પડકાર બની જશે.'

આ ચારેય દિગ્ગજમાં વિરાટ-રોહિત હવે માત્ર વન-ડે રમે છે, જ્યારે પુજારા-રહાણે નિવૃત્ત થઈ ગયા છે. ભારતની ટેસ્ટ ટીમ ઑક્ટોબરમાં ન્યૂ ઝીલૅન્ડમાં બે ટેસ્ટની શ્રેણી રમશે. દ્રવિડે એક જાણીતી ઍપને મુલાકાતમાં કહ્યું, `ન્યૂ ઝીલૅન્ડમાં કિવીઓ સામે રમવું હંમેશાં મોટી ચૅલેન્જ બની જતી હોય છે. ભારતની વર્તમાન ટેસ્ટ ટીમના ઘણા યુવાન ખેલાડીઓ ન્યૂ ઝીલૅન્ડમાં હોય છે એવી પરિસ્થિતિમાં ક્યારેય નથી રમ્યા એટલે ભારત માટે એ ટૂર મોટો પડકાર બની જશે.'

દ્રવિડ (Dravid)નું એવું પણ કહેવું છે કે આગામી જાન્યુઆરીમાં ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓ ભારતમાં પાંચ મૅચની બોર્ડર-ગાવસકર ટ્રોફી ટેસ્ટ સિરીઝ રમવા અત્યારથી જ ઉત્સુક હશે.

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)માં ભારત હાલમાં બાંગ્લાદેશથી પણ પાછળ (છઠ્ઠા) નંબરે છે. દ્રવિડે કહ્યું, `ભારત ડબ્લ્યૂટીસીમાં બે વખત ફાઇનલ સુધી પહોંચ્યું છે, પરંતુ આ વખતે રેસમાં ધાર્યા કરતાં થોડું પાછળ છે. ભારતીયોએ ઑક્ટોબરમાં ન્યૂ ઝીલૅન્ડને હરાવવું જ પડશે. જોકે તેમની ધરતી પર જીતવું જરાય આસાન નથી.'