મુંબઈઃ દેશમાં વિદેશી હૂંડિયામણના આંતરપ્રવાહને પ્રોત્સાહન આપવા માટે અમલી બનાવવામાં આવેલી ક્નસેશનલ સ્વેપ ફેસિલિટી અંતર્ગત ગત 13મી ઑગસ્ટ સુધીમાં 56.84 અબજ ડૉલર આકર્ષિત થયા હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ ગત શુક્રવારે જણાવ્યું હતું.
એકંદરે એફસીએનઆર (બી) ડિપોઝિટ માટેની સ્વેપ ફેસિલિટીને પ્રોત્સાહક પ્રતિસાદ મળતાં વિદેશી હૂંડિયામણનો આંતરપ્રવાહમાં વધારો થયો છે. આ સુવિધા આગામી 31મી ઑગસ્ટ સુધી એકત્રિત કરાયેલ થાપણો અથવા ડિપોઝિટ માટે જ ઉપલબ્ધ રહેશે.
અગાઉ વિદેશી ચલણ બિન નિવાસી (બૅન્ક) અથવા તો એફસીએનઆર (બી) ડિપોઝિટ માટેની કટ ઑફ તારીખ 30મી સપ્ટેમ્બર હતી. એફસીએનઆર (બી) સ્કીમ હેઠળ વિદેશી ચલણી ડિપોઝિટ આકર્ષવા માટે બૅન્ક આકર્ષક વ્યાજદર ઑફર કરે છે. આ સુવિધા હેઠળ સ્વેપ એટલે કે એફસીએનઆર (બી) ડિપોઝિટ 11મી સપ્ટેમ્બર, 2026 સુધી ઉપલબ્ધ થઈ શકે છે, એમ રિઝર્વ બૅન્કે યાદીમાં ઉમેર્યું હતું.
વધુમાં રિઝર્વ બૅન્કે જણાવ્યું હતું કે ઈસીબી અને ઓએફસીબી માટેની સ્કીમ આગામી 31મી ડિસેમ્બર, 2026 સુધી ખુલ્લી રહેશે. કુલ થયેલા આંતરપ્રવાહ પૈકી એફસીએનઆર (બી) ડિપોઝિટમાં 52.3 અબજ ડૉલરનો આંતરપ્રવાહ હતો, જ્યારે ઓવરસીઝ ફોરેન કરન્સી બોરોઈંગમાં 2.805 અબજ ડૉલર અને એક્સ્ટર્નલ કોમર્શિયલ બોરોઈંગમાં 1.741 અબજ ડૉલર આકર્ષાયા હતા. ક્નસેશનલ સ્વેપ ફેસિલિટી ગત આઠમી જૂન, 2026થી કાર્યાન્વિત થઈ હતી.
નોંધનીય બાબત એ છે કે તાજેતરના મહિનાઓમાં ડૉલર સામે રૂપિયામાં થયેલા ધોવાણને કારણે વૈશ્વિક બજારની અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતનાં બાહ્ય ક્ષેત્રની સ્થિતિ મજબૂત બનાવવા અને વિદેશી હૂંડિયામણની પ્રવાહિતાને ટેકો આપવાના પ્રયાસોના ભાગરૂપે આ પગલાંઓની જાહેરાત કરવામાં આવી હતી.