Thu Jun 18 2026

Logo

રણજી ફાઇનલઃ જમ્મુ-કાશ્મીરે બોલિંગને બદલે બૅટિંગથી કર્ણાટક પર વર્ચસ્વ જમાવ્યું!

2026-02-24 19:00:00
Author: Ajay Motiwala
Article Image

હુબલી (કર્ણાટક): રણજી ટ્રોફીની ફાઇનલમાં પહેલી જ વખત પ્રવેશેલા જમ્મુ-કાશ્મીરની ટીમ આ પાંચ-દિવસીય મુકાબલામાં બોલિંગની તાકાતથી કર્ણાટક પર વર્ચસ્વ જમાવશે અને કર્ણાટકનો બૅટિંગમાં પરચો જોવા મળશે એવી ધારણા વચ્ચે મંગળવારે અહીં મૅચ (સવારે 9.30 વાગ્યાથી)ના પ્રથમ દિવસે સ્થિતિ સાવ ઊલટી હતી. જમ્મુ-કાશ્મીરે બૅટિંગના જોરે કર્ણાટકની ટીમ પર અંકુશ જમાવ્યો હતો. રમતના અંત સુધીમાં જમ્મુ-કાશ્મીરનો પ્રથમ દાવનો સ્કોર માત્ર બે વિકેટે 284 હતો.

શુભમ-યાવરની 139 રનની ભાગીદારી

જમ્મુ-કાશ્મીરે (JAMMU-KASHMIR)મૅચના પ્રથમ દિવસે 27 વર્ષીય લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન શુભમ પુંડીર (117 નૉટઆઉટ, 221 બૉલ, બે સિક્સર, બાર ફોર)ની સેન્ચુરી તેમ જ બાવીસ વર્ષીય રાઇટ-હૅન્ડ ઓપનર યાવર હાસન (88 રન, 150 બૉલ, તેર ફોર) અને 24 વર્ષીય રાઇટ-હૅન્ડ બૅટ્સમૅન અબ્દુલ સમદ (બાવન નૉટઆઉટ, 67 બૉલ, એક સિક્સર, પાંચ ફોર)ની હાફ સેન્ચુરીની મદદથી બે વિકેટે 284 રન કર્યા હતા. શુભમ-યાવર વચ્ચે બીજી વિકેટ માટે 139 રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી.

બન્ને વિકેટ પ્રસિદ્ધ ક્રિષ્નાને મળી

સામાન્ય રીતે એવું મનાતું હતું કે જમ્મુ-કાશ્મીરની બૅટિંગ લાઇન-અપનો દેવદત્ત પડિક્કલની બોલિંગ સામે ખાસ કંઈ જવાબ નહીં હોય, પણ એ ધારણા ખોટી પડી હતી. પ્રસિદ્ધ ક્રિષ્ના, વિજયકુમાર વૈશાક અને શ્રેયસ ગોપાલ સહિતની બોલિંગ લાઇન-અપનો જમ્મુ-કાશ્મીરના બૅટ્સમેનોએ હિંમતથી સામનો કર્યો હતો અને આખા દિવસમાં (87 ઓવરમાં) માત્ર બે વિકેટ ગુમાવી હતી. આઇપીએલમાં મુંબઈ, રાજસ્થાન, હૈદરાબાદ અને ચેન્નઈ વતી રમી ચૂકેલા અનુભવી સ્પિનર શ્રેયસ ગોપાલને 79 રનમાં એક પણ વિકેટ નહોતી મળી. બન્ને વિકેટ પ્રસિદ્ધ ક્રિષ્નાએ માત્ર 36 રનના ખર્ચે મેળવી હતી. માત્ર સાત મૅચના અનુભવી 20 વર્ષીય સ્પિનર શિખર શેટ્ટીને 68 રનમાં વિકેટ નહોતી મળી.

ક્રિષ્નાનાં બૉલમાં કૅપ્ટન ડોગરા ઘાયલ

જમ્મુ-કાશ્મીરના સુકાની પારસ ડોગરાને બૅટિંગ દરમ્યાન પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાનો શૉર્ટ બૉલ ખભા નજીકના અને ગરદનની નીચેના હાડકાં (કૉલર બોન) પર વાગ્યો હતો. જોકે તેણે રમવાનું ચાલુ રાખ્યું હતું અને ઇનિંગ્સની 63મી ઓવરમાં બીજા પેસ બોલર વિજયકુમાર વૈશાકનો એક બૉલ ડોગરાને હાથ પર વાગ્યો હતો અને તે નવ રનના સ્કોર પર રિટાયર હર્ટ થઈને પૅવિલિયનમાં પાછો આવી ગયો હતો. ત્યાર બાદ બૅટ્સમૅન અબ્દુલ સમદે પેસ બોલર વિદ્યાધર પાટીલના સતત ત્રણ બૉલમાં ત્રણ ચોગ્ગા માર્યા હતા. પાટીલને 66 રનમાં વિકેટ નહોતી મળી.

કર્ણાટકના બૅટ્સમેનોની કસોટી

હવે બુધવારે પ્રથમ દાવમાં જમ્મુ-કાશ્મીરનો સ્કોર ક્યાં સુધી પહોંચે છે અને કર્ણાટક (KARNATAK) પહેલા દાવમાં સરસાઈ મેળવી શકશે કે નહીં એના પર આ મૅચના પરિણામનો આધાર રહેશે. કર્ણાટક પાસે પડિક્કલ ઉપરાંત કે. એલ. રાહુલ, મયંક અગરવાલ, કરુણ નાયર અને રવિચન્દ્રન સ્મરણ જેવા સ્ટાર બૅટ્સમેનો છે.