મુંબઈ/રત્નાગિરી: પુણ્યશ્લોક અહિલ્યાદેવી હોળકર લોનમાફી યોજનાનો લાભ મેળવવા માટે રત્નાગિરિ જિલ્લા વહીવટીતંત્રે તમામ પાત્ર ખેડૂતોને તાત્કાલિક 'એગ્રીસ્ટેક ફાર્મર આઈડી' બનાવવાની અને ઈ-કેવાયસી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાની અપીલ કરી છે. તંત્રના જણાવ્યા અનુસાર, જરૂરી દસ્તાવેજોની પ્રક્રિયા અધૂરી હોવાથી હજારો ખેડૂતોને સરકાર દ્વારા મંજૂર કરાયેલી કર્જમાફીનો લાભ હજુ સુધી મળી શક્યો નથી.
ઉલ્લેખનીય છે કે હાલ જિલ્લામાં કુલ 7,008 ખેડૂતો કર્જમાફી માટે પાત્ર જાહેર થયા છે, પરંતુ માત્ર 2,109 ખેડૂતોએ જ ફાર્મર આઈડી બનાવ્યું છે. બાકીના 4,899 ખેડૂતો પાસે હજુ ફાર્મર આઈડી નથી. ઉપરાંત 4,006 ખેડૂતોની ઈ-કેવાયસી પ્રક્રિયા પણ બાકી છે. પરિણામે જિલ્લાના આશરે 69 ટકા પાત્ર ખેડૂતોના ખાતામાં કર્જમાફીની રકમ હજુ સુધી જમા થઈ શકી નથી.
આ પ્રકરણે માહિતી આપતા વહીવટીતંત્રે જણાવ્યું છે કે કર્જમાફીનો લાભ મેળવવા માટે 'એગ્રીસ્ટેક ફાર્મર આઈડી' ફરજિયાત છે. જોકે, ઘણા ખેડૂતોના નામે સાતબારા ન હોવા , જમીન પરિવારના અન્ય સભ્યોના નામે હોવી અથવા માલિકીના રેકોર્ડ અધૂરા હોવાના કારણે ફાર્મર આઈડી બનાવવામાં મુશ્કેલી પડી રહી છે. આ ટેક્નિકલ કારણોસર સહાયની રકમ ખેડૂતોના ખાતામાં જમા થવામાં વિલંબ થઈ રહ્યો છે.
તંત્રએ તમામ પાત્ર ખેડૂતોને લાભાર્થી યાદીનો ક્રમાંક, આધાર કાર્ડ, લોન ખાતાનું પાસબુક અને બેંક પાસબુક સાથે નજીકના 'આપલે સરકાર' સેવા કેન્દ્ર અથવા કોમન સર્વિસ સેન્ટર (CSC)માં જઈ આધાર આધારિત ચકાસણી કરાવી ફાર્મર આઈડી અને ઈ-કેવાયસીની પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરવાની અપીલ કરી છે. આ સેવા સંપૂર્ણપણે નિઃશુલ્ક ઉપલબ્ધ હોવાનું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
ફાર્મર આઈડી અને ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ થતાં જ પાત્ર ખેડૂતોના ખાતામાં કર્જમાફીની રકમ જમા કરવાની કાર્યવાહી ઝડપી બનશે. તેથી કોઈ પણ પાત્ર ખેડૂત માત્ર ટેક્નિકલ પ્રક્રિયા અધૂરી હોવાના કારણે યોજનાના લાભથી વંચિત ન રહે, તે માટે વહેલી તકે જરૂરી કાર્યવાહી કરવાની અપીલ પણ તંત્રએ તમામ ખેડૂતોને કરી છે.