ચેન્નઈઃ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને પાંચ-પાંચ ટાઇટલ અપાવનાર ક્રિકેટ-લેજન્ડ મહેન્દ્રસિંહ ધોનીની એક વાત સીએસકેના મૅનેજમેન્ટે નથી માની એવો ચોંકાવનારો દાવો એક અહેવાલમાં કરવામાં આવ્યો છે.
કહેવાય છે કે સીએસકેનું મૅનેજમેન્ટ એમએસ ધોનીને વધુ ઇક્વિટી હિસ્સો આપવા ન માગતું હોવાથી તેની સાથેની મંત્રણા પડી ભાંગી હતી. અહેવાલ અનુસાર ધોની (DHONI)એ સીએસકેમાં પચીસ ટકા ઇક્વિટી હિસ્સો માગ્યો હતો, પરંતુ સીએસકેનું મૅનેજમેન્ટ માત્ર 3.3 ટકાનો જ હિસ્સો આપવા તૈયાર હતું.
કહેવાય છે કે ધોનીએ પોતાની ડિમાન્ડ ઘટાડીને 18 ટકા કરી હતી એમ છતાં સીએસકેના સંચાલકો ટસના મસ ન થયા અને તેને વધુમાં વધુ 5.5 ટકા હિસ્સો આપવા તૈયાર છે એવી ચર્ચા છે. બન્ને વચ્ચેની ચર્ચા કોઈ પણ નિષ્કર્ષ પર આવ્યા વિના પૂરી થઈ ગઈ હોવાનું મનાય છે.
ધોની ઈજાને કારણે 2026ની આખી આઇપીએલમાં નહોતો રમી શક્યો અને હવે 2027ની સીઝનમાં રમશે કે કેમ એ હજી નિશ્ચિત નથી. જોકે એક અહેવાલ એવો પણ વાઇરલ થયો છે કે 2026ની સીઝન પહેલાં સીએસકેના મૅનેજમેન્ટે ટ્રેડ ડીલમાં રવીન્દ્ર જાડેજા રાજસ્થાન રૉયલ્સને આપી દીધો એ ધોનીને જરાય નથી ગમ્યું.