Wed Aug 19 2026

Logo

આરબીઆઈના વ્યાજદર અંગેના નિર્ણય, પશ્ચિમ એશિયાની સ્થિતિ અને ક્રૂડતેલના ભાવ પર ઈક્વિટી માર્કેટની વધઘટ અવલંબિત રહેશે

2026-08-02 20:06:38
Author: Ramesh Gohil
Article Image

RBI


નવી દિલ્હીઃ આજથી (સોમવારથી) શરૂ થઈ રહેલી રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની મોનેટરી પૉલિસી કમિટીની ત્રણ દિવસયી બેઠકનાં અંતે વ્યાજદર અંગેના નિર્ણય, અમેરિકા અને ઈરાન વચ્ચેના વિવાદને ધ્યાનમાં લેતા પશ્ચિમ એશિયાની સ્થિતિ અને ક્રૂડતેલના ભાવની વધઘટ પર ઈક્વિટી માર્કેટની વધઘટ અવલંબિત રહેશે, એવું વિશ્લેષકોનું માનવું છે. 

વધુમાં સપ્તાહ દરમિયાન જાહેર થનારા વર્તમાન નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકગાળાનાં પરિણામો અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લે-વેચ પર પણ બજારની અસર જોવા મળશે.
વર્તમાન સપ્તાહે આજથી અથવા ત્રીજી ઑગસ્ટથી પાંચમી ઑગસ્ટ દરમિયાન રિઝર્વ બૅન્કની મોનેટરી પૉલિસી કમિટીની બેઠકમાં વ્યાજદર અંગેનો નિર્ણય બજારનું મુખ્ય ચાલક પરિબળ પુરવાર થશે.

આ ઉપરાંત બજાર વર્તુળોની નજર વર્તમાન નાણાકીય વર્ષનાં પહેલા ત્રિમાસિકગાળાના જાહેર થનારા લાર્જકેપ અને મિડકેપ કંપનીઓનાં પરિણામો પર મંડાયેલી રહેશે, એમ રેલિગેર બ્રોકિંગ લિ.નાં રિસર્ચ વિભાગના સિનિયર વાઈસ પ્રેસિડૅન્ટ અજિત મિશ્રાએ જણાવ્યું હતું.  વધુમાં વૈશ્વિક પરિબળોમાં મુખ્યત્વે અમેરિકા અને ઈરાન વચ્ચેના વિવાદના અહેવાલો અને દરિયાઈ માર્ગે હેરફેર થઈ રહેલા ક્રૂડતેલના પુરવઠાના અહેવાલો પર પણ બજાર પર અસર જોવા મળશે, એમ તેમણે ઉમેર્યું હતું. 

અત્રે નોંધનીય બાબત એ છે કે વિદેશી રોકાણકારોએ સતત ચાર મહિના સુધી ભારતીય ઈક્વિટી માર્કેટમાં વેચવાલી કર્યા બાદ આકર્ષક વૅલ્યૂએશન, પ્રોત્સાહક કોર્પોરેટ પરિણામો અને વૈશ્વિક સ્તરે જોખમો હળવાં થયાં હોવાથી ગત જુલાઈ મહિનામાં પહેલી વખત તેઓનો રૂ. 20,200 કરોડનો ચોખ્ખો આંતરપ્રવાહ જોવા મળ્યો હતો. વધુમાં ઓનલાઈન ટ્રેડિંગ અને વૅલ્થ ટૅક કંપની એનરીચ મનીના ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર પોન્મુડી આરએ જણાવ્યું હતું કે રોકાણકારોની નજર પશ્ચિમ એશિયાના ભૂરાજકીય તણાવના અહેવાલો પર મંડાયેલી રહેશે. જો અમેરિકા અને ઈરાન વચ્ચેનો વિવાદ વધુ વકરશે તો તેની માઠી અસર ક્રૂડતેલના ભાવ પર પડતાં વૈશ્વિક જોખમોમાં વધારો થશે.

વર્તમાન સપ્તાહે મુખ્યત્વે ડીએલએફ, ભારતી એરટેલ, ઓએનજીસી, હીરોમોટોકોર્પ, એલઆઈસી અને સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયાનાં પરિણામોની જાહેરાત થનાર છે. વધુમાં મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્સિયલ સર્વિસીસ લિ.નાં રિસર્ચ અને વેલ્થ મેનેજમેન્ટના હેડ સિદ્ધાર્થ ખેમકાએ જણાવ્યું હતું કે વર્તમાન સપ્તાહ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સ્થાનિક આર્થિક પરિબળો અને વર્તમાન નાણાકીય વર્ષનાં પહેલા ત્રિમાસિકગાળાના પરિણામો પ્રોત્સાહક આવી રહ્યાં હોવાથી રોકાણકારોના વિશ્વાસમાં વધારો થતાં બજારમાં સુધારાતરફી વલણ જળવાઈ રહે તેવી શક્યતા છે.

આ ઉપરાંત બજાર વર્તુળોની નજર રિઝર્વ બૅન્કના નીતિવિષયક નિર્ણય, ગત જુલાઈ મહિનાના પીએમઆઈ મેન્યુફેક્ચરિંગ અને સર્વિસીસનાં ઈન્ડેક્સની જાહેરાત, ક્રૂડતેલના ભાવની વધઘટ અને પશ્ચિમ એશિયાના ભૂરાજકીય તણાવના અહેવાલો પર પણ રહેશે, એમ તેમણે ઉમેર્યું હતું. ગત સપ્તાહે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ 2.67 ટકા અથવા તો 2034.87 પૉઈન્ટ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી 2.59 ટકા અથવા તો 616.15 પૉઈન્ટ વધીને બંધ રહ્યો હતો.